રાજનીતિ

PM મોદીનું સપનું સાકાર કરતા CM રૂપાણી:GUJCTOCનેરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી

96views

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અથાગ પ્રયત્નોનાં અંતે સરહદી રાજ્ય ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સંરક્ષણ આપતા કાયદા ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક – GUJCTOC એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. આ વિધેયકને મંજૂરી આપવામાં આવતા ગુજરાતની સુરક્ષામાં વધારો થશે તેમજ આતંકવાદની ઘટનાઓમાં તપાસ કરતાં પોલીસને વધારાની સત્તા મળશે. ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીનું નિયંત્રણ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિથી જે સપનું જોયું હતું તે સપનું વર્ષો બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાકાર કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા વિધેયકને રાષ્ટ્રપતિશ્રીએ મંજૂરી આપતા રાજ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે અને પોલીસ અધિકારીઓને પૂરતું બળ મળી રહેશે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આંતકવાદી પ્રવૃત્તિઓ તથા સંગઠીત ગુનાઓનાં નિયંત્રણ માટે સતત ચિંતિત છે. સંગઠીત ગુનાખોરી કે જેને કોઈ રાષ્ટ્રિય સિમાઓ લાગુ પડતી નથી તેને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે માટે ગુજરાત સરકારે વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે જેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આ કાયદાના અમલથી સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલીંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રીત થશે. આ સિવાય કોઈપણ સ્વરૂપે આચરવામાં આવતા સાયબર ક્રાઈમ પર અંકુશ લાવી શકાશે. સરહદની પેલે પારથી ત્રાસવાદી સંગઠનો દ્વારા ત્રાસવાદને ઉત્તેજન આપવાની થતી પ્રવૃત્તિ પર પણ નિયંત્રણ આવશે.

ગુજરાતને આતંકવાદી પ્રવૃત્તિ સામે રક્ષણ આપતા કાયદા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ – GUJCTOCને રાષ્ટ્રપતિની મંજૂરી મળવાના પરિણામસ્વરૂપે આતંકવાદી પ્રવૃત્તિઓ પર રોક લાગશે. તેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં સુધારો થશે. પોલીસ અધિકારીઓ પણ આતંકવાદી પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક હાથે કામ લઈ શકશે. સીમાઓના સીમાડા આતંકવાદી પ્રવૃત્તિઓને ન નડતા હોવાથી સંગઠિત ગુનાઓનું નિયંત્રણ એ કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે મોટી ચિંતાનો વિષય હતો. આ સમસ્યાને નિવારવા માટે આગવો કાયદો તૈયાર કરવો અનિવાર્ય હતો. તેથી ગુજરાત વિધાનસભામાં આ વિધેયક પસાર કરી દેવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વખત વર્ષ ૨૦૦૩માં આ બિલને રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાથી કેટલાંક કારણોસર વર્ષો સુધી આ બિલ પસાર થઈ શક્યું ન હતું. હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અથાગ પ્રયત્નોનાં અંતે સરહદી રાજ્ય ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સંરક્ષણ આપતા કાયદા ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક  ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે.

Leave a Response

error: Content is protected !!