રાજનીતિ

CM વિજય રૂપાણીના હસ્તે ભાવનગર ખાતે નવનિર્માણ પામનાર બસ પોર્ટનુ ખાતમુહુર્ત

128views

ભાવનગરના મહુવા રોડ જવાહર મેદાન ખાતે સવારે ૧૦ વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્યના વિવિધ ૨૧ બસ સ્ટેશનના લોકાર્પણ, ત્રણ બસ સ્ટેશન અને બે સ્ટાફ કોલોનીનાં ખાતમુહૂર્ત, નવીન મીની બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જરનગરી બસો તથા ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઈલ (TEAM) વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો.

આજે ભાવનગરથી વધુ ૨૧ સુવિધાયુક્ત બસ સ્ટેશનને પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવ્યા. આ લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. રૂ.૩૨.૦૯ કરોડનાં ખર્ચે બાંધવામાં આવનારા ભાવનગર, ભરૂચ અને સુરેન્દ્રનગર બસ સ્ટેશન તથા ભુજ-અમરેલી સ્ટાફ કોલોનીનું પણ ખાતમુહૂર્ત ઈ-તક્તિ મારફત કરાશે. આ કાર્યક્રમમાં રૂપિયા બાવન કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા અદ્યતન સુવિધાયુક્ત ૨૧ નવીન બસ સ્ટેશનનાં લોકાર્પણ પણ આ સ્થળેથી જ કરવામાં આવ્યું.

આ ઉપરાંત 125થી વધુ નવી બસોનું પણ સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. અને શહેરના જવાહર મેદાન ખાતે સીએમ રૂપાણી જાહેરસભાને સંબોધન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં નવા બનનારા એસ ટી ડેપોનું ખાતમુર્હૂત કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા પ્રજા-મુસાફરોની સરળતા માટે સ્ટેશનો અને બસ સુવિધાઓ સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મુખ્યમંત્રીએ પ્રજાની સેવામાં મૂકાયેલી પ૦ વૉલ્વો બસ સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યના મહત્વપૂર્ણ યાત્રાધામો અને શહેરોને વોલ્વો સેવાથી જોડવા પણ તૈયારીઓ ચાલી રહી છે. ગરીબ પરિવારોમાં લગ્ન જેવા ખૂશીના પ્રસંગોએ રૂ. ૧ર૦૦થી ૩૦૦૦ સુધીના નજીવા રાહત દરે એસ.ટી. બસ સેવાઓ પૂરી પાડવાનો સંવેદનશીલ નિર્ણય પણ લીધો હતો.

સુરત જિલ્લાના માંડવી, બારડોલી(હાઈવે), કડોદરા, ખેડા જિલ્લાના સોજીત્રા, ઠાસરા, ડાકોર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર, આણંદ, અમદાવાદના વિરમગામ, મોરબી(જુનુ), સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, ભાવનગર જિલ્લાના ગઢડા, મહેસાણા, જામનગર જિલ્લાના જામજોધપુર, અમરેલી જિલ્લાના દામનગર, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુર તથા સાબરકાંઠા જિલ્લાના માલપુર ખાતે મળીને રૂપિયા બાવન કરોડનાં ખર્ચે તૈયાર થયેલા કુલ ૨૧ નવીન બસ સ્ટેશનોના લોકાર્પણ આ સમારોહમાં કરવામાં આવનાર છે.

Leave a Response

error: Content is protected !!