રાજનીતિ

બાડમેરમાં આંધી-તોફાનથી રામકથાનો મંડપ 20 ફુટ ઉપર ફંગોળાયો , 14ના મોત

140views

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારે આંધી- તોફાન અને વરસાદે કેર વરસાવ્યો હતો. આ દરમિયાન બાડમેરના જસોલ ગામમાં ચાલી રહેલી રામકથા ૧૪ લોકોની જિંદગી ભરખી ગઈ હતી. જસોલ ગામમાં જોધપુરના મુરલીધર મહારાજની રામકથા ચાલતી હતી ત્યારે અચાનક આંધી તોફાન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને તોફાનને કારણે રામકથાનો મહાકાય પંડાલ તૂટી પડયો હતો. જેમાંથી ૧૪ લોકો મોતને ભેટયા હતા તથા અનેક ઘાયલ થયા હતા.

બાડમેરના જસોલમાં રામકથા દરમિયાન આંધીથી પંડાલ પડી જતા 14 લોકોનાં મોત થયા છે. જસોલમાં પંડાલ પડતા મોતને ભેટેલા લોકોના પરિવારોને સાંત્વના આપવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજધાની જયપુરથી સવારે જસોલ પહોંચ્યા હતા. આ દુર્ઘટનામાં 70થી વધારે લોકો ઘાયલ થયા છે.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, તોફાનના કારણે રામકથાનો મંડપ 20 ફુટ ઊંચે ફંગોળાઈને નીચે પડ્યો હતો. ત્યારબાદ લોખંડના પાઈપમાં કરંટ પ્રસરી ગયો હતો, જેનાથી સૌથી વધારે નુકસાન થયું હતું. તે વખતે હવાની ગતિ 80થી 100 કિમી પ્રતિ કલાક હતી. અંદાજે દોઢ મિનીટમાં જ આખો મંડપ વેર વિખેર થઈ ગયો હતો.

લોકોનો આરોપ છે કે મંડપનું ફાઉન્ડેશન ઘણું નબળું હતું. રામકથા દરમિયાન અંદાજે 800 લોકો મંડપમાં હાજર હતા. તોફાન બાદ જેવો જ મંડપ ધરાશાયી થયો તો લોખંડની એંગલ શ્રદ્ધાળુઓ પર પડ્યા હતા. જેનાથી લોકોના માથા, પગ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. મળતી માહિતી પ્રમાણે બે લોકોના લોખંડની એંગલ વાગવાથી મોત થયા છે.

કથાની શરુઆત બપોરે 2 વાગે થઈ હતી. અંદાજે 3.15 વાગે વાવાઝોડા સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. મંડપમાં પાણી ટપકવા લાગ્યું હતું ત્યારે આયોજકો શ્રદ્ધાળુઓને આગળ પાછળ કર્યા, પરંતુ કથા ચાલુ જ રાખી હતી. બપોરે 3.28 વાગે અચાનક તોફાન આવ્યું અને મંડપ ધરાશાયી થઈ ગયો હતો.

ભારે વરસાદને કારણે પંડાલની આજુબાજુ કીચડ થયો હતો. વરસાદ બાદ પંડાલમાં કરન્ટ ફેલાતા નાસભાગ મચી હતી. મોટાભાગના લોકોના મોત કરન્ટ અને ગૂંગળામણને કારણે થયા હતા. પંડાલમાં દબાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા જેમા ૧૪ લોકોનાં મોત થયા હતા. તોફાન એટલું તેજ હતું કે લોકોને છટકવાની તક મળી નહોતી. ઘાયલોને નજીકના નાહટા હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ પ્રશાસન દ્વારા રાહત બચાવ કામ શરૂ કરી દેવામાં આવ્યો હતું. સત્તાવાળાઓએ તમામ ડોક્ટર અને મેડિકલ સ્ટાફને હોસ્પિટલ પહોંચીને ઘાયલોની સારવાર શરૂ કરી દેવાનો આદેશ આપ્યો હતો.

પીએમ મોદી અને સીએમ ગેહલોતે શોક વ્યક્ત કર્યો

રાજસ્થાનના સીએમ એશોક ગેહલોતે ટ્વટિ કરીને દુર્ઘટના પ્રત્યે દુઃખ પ્રગટ કર્યું હતું. તેમણે લખ્યું, “જસોલ (બાડમેર)માં રામકથા દરમિયાન ટેન્ટ પડવાથી થયેલી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા તે ખરેખરે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મૃતાત્માઓની શાંતિ અને શોકમગ્ન બનેલા પરિવારને ઇશ્વર શક્તિ આપે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.”

તેમજ આ મામલે મુખ્યમંત્રી ગેહલોતે સંવેદના પ્રગટ કરતા ઘટનાના તપાસના આદેશ કર્યા છે. રાજસ્થાન સરકાર તરફથી દુર્ઘટનામાં મૃતકના પરિવારને રૂ. 5 લાખ અને ઘાયલોને રૂ. 2 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

બાડમેર દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું કે, “રાજસ્થાનના બાડમેરમાં પંડાલ નીચે પડી જવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મારી સંવેદના પ્રભાવિત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે બાડમેરમાં પંડાલ દુર્ઘટનાના લોકોના મોતની ખબર સાંભળીને દુઃખ લાગ્યું. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છું. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

Leave a Response

error: Content is protected !!