વિકાસની વાત

ભારતવર્ષની વહાણવટાની આ ગૌરવગાથા વિશે જાણો છો?

210views

હજારો કિલોમીટર સુધી ફેલાયેલા ભારતવર્ષના સાગરકાંઠાની જેમ જ ભારતની વહાણવટાની ગાથા પણ ભવ્ય છે. અંદાજે સત્તાવનસો કિમોમીટર લાંબા સાગરકાંઠા, હજારો વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા જંગલોની સમૃદ્ધિ કારણે અને સમૃદ્ધ વિકાસશીલ માનસિકતા ધરાવતા આ પ્રદેશના લોકોએ ફક્ત ભારતમાં જ નહિં પણ દુનિયાના દરેક છેડે પોતાનો વ્યાપારિક અને સાંસ્કૃતિક વિસ્તાર કર્યો હતો.

ભારતના લોકો સુમેર, એલ્મ અને મિસર સુધી પોતાનો વ્યાપાર અને સભ્યતા લઇ ગયા હતા. આવા પુરાવાઓ જાવા-સુમાત્રાના શિલ્પોમાં કંડરેયાલા જોવા મળે છે. દક્ષિણ અમેરિકાના છેવાડાના વિસ્તારોમાં પણ આના પુરાવાઓ મળી આવે છે. ઇસાપુર્વે અઢી હજાર વર્ષ પહેલાના મોહેં-જો-દારોમાંથી મળી આવેલી કેટલીક મુદ્રાઓ પર હોડીઓની આકૃતિઓ સ્પષ્ટ જોઇ શકાય છે. આ ઉપરાંત આંધ્રમાં ઇસા બાદની બીજી સદીના મળી આવેલા સિક્કાઓમાં પણ વહાણોની છાપ જોવા મળે છે. આમ ભારતવર્ષનું વહાણવટું આદિકાળથી જાણીતું છે.

આટલું જ નહિં,એક કરતા વધારે પ્રકારના વહાણો બનાવવામાં પણ મહારથ હતી. જેમ કે, કોટિયોઃ બે કે ત્રણ ખુણાવાળા અને ત્રિકોણિયા સઢવાળું વહાણ, બતેલોઃ ત્રિકોણ સઢવાળું વહાણ, બગલોઃ કોટિયા જેવું જ પણ થોડી ઉંચાઇ અને પહોળાઇવાળું વગેરે પ્રકારના વહાણો ભારતવર્ષમાં બનતા આવ્યા હતા.

ભારતીય ઇતિહાસના વહાણનો ઉલ્લેખ માર્કો પોલો, ઇત્સિંગ અને ફાહિયાન જેવા વિશ્વના કેટલાક સાહસવિરો અને પ્રવાસીઓએ પણ કરેલો છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના દસ્તાવેજોમાં પણ ભારતીય વહાણ બાંધવાની કળાનો સમાવેશ છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જ્યારે ભારતમાં પગપેસારો કર્યો ત્યારે તેના પહેલા કાફલામાં લઇ આવેલા ૬૦૦ ટનનું વહાણ કે ત્યાર બાદ લાવેલા ૧૫૦૦ ટનનું વહાન ઘોઘા બંદરના ‘રહીમી’ વહાણ પાસે વામણા લાગતા હતા. આ ઉપરાંત ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના કારીગરો પાસે નાના-મોટા લગભગ ૩૫૫ વહાણો બંધાવેલા. અંગ્રેજોએ ભારતમાં બનાવેલા કેટલાક વહાણો દ્વારા નેપોલીયનની સેનાનો સામનો કરેલો. ઇ.સ. ૧૭૫૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે ભાવનગરમાં બનાવેલું ‘દરિયા દૌલત’ નામનું વહાણ પોણો સો વર્ષ બાદ પણ કામ આપતું હતું, જ્યારે બ્રિટિશ બનાવટના વહાણો બાર-પંદર વર્ષે ખખડી જતા હતા.

પણ હજારો વર્ષોનો આ વારસો યેન-કેન પ્રકારે અંગ્રેજોએ જાણી-જોઇને ખતમ કર્યો. ગાંધીજીએ પણ આ વાતની નોંધ લેતા કહ્યું હતું કે, રૂના વ્યાપારની પડતી વહાણવટાના ઉદ્યોગની પડતીને અસરકર્તા છે. ૧૮૬૦થી ૧૯૨૫ સુધીમાં અંદાજે ૧૦૦થી વધુ વહાણ બાંધતી કંપનીઓ/પેઢીઓ પડી ભાંગી. પણ ગાંધીજીની સ્વદેશીની ચળવળના ભાગરૂપે ૧૯૧૯માં શેઠ નરોત્તમ મોરારજી, શેઠ વાલચંદ હીરાચંદ, સર લલ્લુભાઇ સામળદાસ અને કીલાચંદે ૨૭મી માર્ચે ‘સિંધિયા સ્ટિમ નૅવિગેશન’ નામની કંપની શરુ કરી. આ કંપનીનું પહેલું વહાણ ‘લોયલ્ટિ’ મુંબઇથી ઇંગ્લેંડ જવા ઉપડ્યું હતું. આજે પણ આટલો વિશાળ અને લાંબો દરિયાકિનારો ધરાવતા દેશમાં અનેક કંપનીઓ વહાણ બાંધવાનો ધંધો કરે છે. આપણો આ અમુલ્ય વારસો ચિરકાળથી સમૃદ્ધ છે.

                     લેખક- ઉદય ભટ્ટ

Leave a Response

error: Content is protected !!