રાજનીતિ

વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે પ્રધાનમંત્રીના અગ્ર સચિવે પગલાંઓની કરી સમીક્ષા

94views

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે પંજાબ, હરિયાણા અને દિલ્હી રાજ્ય દ્વારા લેવામાં આવેલા પગલાંઓની ફરી સમીક્ષા કરી હતી.આ બેઠકમાં પ્રધાનમંત્રીના અગ્ર સલાહકાર પી. કે. સિંહા, કેબિનેટ સચિવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન સચિવ, કૃષિ સચિવ, કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન, ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક, પંજાબ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો..

પંજાબના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, જ્યાં હોટસ્પોટ્સ ઓળખવામાં આવ્યા છે તેવા વિવિધ જિલ્લાઓના નાયબ કમિશનરો સાથે મળીને તેઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, વાયુ (પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981નું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી રહી છે. આ કાયદાનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓમાં રાજ્ય સરકાર જરૂરી દંડ કરીને આકરા પગલાં લઇ રહી છે.

હરિયાણાના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠુંઠા બાળવાના કિસ્સાઓ વહેલામાં વહેલી તકે ઘટાડવા માટે મુખ્યમંત્રીએ તમામ સંબંધિત અધિકારીઓને નિર્દેશો આપ્યા છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે વિવિધ ટીમો અવિરત ફિલ્ડમાં કામ કરી હતી.

દિલ્હીના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, ફુવારાથી પાણીનો છંટકાવ વધારવામાં આવ્યો છે અને જ્યાં પરિસ્થિતિ સુધારવાની ખાસ જરૂર છે તેવા હોટસ્પોટ અને કોરીડોર ઓળખી કાઢવામાં આવ્યા છે. શહેરમાં ખુલ્લામાં કચરો ફેંકવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને આ માપદંડોનું ઉલ્લંઘન કરનારાઓને મહત્તમ દંડ ફટકારવામાં આવે છે.
ભારતીય હવામાન વિભાગે સૂચવ્યું હતું કે, આગામી થોડા દિવસોમાં હવામાનની સ્થિતિ અનુકૂળ થવાની શક્યતા છે.

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે જરૂરિયાત અનુસાર આગોતરા પ્રભાવી પગલાંઓ લેવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તાકીદે કામગીરી કરવા માટે એક ચોક્કસ તંત્રપ્રણાલી સ્થાપિત કરવાની જરૂર છે.
વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે તમામ સંબંધિત લોકો દ્વારા કરાયેલા પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, ટૂંકાગાળાના પગલાંઓ લીધા પછી, કાયમી અને લાંબાગાળાના ઉકેલ માટે એક ખાસ પ્રણાલી સ્થાપિત કરવામાં આવશે.

.

Leave a Response

error: Content is protected !!