વિકાસની વાત

ચક્કર આવ્યા….

229views

આમ તો આ બિમારી મોટાભાગે સ્ત્રીઓમાં જોવા મળે. ઓછું, અનિયમિત, અપોષ્ટીક આહાર લેવાથી નબળાઈ આવે, માટે સ્ત્રીઓને ઘણી વખત ચક્કર આવતા હોય. જુના જમાનામાં અને કદાચ અત્યારે પણ પરણિત સ્ત્રી રસોડામાંથી ગભરાયેલા અવાજે ડ્રોઈંગ રૂમમાં ભગવાનના દીવા માટે રૂની વાટો કરતી સાસુને સંબોધીને બોલે કે, “બા મને ચક્કર આવે છે.” તો પેલી સાસુ દોડીને વહુની ખબર કાઢવા ન જતા રસોડાને બાયપાસ કરી સીધી એના રૂમમાં ભગવાનના ગોખલા પાસે ઉપડે. તે સાસુ સાડીના પાલવથી આખું માથું ઢાંકી દઈ ટકોરી વગાડી ભગવાનના જાપ કરવા લાગે. સાસુ અસ્સલ વારીશ ફિલ્મની સ્મિતા પાટીલની જેમ હરખાય ને બોલે કે, “ભગવાન તુમને મેરી અરજ સુન લી…અબ ઈસ ઘર કા વારીશ આને વાલા હૈ.” એલી બબલાની બા પેલા વહુની તબિયત તો પૂછ પછી ભગવાન પાસે ટકોરા વગાડજે. ભગવાન ત્યાં જ રહેવાનો છે કાશ્મીરનો પથ્થરબાજ નથી કે કચકચાવીને પથ્થર ફેંકી નાસી જવાનો. વહુ રસોડામાં માથે હાથ દઈ ચક્કરને લીધે ફર્સ પર બેઠી બેઠી કણસતી હોય. જુનવાણી સાસુઓ ચક્કર આવવી એટલે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો એવું સમજે! આજ એમનું વિજ્ઞાન.

ચક્કર ન ખાતા….. આજ મારે સ્ત્રીઓને આવતા ચક્કરની નહીં મને આવેલા ચક્કરની વાત કરવી છે.

શિયાળાની એક ગોઝારી બપોરે તગારૂ એક ગુવારનું શાક અને આઠ દસ ગરમા ગરમ રોટલી ઢીંચીને હું પ્યોર રાજકોટિયન થવા મારા બેડરૂમમાં પહોંચ્યો. બપોરે વામકુક્ષી કરવી એ અમારા રાજકોટિયનનો રાષ્ટ્રીય હક્ક છે. હું ડાબા પડખે સૂતો. ઈતિહાસમાં પણ નોંધ્યું છે કે હું સાવ સીધો માણસ છું. મને સીધા સુવાની ટેવ. ડાબા પડખે સુવાનું ફાવ્યું નહીં એટલે સીધા સુવા પડખું ફેરવ્યું. જેવું પડખું ફેરવ્યું એવું સ્લો મોશનમાં આખી છત ડાબેથી જમણે ગતિ કરતી હોય તેમ લાગી. હું છક થઈ ગયો. આ શું થાય છે એવું મનમાં બોલ્યો. બીજી ટ્રાય કરવા મેં જમણી બાજુથી ડાબી બાજુ પડખું ફેરવ્યું. ફરી છત જમણેથી ડાબે સરકી!

હું પથારીમાં સતરંગ બેઠો થયો. પત્ની બહાર હતી માટે બાજુમાં હોમવર્ક કરતા પુત્રને કહ્યું, “બેટા, મને ચક્કર આવે એવું લાગે છે.” એ દોઢ હુસિયારે દોડીને ડિજિટલ મેડિકલ ઘડિયાળ લાવી મારે કાંડે ચડાવી. ધબકારા અને બ્લડ પ્રેશર માપ્યા. બધું નોર્મલ આવ્યું. પણ હું નોર્મલ ન થયો. મને ઊંઘ ન આવી. કોલેજીયન લવ સ્ટોરીની થીમ પર બનતી ફિલ્મનો હીરો બની શકું એટલી નાની ઉંમરે આવી બીમારી! પથારીમાં બેઠા બેઠા લમણે હાથ દઈ હું ટેનશનમાં આવી ગયો.

ડિગ્રી વગરની ડૉક્ટરીમાં ડબલ ગ્રેજયુએટ વ્હાલી પત્નીને ફોન કરી સત્વરે હજાર કરી. તેણે આવીને વગર નિદાને નિદાન કર્યું કે, “સ્યુગર લો હશે તો જ ચક્કર આવે, ઉભા રહો હું તપાસ કરો.”

ઘરમાં ડાયાબિટીસ માપવાના યંત્રની તપાસ આદરી. પંદર મિનિટ પછી કબાટની ટગલી ડાળે એક કોથળીમાં રહેલા પુત્રના જુના કંપાસ માંથી એ મળ્યું! વાતુડી (પત્ની)ના એ ત્યાં કેમ પહોંચ્યું? કોણે મૂક્યું ત્યાં? એવા આઉટ ઓફ સિલેબલ્સ પ્રશ્ન પર લોહિયાળ લડાઈ નીપજે એ પહેલાં મેં શાંતિ વાવટો ફરકાવી ડારો દઈ ધંધામાં ધ્યાન આપવા તેને ટપારી.

કોઈના શરીરમાં લોહી નીકળતું હું જોવ તો પણ મને ચક્કર આવે; અને આમાં તો મારા સગ્ગા હાથમાંથી લોહી કાઢવાનું હતું, હું જાલ્યો રહું? શાણી પત્ની આ વાત પામી ગઈ. પુત્રને એક હાથ પકડવાનો આદેશ આપ્યો, પોતે ગોઠણભેર બીજા હાથ પર સવાર થઈ. મા-દીકરા બંને એ મારા હાથ એવી રીતે દબાવ્યા કે જાણે હું કોઈ ભાગી જતો બુટલેગર હોઉં અને તે લોકો ઉત્તરપ્રદેશની પોલીસ. હું સ્થિર થયો ત્યારે વાતુડીએ નિડલવાળી પેન જેવા ઇન્સ્ટ્રુમેન્ટથી જમણા હાથની રિંગ ફિંગર પર નિશાન તાક્યું. હું જરાક ડરથી ડગ્યો, ક્રોધથી તેના ભવા ખેંચાઈને ભેગા થયા. મેં નિસહાયતા અનુભવી આંખો બંધ કરી દીધી, પેનનો ટક અવાજ આવ્યો. મારી એક મસ્ત રમરમતી રાડ પાડ્યા બાદ રિંગ ફિંગર પર લોહીના ટીપાં એ હાઉકલી કરી. તરત જ એ લોહી લઈ ડાયાબિટીસ ચેક કર્યું. ઓહ! 107….! જમ્યા પછીનું એ ઓછું કહેવાય.

“મેં નહોતું કહ્યું કે સ્યુગર લો હશે માટે જ ચક્કર આવે.” વાતુડીએ વગર ડિગ્રીના દાક્તરીનું પ્રમાણ આપતા આવી રીતે મને ધમકાવી મારું થોડું ડાયાબિટીસ વધારી દીધું!

હું મારી રિંગ ફિંગર મોઢામાં નાંખી નીકળેલા લોહીને બંધ કરવાનો પ્રયત્ન કરતો હતો. વાતુડી તર્જની મોઢામાં નાંખી મારું સ્યુગર કેમ વધારવું એનો વિચાર કરવા લાગી.

વચ્ચે યાદ આવ્યું એટલે એક વાત તમને કહી દઉં, દરેક પત્નીને દેશી નુસ્ખા અને મેડિકલ સાયન્સમાં પતિ કરતા વધું ખબર પડતી હોય છે. ભલે એનો ભરથાર ડોકટર કેમ ન હોય. એનું કારણ છે. કારણ કે પતિ લોકો પત્ની સામે એક શબ્દ બોલી શકતા નથી, માત્ર મૂંડી હલાવી હા જ પાડવાની હોય. પુરુષ ડોકટરો હું સાચું કહું છું ને?

મારી વાતુડીનું દાક્તરી જ્ઞાન જબરું. સાચું ખોટું રામ જાણે. એ એવું માને છે કે શિરપ પીધા પછી તરત પાણી ન પીવાય. જમીને તરત પાણી ન પીવાય. ભીના માથે પંખા નીચે ઉભું ન રહેવાય. દૂધની કોઈ વાનગી સાથે છાશ ન લેવાય. મેં આ સલાહની દલીલમાં ઘણી વખત પ્રતિ દલીલ કરેલી છે કે આ રબડી સાથે માન્યું કે છાશ ન પીવાય પણ આ ટામેટાનું શાક અને રબડી તો અંદર મિક્ષ થવાની જ છે ને? ત્યારે રબડી પેટમાં ફાટી ન જાય? મારી પ્રતિદલીલ સામે એક છણકો કર્યો હતો એટલે મારે ચૂપ થયા સિવાય કોઈ છૂટકો નહોતો.

ખેર…અંતે એણે પોતાની તર્જની મોઢામાંથી કાઢી અને ચપટી વગાડી. હું હજી મારી આંગળી મોઢામાં ઠૂંસીને જ બેઠો હતો.

“લીંબુ સરબત બનાવી આપું. એ બેસ્ટ. એનાથી સ્યુગર વધશે.”

“હા, બરાબર.” મેં સંમતિ જતાવી મમરો મૂકયો. “ચોકલેટ પણ ખવાય.” વાતુડીની માસી ઢગલો એક ચોકલેટ અમેરિકાથી લાવ્યા હતા. જે ફ્રીઝમાં પડી રહેતી. મારે ડાયાબિટીઝ હોવાથી હું જ્યારે ફ્રીઝ ખોલું એ ચોકલેટ સામે અનિમેષ નજરે જોતો રહું. એની ગણતરી કરીને રાખેલી ચોકલેટને લીધે ખાઈ શકતો નહોતો. આજ બરાબરનો મોકો હતો. વાતુડીએ આજ હકારમાં માથું ધુણાવ્યું. કાગડો રામ બોલ્યો!

પાંચ મિનિટમાં લીંબુ સરબત તૈયાર થયું જે ગટગટાવી અને બે મસ્ત મોટી ચોકલેટ ખાઈ મેં ખટારાનું ટાયર ફાટે એવો ઓડકાર ખાધો.

“ચાલો, પાછું ડાયાબિટીઝ માપી લઈએ.” વાતુડી બોલી.

“ના…ના….એની જરૂર નથી. આટલી ઝડપથી સ્યુગર વધે નહીં. પણ મને લાગે છે કે મારી તબિયત સારી થઈ ગઈ.” પેલી સોઈની બીકે મેં ના પાડી. “થોડીવાર આરામ કરું એટલે સારું થઈ જશે.”

બે કલાક આરામ કરી હું ઉઠ્યો ત્યાં ફરી એક વખત લીંબુ સરબતનો મોટો ગ્લાસ હાજર હતો. મારી ડાયાબિટીઝને કારણે મીઠી વસ્તુ ખાવાની મને મનાઈ છે.

“લાગે છે આવી ચક્કર અઠવાડિયામાં મારે એકાદ વખત આવે એવું કશું ધતિંગ કરવું પડશે!” હું લીંબુ સરબત પીતા પીતા સ્વગત બબડયો.

 

— જસ્મીન ભીમાણી

error: Content is protected !!