Corona Updateરાજનીતિ

CM રૂપાણીનું ઈન્ટરવ્યુ : કોરોના વિશે ખુલીને વાત કરી, લોકડાઉન આવશે કે નહિ ? આપ્યો આ જવાબ

2.6Kviews

સતત 40 મિનિટ સુધી સંવેદનશીલ કોમનમેનનું બિરુદ ધરાવનારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સવાલ કર્યા, જેના મુખ્યમંત્રીએ ખુલીને જવાબ આપ્યા છે. દિવ્ય ભાસ્કરના એક્ઝિક્યુટિવ એડિટર મનીષ મહેતા અને ચીફ રિપોર્ટર ટિકેન્દ્ર રાવલ સાથે CM રૂપાણીએ ખુલીને વાત કરી.

દિવ્ય ભાસ્કરઃ શરૂઆતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ હતા, પરંતુ આજે એક્ટિવ કેસના મામલે ગુજરાત 9મા સ્થાને છે. દેશમાં આજે ગુજરાત મોડેલ અને અમદાવાદ મોડેલની ચર્ચા થઈ રહી છે તો તમારું શું કહેવું છે?
વિજય રૂપાણીઃ કોરોના વિશ્વ મહામારી છે તેમાં તુલના કરવી વાજબી નથી. એકસમયે વિરોધીઓ શરૂઆતમાં ગુજરાતમાં કેસ અને મૃત્યુની સંખ્યા વધી તો તુલનાત્મક રીતે આપણને બદનામ કરતા હતા. પરંતુ ગઈકાલની જ વાત કરું તો મહારાષ્ટ્રમાં 1 દિવસમાં 8139 કેસ કોરોનાના આવ્યા. ગુજરાતમાં આટલા કેસ 10 દિવસે આવે છે તે ત્યાં 1 દિવસમાં આવ્યા. તમિળનાડુ-કર્ણાટક-આંધ્રપ્રદેશ-દિલ્હી-પ. બંગાળ- તેલંગણા પછી આપણો નવમો ક્રમ છે. છેલ્લા 20-25 દિવસથી વિરોધીઓ અને ટુકડા ગેંગોની બોલતી બંધ થઈ ગઈ છે. જો કે, મારું માનવું છે કે આ આંકડા સ્પર્ધાત્મક નથી.

દિવ્ય ભાસ્કરઃ પણ વિજયભાઈ, જેમ ક્રાઈમરેટ નીચો દેખાડવા પોલીસ ગુના ન નોંધે એમ આપણે ટેસ્ટ બહુ ઓછા કરીએ છીએ એવી લોકોમાં ચર્ચા છે.
વિજય રૂપાણીઃ જુઓ ભાઈ.. લોકો તો જનરલ ચર્ચા કરે છે.. ગુજરાતમાં રોજ 8500 ટેસ્ટ અમે કરીએ છીએ. ટેસ્ટિંગનો આધાર લેબોરેટરીની કેપેસિટી પર છે. રિપોર્ટ 24 કલાકમાં હાથમાં આવે તો સમયસર ઈલાજ શરૂ થઈ શકે. રિપોર્ટ સેમ ડે આવે તેની વ્યવસ્થા કરી છે. હવે તો પ્રાઈવેટ લેબોરેટરીમાં પણ ટેસ્ટની છૂટ આપી છે અને કોઈ પરમિશનની જરૂર નથી. આપણે રોજના 8000 ટેસ્ટ કરીએ છીએ અને તેમાંથી માનો કે 800 પોઝિટિવ આવે છે. હવે જે 7200 નેગેટિવ આવ્યા તેમનો કાલે ટેસ્ટ કરીએ તો પોઝિટિવ પણ આવે. પોઝિટિવ કેસ આવે ત્યાં આસપાસમાં ટેસ્ટિંગ જરૂરી છે જેથી રોકથામ થાય. અમદાવાદમાં સચિન ટાવરમાં કેસ વધારે આવ્યા તો ત્યાં બધાના ટેસ્ટ કર્યા. પણ એવું નથી કે આપણે આશ્રમ રોડ પર ઊભા રહી ગયા અને જે નિકળ્યા તે બધાના ટેસ્ટ કરી દીધા. આપણે લક્ષણો દેખાય ત્યાં ટેસ્ટ તાત્કાલિક કરીએ છીએ.

દિવ્ય ભાસ્કરઃ પહેલા હોટસ્પોટ અમદાવાદ હતું અને હવે સુરત અને રાજકોટ થયું તો આવું કેમ?
વિજય રૂપાણીઃ આ એક વૈશ્વિક મહામારી છે. કોઈ દેશ એવો દાવો કરી ન શકે કે અમે તેને રોકી દીધી છે. ભારતમાં પણ કોઈ એમ ન કહી શકે કે મારા રાજ્યમાં નહીં. ગુજરાતમાં એક સમયે જૂનાગઢ-જામનગરના લોકો કોલર ઊંચા રાખીને ફરતા હતા પણ આજે બધે છે. આ એક મહામારી છે… પરંતુ સરકારની આમાં બે મુખ્ય જવાબદારી છે. પહેલી એ કે સંક્રમણ વધે નહીં માટે લોકજાગૃતિ લાવવી પડે. આ માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, દો ગજ કી દૂર જાળવવી અને હાથ સેનિટાઈઝ કરવાની વાત કરીએ છીએ…

દિવ્ય ભાસ્કરઃ અત્યારે આપણી પાસે એવો કોઈ રિપોર્ટ છે કે ગુજરાત સ્ટેજ-3 કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે?
વિજય રૂપાણીઃ આવું કાંઈ નથી. સંક્રમણ કોમ્યુનિટીમાં ફેલાયું કે સ્ટેજ-3માં છીએ એવું નથી. અગાઉ 300 કેસ આવતા હતા અને હવે 800 આવે છે એટલે આપણને લાગે કે કેસ વધ્યા છે અને આપણે એલર્ટ પણ થઈ ગયા છીએ. પરંતુ ક્યાંક પ્રમાણ વધ્યું છે જેમ કે સુરતમાં પહેલા 80 કેસ આવતા હતા અને હવે 200થી વધુ આવે છે તો આપણે પૂરી તાકાત ત્યાં લગાવી દીધી. અધિકારીઓને ત્યાં મોકલ્યા, ધન્વંતરિ રથ વધાર્યા, ટેસ્ટિંગ વધાર્યું… સુરતમાં 100 કરોડના ખર્ચે બે નવી હોસ્પિટલ બનાવી છે… 1 હોસ્પિટલ 600 નવા બેડની આવતીકાલે ચાલુ થઈ જશે. આ આઈસીયુ-વેન્ટિલેટર સાથેની ફુલ ફ્લેજ હોસ્પિટલ હશે.. જ્યાં કેસ વધે છે તેનું રોજ મોનિટરિંગ કરીને તે માટે પગલાં લઈએ છીએ.

દિવ્ય ભાસ્કરઃ ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાળાબજારની વાત આવી તો ગુજરાત સરકારે આનો સ્ટોક કેવી રીતે મેળવ્યો?
વિજય રૂપાણીઃ ટોસિલિઝુમેબ ઈન્જેક્શન કોરોનાનું ઈન્જેક્શન નથી. પરંતુ આ ઈન્જેક્શનથી કોરોનાના ક્રિટિકલ દર્દીના ઉપયોગમાં લેવા માટેનું છે. આ ઈન્જેક્શન એકમાત્ર સ્વીટ્ઝર્લેન્ડની રોઝ કંપની બનાવે છે. સ્વાભાવિક છે કે આ ઈન્જેક્શનની અછત છે. આપણે ત્યાં ગુજરાતમાં 5મી મેએ એક ડોક્ટરે આ ઈન્જેક્શનનો પ્રયોગ કર્યો પેશન્ટ પર અને તેમાં દર્દીની તબિયત સુધરી. આ કારણથી આપણે આ ઈન્જેક્શનને ટ્રીટમેન્ટમાં ઈન્વોલ્વ કર્યું. આપણે આ ઈન્જેક્શનનો આખા ભારતમાં સૌથી પહેલો ઉપયોગ કર્યો. આઈસીએમઆરે તો 13મી જૂને આખા ભારતમાં આ ટોસિલિઝુમેબનો કોરોનાની ટ્રીટમેન્ટના પ્રોટોકોલમાં સમાવેશ કર્યો. આ ઈન્જેક્શન મર્યાદિત છે અને કોરોના આખા ભારતમાં છે. આ ઈન્જેક્શન બજારમાં મળતું નથી છતાં ગુજરાત સરકારે સીએમ કેર ફંડમાંથી અત્યારસુધીમાં રૂ. 8 કરોડથી વધુની કિંમતના 300થી વધુ ગરીબ દર્દીઓને આ ઈન્જેક્શન આપ્યા છે. આ ઈન્જેક્શનનો યોગ્ય સમયે ઉપયોગ કરવો જરૂરી છે નહિતર લાભને બદલે નુકસાન થઈ શકે છે. આ કારણે ડૉ. ભાર્ગવે દિલ્હીમાં બે દિવસ પહેલા કહ્યું કે ડોક્ટર કહે ત્યારે જ તેનો ઉપયોગ કરવો. આ ઈન્જેક્શનમાં ટોક્સિક્સ વધારે છે એટલે બધાના માટે લેવું આ જરૂરી નથી. આપણી પાસે તેનો જથ્થો છે પણ તે લિમિટેડ છે માટે ફક્ત જરૂરિયાતવાળા પેશન્ટને તે પ્રોવાઈડ કરીએ છીએ. આ ઈન્જેક્શન સરકારે ખરીદ્યા છે તેમ છતાં દરેક વ્યક્તિનો જીવ બચે તે માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ આપીએ છીએ. આપણે સતત તેના ઓર્ડર આપીને વધુને વધુ ઈન્જેક્શન મેળવવા પ્રયત્નશીલ છીએ.

દિવ્ય ભાસ્કરઃ કોરોનાને 114 દિવસ થવા છતાં ગુજરાતમાં તે કાબૂમાં આવી રહ્યો નથી. આપણી પાસે કોઈ સ્ટ્રેટેજી ખરી?
વિજય રૂપાણીઃ કોરોના સામેની લડાઈ લાંબી છે. હું કાંઈ એક્સપર્ટ નથી, પણ એટલું જાણું છું કે વેક્સિન ન આવે ત્યાં સુધી આપણે કોરોના સાથે જીવવાનું છે અને જીતવાનું પણ છે. સરકારની સૌથી પહેલી જવાબદારી છે કે ઓછામાં ઓછા લોકોને કોરોના થાય. હવે જેને કોરોના થયો તે ઝડપથી સાજો થાય તે બીજી જવાબદારી છે. હોસ્પિટલ, બેડ, દવા, વેન્ટિલેટર આ બધું તે માટે વ્યવસ્થા કરવાની રાજ્ય સરકારની જવાબદારી છે. અમદાવાદમાં પહેલા દર 5 મિનિટે 108 એક પેશન્ટને લઈને આવતી હતી. આજે આપણી પાસે બેડ પૂરતા છે, અને સરપ્લસ છે. ગુજરાતમાં 12 હજાર બેડ અત્યારે છે. કોવિડ કેર સેન્ટર્સ, પણ ગણીએ તો 45 હજાર લોકોને કવર કરી શકીએ છીએ. ખાનગી હોસ્પિટલો સાથે કરાર કર્યા છે.

દિવ્ય ભાસ્કરઃ આ બધું તમે જે ડેશબોર્ડ બનાવ્યું છે તેની પર કેવી રીતે મોનિટર કરો છો?
વિજય રૂપાણીઃ ડેશબોર્ડ તો આપણે 2 વર્ષ પહેલાં બનાવ્યું છે. તેના થકી આપણે સરકારની બધી કામગીરીને એક ડેસ્ક પર લાવ્યા. કોરોનામાં આ ડેશબોર્ડ આપણને ખૂબ કામ લાગ્યું. આજે  અહીં બેઠા-બેઠા હું તમને સુરતની કે અમદાવાદની હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે તે દેખાડી શકું છું. રોજેરોજ ડેટાની વિગતો મેળવી શકું છું. માર્ચથી અત્યારસુધી રોજ લગાતાર હું, નીતિનભાઈ, ચીફ સેક્રેટરી, જવાબદાર અધિકારીઓ સાથે મળીને આ રિપોર્ટના આધારે ચર્ચા કરીને અમે સ્ટ્રેટેજી બનાવીએ છીએ.

દિવ્ય ભાસ્કરઃ સીએમ ડેશબોર્ડથી કોની સાથે અને કેવી રીતે વાત કરી શકાય છે?
વિજય રૂપાણીઃ સીએમ ડેશબોર્ડથી ડોક્ટરો સાથેકોઈ પણ અધિકારીની સાથે વાત કરી શકાય છે. કોવિડ હોસ્પિટલમાં કોઈને જવાની મનાઈ છે એટલે ડેશબોર્ડથી અંદર ડોક્ટર, નર્સ, પેશન્ટ સાથે પણ વાત થઈ શકે છે. આ ડેશબોર્ડથી રિયલ ટાઈમમાં લાઈવ થઈને મિટિંગ પણ કરી શકાય છે. અમદાવાદમાં સ્ટ્રેટેજીમાં સફળ થયા, પીએમઓ સહિત બધેથી તેની સરાહના થઈ. મુંબઈ-દિલ્હીમાં હજી કેસ વધતા જાય છે પણ અમદાવાદમાં કેસ અને મૃત્યુદર ઘટ્યા. એક તબક્કે 7 ટકા હતો જે આજે 4.75 ટકા છે. અમદાવાદમાં 200 ધન્વંતરિ રથ બનાવ્યા જેમાં  ડાયાબિટીસ-બીપી માપવાનું સાધન, ઓક્સિમીટર સહિતના સાધનો હોય છે. આપણે લોકોને ઘરેબેઠા દવાખાનું પુરું પાડ્યું. લોકોને આ ધન્વંતરિ રથનો ફાયદો થયો અને તેનાથી એક સ્ટેજે કોરોના અટકી જાય. ધન્વંતરિ રથ ઉપરાંત 104 ડાયલ સર્વિસનું અમદાવાદમાં મોટું યોગદાન છે. આ ડાયલ સર્વિસમાં 104 ડાયલ કરવાથી 50 ઈનોવા છૂટે અને દોઢ કલાકમાં પેશન્ટને એટેન્ડ કરી દેવાય છે. જરૂર પ્રમાણે સારવાર કરે છે. જરૂર મુજબ દવા આપે અથવા ટેસ્ટ કરવા લઈ જાય છે. દરરોજે 400 ફોન એટેન્ડ કરે છે જે પહેલા 1000 ફોન આવતા હતા. સંજીવની ગાડીઓ ચાલુ કરી છે, જે હોમ આઈસોલેશનવાળા લોકો માટે છે. સંજીવની ગાડીઓ રોજેરોજ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની ચકાસણી માટે જાય છે.

દિવ્ય ભાસ્કરઃ ગુજરાતમાં હવે કોવિડ પછીની સ્થિતિમાં ઔદ્યોગિક સ્થિતિને કેવી રીતે પાટે ચઢાવીશું?
વિજય રૂપાણીઃ આપણા માટે અત્યારે સૌથી મોટું સૂત્ર ”જાન ભી હૈ, જહાન ભી હૈ” છે. કોરોના વચ્ચે જીવવાનું છે, ડરવાનું નથી. વાઈરસનો ઈલાજ કરીશું પણ લોકોની રોજી બંધ થાય તો રોજ કમાઈને રોજ ખાનારાની સૌથી કફોડી હાલત થાય. મિડલ ક્લાસ ફેમિલિના વેપાર-ધંધા ચાલુ રાખવા પડે અને માટે જ અનલોક કર્યું. એસઓપી બનાવી જેથી લોકોની પ્રવૃત્તિ પણ ચાલે, લોકોના વેપાર ચાલે, કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે આ બધું કર્યું. શરૂમાં કૃષિમાં છૂટ આપી જેથી માર્કેટિંગ યાર્ડ ચાલુ થાય તો ખેડૂતોનો પાક વેચાતો થાય. લોકોને પણ શાકભાજી અને વસ્તુઓની અછત ન થાય તે માટે નાના-મોટા વેપાર અને પછી ઉદ્યોગોને શરૂ કર્યા. સામાન્ય સ્થિતિમાં ગુજરાતમાં 208 મિલિયન યુનિટ વીજળીનો વપરાશ ગુજરાતમાં થતો હતો જે આંક આજે પાછો મેળવી લેવાયો છે. આટલી વીજળી રોજ ઉપડે છે તેનો મતલબ થયો કે આપણા ઉદ્યોગો ફરી ધમધમતા થઈ ગયા છે. આ રીતે જ 254 મિલિયન લિટર પાણીનો ઔદ્યોગિક વપરાશ હતો જે 50 લાખથી વધુ યુનિટો મેળવતા હતા તે પણ પાછો ચાલુ થઈ ગયો છે. આ બધા યુનિટો કાર્યરત થઈ ગયા છે.

દિવ્ય ભાસ્કરઃ ગુજરાતમાં બેરોજગારીના મુદ્દાની વાત કરીએ તો પરપ્રાંતીયોને કેવી રીતે પાછા લાવીશું અથવા સ્થાનિક સ્તરે રોજગારી ઊભી કરીશું?
વિજય રૂપાણીઃ ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકો ઘણા ખરા પાછા આવી ગયા છે અને સુરતમાં કોરોના સંક્રમણને લીધે ડાયમંડ તથા ટેક્સટાઈલને બાદ કરતા બાકીના ઉદ્યોગો લગભગ પૂર્વવત થઈ ગયા છે. આ બધું કરતા ગયા અને લેટેસ્ટ ફિગર મુજબ આખા ભારતમાં બેરોજગારીમાં ગુજરાત 3.2 ટકા એટલે કે સૌથી ઓછી બેરોજગારીનો આંક છે. ભારત સરકારના એફડીઆઈના ફિગર અનુસાર ગુજરાતમાં 240 ટકાનો વધારો થયો છે. આખા ભારતમાં કુલ એફડીઆઈના 80 ટકા ગુજરાતમાં રોકાણ થયા છે અને બાકીના 20 ટકા આખા દેશમાં છે.

દિવ્ય ભાસ્કરઃ આ સમય દરમિયાન તમારે કોઈ વિદેશી કંપની સાથે વાતચીત થઈ ખરી?
વિજય રૂપાણીઃ ઘણી વિદેશી કંપનીઓ સાથે વાતચીત, વિડિયો કોન્ફરન્સ થાય છે… લક્ષ્મી મિત્તલે હમણાં જ 8000 કરોડનું રોકાણ દહેજમાં કર્યું, અને તે રોકાણ 30 હજાર કરોડ સુધી પહોંચવાનું છે.

દિવ્ય ભાસ્કરઃ સાહેબ, ઉદ્યોગ-ધંધા-રોજગારની વાત તો બરાબર છે પણ ગુજરાતમાં 1 કરોડથી વધુ વાલી-વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે હવે શૈક્ષણિક વર્ષનું શું?
વિજય રૂપાણીઃ હમણાં સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલ્યો હતો. અમે સંચાલક મંડળો સાથે ચર્ચા કરી હતી. પણ અમે એક વસ્તુ કરી દીધી કે ચાલુ વર્ષે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં કોઈ ફી વધારો કરવામાં નહીં આવે. આપણે નિર્ણય કર્યો છે કે છ મહિના એટલે કે ઓક્ટોબર સુધી કોઈ પણ સ્કૂલ ફી માટે દબાણ કરી શકશે નહીં. વાલીઓ આવનારા આખા વર્ષમાં અનુકૂળતા મુજબ ફી ભરશે. કોઈ પણ સ્કૂલ ફી માગશે વાલીઓ પાસે તો અમે કડક પગલાં લઈશું.

દિવ્ય ભાસ્કરઃ સાહેબ, વાલીઓની આ મામલે ફરિયાદ હોય તો તેઓ કોની પાસે જાય?
વિજય રૂપાણીઃ વાલીઓને કોઈ પણ ફરિયાદ હોય તો ડીઈઓ પાસે જાય. ડીઈઓ તેમની ફરિયાદ સાંભળશે.

દિવ્ય ભાસ્કરઃ વિજયભાઈ ધમણનું કૌભાંડ અને તમારી સામે પણ વ્યક્તિગત આક્ષેપો થયા?
વિજય રૂપાણીઃ જુઓ.. ધમણનું કોઈ કૌભાંડ નથી અને કૌભાંડ શબ્દ સામે મારો સ્ટ્રોંગલી વાંધો છે… હું એટલા માટે કહું છું કારણ કે મારી સામે કોઈ કાંઈ નિકળતું નથી. ધમણ આપણને 100 ટકા મફત ડોનેશનમાં આપ્યા છે.. હવે 100 ટકા મફત આપ્યા હોય તેમાં શું કૌભાંડ કહેવાય.. મને તો આ કોંગ્રેસવાળાની કોઈ વાત જ સમજાતી નથી. જે વસ્તુ કોઈ વ્યક્તિ મફત આપે, જેમાં સરકારે એકેય રૂપિયો ખર્ચ્યો નથી તો ક્યાંથી કૌભાંડ થાય. એ લોકો તો જાદુગર હતા જે હવામાંથી પૈસા ખાતા હતા અને પાતાળમાંથી પૈસા ખાતા હતા.. તરંગો વેચવામાંથી ખાધા અને કોલસામાંથી પણ પૈસા ખાધા. ધમણના અવેજ પેટે સરકારે એક રૂપિયો નથી આપ્યો… તો કૌભાંડ ક્યાંથી થયું. માસ્કની વાત કરે છે… પણ કોંગ્રેસ તો માસ્કના કાળાબજારીયાનો બચાવ કરવા નિકળી છે. એન-95 માસ્ક અમે સરકાર વતી અમૂલ ડેરીને આપ્યા અને અમૂલ ડેરીએ 65 રૂપિયામાં માસ્ક વેચ્યા તો આમાં કોંગ્રેસના કૌભાંડના આક્ષેપો ક્યાંથી સાચા કહેવાય.

દિવ્ય ભાસ્કરઃ હાર્દિક પટેલને કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે તો તમારું શું કહેવું છે?
વિજય રૂપાણીઃ આ તો કોંગ્રેસનો આંતરિક મામલો છે.. મારે ઝાઝું શું કહેવું. પરંતુ અમે પહેલાં પણ કહેતા હતા કે હાર્દિક કોંગ્રેસનો એજન્ટ છે. આખું પાટીદાર આંદોલન સમાજને ગેરમાર્ગે દોરીને પોતાની રાજકીય મહેચ્છાઓ પ્રાપ્ત કરવાનો કારસો હતો તે સાબિત થઈ ગયું. અમારી વાત સાચી થઈ છે. હાર્દિક કોંગ્રેસમાં જોડાય તેમાં ભાજપને કાંઈ ન થાય.. અહેમદ પટેલ હોય કે હાર્દિક પટેલ હોય ભાજપને કોઈ અસર નહીં થાય.

દિવ્ય ભાસ્કરઃ તમને લોકો સંવેદનશીલ મુખ્યમંત્રી કહે છે તો તમે વધુ પડતા ભોળા છો, ટફ એડમિનિસ્ટ્રેટર નથી એવી છાપ ઉપસે છે, એવું કેમ?
વિજય રૂપાણીઃ હવે મને તમે કહો કે… હું તો સંવેદનશીલ છું અને રહેવાનો છું… માણસની જેટલી મોટી જવાબદારી તેટલું જ તેણે સંવેદનશીલ રહેવું જોઈએ.. તો જ પ્રજાની વેદના તેને સમજાય. હું પહેલાથી જ સંવેદનશીલ તરીકે ઉછર્યો છું. પણ મને એક દાખલો આપો કે જ્યાં મારે કડક રહેવાનું હોય અને હું થયો નથી.

દિવ્ય ભાસ્કરઃ પ્રજામાં એવું છે કે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓ કહેતા કે પહેલા હું કોમન મેન છું, પછી ચીફ મિનિસ્ટર છું… તો તમે ક્યારે ચીફ મિનિસ્ટર થશો?
વિજય રૂપાણીઃ જુઓ જગતમાં કોઈ વ્યક્તિની કમ્પેરિઝન કરવી જરૂરી નથી.. નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ છે અને વિજયભાઈ વિજયભાઈ છે. મને એક દાખલો તમે આપો કે ચીફ મિનિસ્ટર તરીકે મારે કોઈ કડક નિર્ણય લેવાનો હોય અને મેં લીધો ન હોય.

દિવ્ય ભાસ્કરઃ તમે દરેક સમયે કડક નિર્ણયો લીધા છે પણ લોકો સુધી એક કડક નિર્ણયનો મેસેજ પહોંચ્યો નથી..
વિજય રૂપાણીઃ ના ભાઈ… કડક ગયા છે. પણ મારી સંવેદનશીલ તરીકેની છાપની વાત કરો તો એક નિર્ણાયક સરકાર તરીકેની છાપ પણ પડી જ છે. નિર્ણયોની સાથે કડકાઈ પણ રહી છે, અમલવારી પણ રહી જ છે. વહીવટીતંત્રમાં ક્યાંય કચાશ નથી બધું સુપેરે ચાલે છે. પ્રજાને પણ ફીલ થાય છે કે અમારો માણસ બેઠો છે.

દિવ્ય ભાસ્કરઃ આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવે છે તો ભાજપ તેમાં શું કરશે?
વિજય રૂપાણીઃ જુઓ આ આઠે-આઠ બેઠક કોંગ્રેસની હતી. આ ચૂંટણીમાં અમે આઠ બેઠક જીતીએ, સાત જીતીએ, છ જીતીએ, બે જીતીએ… અમારે તો નફો જ છે.. વકરો એટલો નફો છે. ચિંતા કોંગ્રેસને છે કે આઠેઆઠ બેઠક કેમની બચાવવી.

દિવ્ય ભાસ્કરઃ તમે કોંગ્રેસના માણસોને તોડીને ભાજપમાં લાવો છો..
વિજય રૂપાણીઃ જુઓ, તમને કહું.. કોંગ્રેસમાંથી તોડીને આવે છે તો શું નાના કિકલાઓ છે કે અમે પીપર દેખાડીએ અને આવી જાય.. કોંગ્રેસની આંતરિક સ્થિતિ બહુ ખરાબ છે. કોંગ્રેસમાં અંદરોઅંદરની ખેંચતાણ છે. તેનું નેતૃત્વ સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. ખાલી ગુજરાતમાં થોડી કોંગ્રેસ તૂટે છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જતા રહ્યા એ કલ્પના તો કરો… અહીં રાજસ્થાનમાં પણ મોટો ભડકો થયો છે.. ભાજપમાં પોતાનું ભવિષ્ય સુરક્ષિત છે તેમ માનીને લોકો આવી રહ્યા છે… આ બધું તો ઠીક છે પણ અમારે ત્યાંથી શંકરસિંહને તોડીને કોંગ્રેસમાં લઈ ગયા હતા ત્યારે શું કોંગ્રેસે ભાજપને નહોતું તોડ્યું. તેમણે સરકાર નહોતી બનાવી.. કોંગ્રેસનો સરકારો તોડવાનો ઇતિહાસ તો બહુ મોટો છે અને કયા મોઢે કોંગ્રેસ પાર્ટીને તોડવાની વાત કરે છે.

દિવ્ય ભાસ્કરઃ ગુજરાતમાં ઘણા ડોક્ટર્સને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કર્યા તો પણ કેટલાક ડોક્ટરો ગુજરાત સરકારની વિરુદ્ધ વાત કરે છે.
વિજય રૂપાણીઃ વિષયનો પહેલા હાર્દ સમજો. ટોસિલિઝુમાબ ઈન્જેક્શનની અછત છે. આપણે ઈચ્છીએ છીએ કે જરૂરિયાતવાળી વ્યક્તિને સમયસર મળે અને બિનજરૂરી વપરાઈ જશે તો જરૂરિયાતના સમયે નહીં મળે. જરૂર હોય તો કોઈને પણ આપો, આપણે તો ગુજરાતના એક-એક માણસને બચાવવાના છે. વાતને કારણ વગરની ડોક્ટરો ચહેરે છે.. આ સમય એકબીજાની ટીકા કરવાનો નહીં પણ ગળી જવાનો છે.

દિવ્ય ભાસ્કરઃ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ થયો છે
વિજય રૂપાણીઃ આપણે આજે સમાચાર જાણ્યા કે તેમને પોઝિટિવ થયો છે. આપણને તેમની ખૂબ ચિંતા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ ઝડપથી સાજા થઈ જાય..

દિવ્ય ભાસ્કરઃ ભાજપનું 25 વર્ષથી ગુજરાતમાં શાસન છે તો તેનું રહસ્ય શું છે?
વિજય રૂપાણીઃ રહસ્ય એટલું જ છે કે ગુજરાતમાં ભાજપની સરકારે પ્રજાની આકાંક્ષા અને અપેક્ષાને ધ્યાનમાં રાખીને તે મુજબ શાસન કર્યું છે. ઈમાનદારી અને વિકાસની રાજનીતિ કરી છે. હકારાત્મક કામ કર્યું છે એટલે પ્રજાનો કાયમી ભરોસો અમારામાં છે અને હજી રહેશે.

દિવ્ય ભાસ્કરઃ કોરોના મામલે તમે પ્રજાને શું સંદેશ આપવા માગો છો?
વિજય રૂપાણીઃ કોરોના વચ્ચે આપણે જીવવાનું છે. કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ સાથે-સાથે સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખવાની જરૂર છે. માટે જ કોઈ બિનજરૂરી ઘરની બહાર ન નિકળે. લડાઈ હજી ચાલુ જ છે. આપણે માસ્ક પહેર્યા વિના જાહેરમાં બહાર ન નિકળીએ. સરકાર એટલા માટે કડક રીતે આનું પાલન કરાવવા માગે છે તો તેનું ધ્યાન રાખે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ આપણે ધ્યાન રાખીએ. આટલું કરીશું તો ગુજરાત સામે કોરોના હારશે અને ગુજરાત જીતશે.

દિવ્ય ભાસ્કરઃ હવે ગુજરાતમાં અનલોક-3 આવશે કે લોકડાઉન-2 આવશે?
વિજય રૂપાણીઃ હજી ભવિષ્યનું કહેવું અઘરું છે પણ હાલપુરતું લોકડાઉનની કોઈ વાત નથી. આપણે જ્યાં-જ્યાં પ્રોબ્લેમ થાય ત્યાં-ત્યાં રસ્તા કાઢવાના છે.

Leave a Response

error: Content is protected !!