Corona Update

અમદાવાદને કોરોના મુક્ત બનાવવા જે ચાર અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તેમના વિષે જાણો

1.26Kviews

કમિશનર વિજય નેહરાને હોમ ક્વોરેન્ટાઇન થતા જ ચાર અધિકારીઓની ટિમ ઉતારી દીધી છે. આ ચાર અધિકારીઓ ગુજરાત સરકારમાં પણ મહત્વની કામગીરી અને પદ સંભાળે છે. અમદાવાદને કોરોના મુક્ત બનાવવા જયારે આ ચાર અધિકારીઓ મેદાને ઉતર્યા છે ત્યારે તેમના વિષે જાણવું જરૂરી છે. આ ચારેય અધિકારીઓ સરકારની ગુડબુકમાં છે.

-વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ.  મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે
– અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ  ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે
– કોવિડ-19 ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ  પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે

અનિલ મુકીમ : 1985 બેચના આ અધિકારી અમદાવાદથી સારી રીતે પરીચીત છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે. અમદાવાદની સાથે સાથે ગુજરાત ઉપર પણ તેમની સારી પકડ છે. જેઓ વહીવટી તંત્ર ઉપર મજબૂત પકડ ધરાવે છે. તેમની ગણના ઈમાનદાર અધિકારીઓમાં થાય છે. તેઓ ભાજપ હાઇકમાન્ડની ગુડબુકમાં સ્થાન ધરાવે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના પ્રથમ સચિવ અનિલ મુકીમ બન્યા હતા.નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારબાદ તેઓએ અનિલ મુકીમને પણ દિલ્હી તેડાવ્યા હતા પરંતુ ગુજરાતમાં તેમની જરૂરિયાત વધુ લગતા અને મોદીના વિશ્વાસુ હોવાની છાપ ધરાવતા મુકીમને ફરીથી ગુજરાત મોકલી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

કે.કૈલાસનાથન : 1979 બેચના અધિકારી કૈલાસનાથનને ગુજરાત સરકારના સંકટમોચક માનવામાં આવે છે અને તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કર્યું હતું. જૂન 2013માં સેવાનિવૃત્ત થયા બાદ તુરંત જ મોદીએ તેમના માટે પોતાની કચેરીમાં મુખ્ય અગ્ર સચિવનો એક વિશેષ હોદ્દો ઊભો કરી તેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી નિમણૂક આપી હતી. 2014ની લોકસભા ચૂંટણી બાદ મોદી વડાપ્રધાન બન્યા અને તેઓ કૈલાસનાથનને પોતાની સાથે દિલ્હી લઇ જશે તેવી વકી વચ્ચે પણ કૈલાશનાથન ગુજરાત જ રહ્યા અને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ બે વાર એક એક વર્ષના બે એક્સટેન્શન આપ્યા. તે પછી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે ઓગસ્ટ 2016થી ડિસેમ્બર 2017 અને ડિસેમ્બર 2017થી ડિસેમ્બર 2019 સુધીનું એક્સટેન્શન અપાયું હતું. 33 વર્ષ સુધી ગુજરાત સરકારમાં સનદી અધિકારી તરીકે કામ કર્યાં બાદ આ વધુ સાડા છ વર્ષના સમયગાળા માટે કૈલાસનાથને કામ કર્યું છે. સત્તાના ગલિયારામાં કેકેના હુલામણા નામથી ઓળખાતા કૈલાસનાથન પાસે હાલ ઘણી મહત્ત્વના ખાતાની કામગીરીઓ છે.

રાજીવકુમાર ગુપ્તા : 1986 બેચના ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા પણ સરકારની ગુડ બુકમાં છે. ગાંધીનગરમાં કોરોના મામલે સરકારે તેમને જવાબદારી સોંપી હતી. જેને લઈને સમગ્ર ગાંધીનગરમાં કોરોનાને ફેલાવતો અટકાવવામાં તેમની રણનીતિ મજબૂતાઈથી કામ કરી ગઈ. આજે ગાંધીનગરમાં કેસો નોંધાય છે પરંતુ તે નહિવત પ્રમાણમાં છે. ગાંધીનગર પોલીસની કડકાઈ અને તંત્રની રણનીતિએ કોરોનાને ગાંધીનગરને બાનમાં લેવા દીધું નથી. તેમની કામગીરીથી સરકારે પ્રભાવિત થઈને અમદાવાદની જવાબદારી પણ સોંપી છે.

મુકેશકુમાર : 1996 બેચના આ અધિકારી અગાઉ અમદાવાદના મ્યુ. કમિશનર પદે રહી ચુક્યા છે. તે સમયે તેઓએ આવતા વેંત જ અમદાવાદમાં એક જ જગ્યાએ ચીપકીને બેઠેલા અધિકારીઓની બદલી કરી નાખી હતી. સાથે જ કામચોર બનેલા કેટલાક કર્મચારીઓને પણ સાઈડ લાઈન કરી દીધાની ચર્ચાઓ ઉઠી હતી. મુકેશકુમાર કડક અધિકારી તરીકેની પણ છાપ ધરાવે છે. જેથી અમદાવાદના ભૂગોળથી વાકેફ આ અધિકારીની કામગીરી પણ નિર્ણાયક બની રહેશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
ઉપરોક્ત તમામ અધિકારીઓએ ગઈકાલે જ અમદાવાદમાં મેરેથોન બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જ કેટલાક મહત્વનો નિર્ણયો લેવાની પણ તૈયારી કરી લીધી છે

Leave a Response

error: Content is protected !!