જાણવા જેવુ

આજે ભગવાન જગન્નાથજી પોતાના મોસાળ સરસપુરમાં કરશે પ્રયાણ , ભક્તોમાં અનેરો ઉત્સાહ

110views

આજે ભગવાન જગન્નાથની 142મી જળયાત્રા નીકળી ચૂકી છે. જમાલપુર મંદિરેથી સવારે 8 વાગ્યે જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી. શ્રૃંગાર કરેલા હાથીઓની સાથે બેન્ડવાજા ભજનમંડળી અને મોટીસંખ્યામાં ધજા પતાકા લઈને શ્રદ્ધાળુઓ જોડાયા છે. શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચ્યા બાદ ગંગાપૂજન કરવામાં આવશે. ગંગા પૂજન બાદ 108 કળશમાં જળ ભરવામાં આવશે. નિજ મંદિરે આવ્યા બાદ સવારે 10 વાગ્યે વિધિવત મહાજળાભિષેક કરવામાં આવશે. ભગવાનનું ષોડશોપચાર પૂજન થયા બાદ તેઓ પોતાના મોસાળ સરસપુર પ્રયાણ કરશે.

આખા વર્ષમાં આ એક જ દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવતો હોય છે. જે બહુ શુભ અને ભવ્ય હોય છે. ભગવાનના ગજવેશ દર્શન બાદ ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી.

સવારે ગંગાપૂજન વિધિ પૂર્ણ કર્યા બાદ સવારે 10 વાગ્યાની આસપાસ આ જળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજીનો મહાજળાભિષેક કરવામાં આવશે. ભગવાનની ભવ્ય ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક બાદ તેમને સવારે 11 કલાકે ગજવેશ ધારણ કરાવવામાં આવશે.

આજે ભગવાનની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શન થાય તે હેતુથી વાજતે ગાજતે, બેન્ડવાજા અને બગી ગાડી સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની શોભાયાત્રા પણ નીકાળવામાં આવશે. સાંજે પાંચ વાગ્યે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રાનું પ્રયાણ થશે અને સાંજે છ વાગ્યે વાજેત ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરશે.

આજે સોમવારથી એટલે કે તા.17મી જૂનથી તા.2 જૂલાઇ દરમિયાન રોજ સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન સરસપુર મંદિર ખાતે પણ ભકતજનો દ્વારા ખાસ કરીને મહિલાઓ-બહેનો દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મોસાળથી ભગવાન પરત નિજમંદિરે આવ્યા બાદ અષાઢી બીજના રોજ ભગવાનના દર્શન થશે અને એ જ દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર સાથે નગરયાત્રાએ નીકળશે.

Leave a Response

error: Content is protected !!