રાજનીતિ

વિદેશયાત્રાથી પરત ફરતા તિરૂપતિમાં વડાપ્રદાન મોદીએ કરી વિશેષ પૂજા, કહ્યું કેન્દ્રમાં અમે દેશ સેવા કરવા આવ્યાં છીએ

106views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ અને શ્રીલંકાની બે દિવસની વિદેશયાત્રા પૂર્ણ કરી ભારત પરત ફર્યા છે. વડાપ્રધાન મોદીની આ વિદેશયાત્રા એ બાબતે ખાસ બની રહી કે વિદેશયાત્રા પહેલાં વડાપ્રધાન મોદીએ કેરળનાં પ્રસિદ્ધ ગુરુવાયુર કૃષ્ણ મંદિરમાં વિશેષ પૂજા કરી, તો વિદેશયાત્રા પૂર્ણ કરી ભારત આવતા આંધ્રપ્રદેશમાં પ્રસિદ્ધ મંદિર તિરુપતિ બાલાજીમાં વિશેષ પૂજા કરી.

આંધ્રના રાજ્યપાલ, મુખ્યપ્રધાન જગન મોહને કર્યું સ્વાગત

વડાપ્રધાન મોદી શ્રીલંકાથી આંધ્રપ્રદેશ પરત વડાપ્રધાન મોદીનું આંધ્રનાં રાજ્યપાલ ઈ.એસ.એલ. નરસિંહન, આંધ્રના જગનમોહન રેડ્ડી, આંધ્ર સરકારનાં પાંચ ઉપમુખ્યપ્રધાનો, કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન જી.કિશન રેડ્ડી તેમજ આંધ્રનાં ભાજપ નેતાઓએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આંધ્રનાં નવા મુખ્યપ્રધાન જગન મોહને અગાઉથી જ જાહેરાત કરી હતી કે તેઓ તિરુપતિ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે અને તિરુપતિ મંદિરમાં વિશેષ પૂજા સમયે વડાપ્રધાનની સાથે રહેશે.

તિરુપતિમાં વડાપ્રધાન મોદીનું ભાજપ કાર્યકર્તાઓને સંબોધન

વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટી માટે કહ્યું કે તેમની પાર્ટી દેશ માટે કામ કરનારી છે નહી કે પોતાના રાજકીય પક્ષની વૃદ્ધિ માટે, પોતાના રાજકીય દળ માટે કામ કરવું એ અમારી પ્રકૃતિ પણ નથી અને પ્રવૃત્તિ પણ નથી. અહી વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે માત્ર અને માત્ર દેશ સેવા માટે જ કાર્ય કરનારા છીએ. ચાર ચાર પેઢીઓ ખપાવી દીધી પછી અમને તક મળી છે. પાંચ વર્ષ દેશની સેવા કરી માટે જ જનતાએ અમારા પર વિશ્વાસ મુક્યો અને વધુ પાંચ વર્ષ સેવા કરવાની તક આપી છે. નગરપાલિકાની ચૂંટણી હારી જઈએ તો પણ અમે ભારત માતા કી જય બોલીએ છીએ.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે દેશ સામે બે મોટા અવસરો છે. ૨૦૧૯ ની ૨જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીનાં જન્મના ૧૫૦ વર્ષ પૂર્ણ થશે એ અને ૨૦૨૨માં દેશની આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થશે એ.આ બંને અવસરો 130 કરોડ દેશવાસીઓએ ભેગા મળીને ઉજવવાના છે.

વિરોધીઓ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશની સેવા કરવાનાં ઘણાં રસ્તા છે એમાનો એક રસ્તો સરકાર પણ છે. અમે દેશ સેવા માટે જ સરકારમાં આવ્યાં છીએ. ચૂંટણીનો અધ્યાય અમારા માટે પૂર્ણ થઇ ગયો છે હવે અમારા માટે દેશની સેવાનો અધ્યાય શરૂ થયો છે. ચૂંટણી પૂર્ણ થઇ ગઈ હોવા છતાં પણ કેટલાંક લોકો હજી ચૂંટણીમાંથી બહાર નથી આવી શક્યા.

વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશનાં નવા મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીને શુભકામનાઓ આપતાં કહ્યું કે જગન મોહન આંધ્રને ખુબ આગળ લઇ જાય. આંધ્રપ્રદેશનાં લોકો માટે મદદરૂપ થવા કેન્દ્ર સરકાર હંમેશ માટે ખડેપગે છે.

કાર્યકર્તાઓને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તિરૂપતિ મંદિરમાં ભગવાન બાલાજીની વિશેષ પૂજા કરી. જ્યાં આંધ્રના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી તેમજ ભાજપના સ્થાનિક નેતાઓ તેમની સાથે રહ્યાં હતાં.

Leave a Response

error: Content is protected !!