વિકાસની વાત

શીતલી એ જિમ જોઈન કર્યું…

5.22Kviews

જિમ એ ચરબી ઉતારવાનું કારખાનું છે. આજ કાલ જિમમાં જવું એ ફેશન બની ગઈ છે. બગાસું ખાવા ય માણસ રોકે એવા આપણે આળસુ થઈ ગયા હોવાથી શરીર પર ચરબીના વાટા બાઝી ગયા છે. જવા ઉતારવા પૈસા દઈને પણ જઈએ છીએ.

અમારા ફ્લેટની મહારાણી શીતલીના મગજમાં કોઈકે ભરાવી દીધું કે તે જાડી થઈ ગઈ! માટે શીતલી એ જિમમાં જવાનું નક્કી કર્યું. સજીધજીને પોતાના નિર્ણયનો તરત જ અમલ કરી એક દિવસ એ જિમમાં જવા ઉપડી.

નાગપુરના સંતરા જેવા કલરના સ્કિન ટાઈટ ટ્રેક શૂટ સાથે શીતલી એ જિમવાળા કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં હોન્ડા સિટીની ઘોડી ચડાવી. વેલ્ડીંગવાળા પહેરે એવા મોટા પણ આધુનિક Ray Banના ચશ્મા તેણે સ્ટાઈલથી કાઢી પોતાના Gussiના પર્સમાં મૂક્યા. તે મોટું ઓરેન્જ પર્સ હાથમાં ભેરવી નીચે ઉતરી. વાળ પાછળ જ હતા છતાં હોશિયારી મારવા માથાનો ઝટકો માર્યો. એક જિદ્દી પાતળી માણેક લટ તેના ડાબા ગાલ સાથે નુકતેચીની કરી રહી! ટ્રેક શૂટને મેચિંગ એવી ચાવી ઘુમાવી તેણે આંખે નેજવું કરી ત્રીજા માળે રહેલા જીમનું આલીશાન બોર્ડ વાંચ્યું.

થનગનતી ચાલે તે કોમ્પ્લેક્ષમાં દાખલ થઈ. બે ચાર લિફ્ટ પાસે જ ઉભેલા ટ્રેક શૂટથી સજ્જ લોકોને એણે દેખો મગર પ્યાર સે જેવું સ્મિત આપ્યું. જીમમાં જવાનું હોય તો સ્ટેર કલાઈમ્બ કરીને જ જવું જોઈએ એવી તે લોકોને વણમાંગી સલાહ આપી. પોતે જાતે જ સીડી ચડીને ઉપડી. તેના પિંક બેબી સૂઝનો અવાજ ત્યાં ઉભેલા લોકો ફાટી આંખે જોઈ રહ્યા.

આમતો શીતલીને જિમની જરૂર જ નથી, તેને જોઈને જ સ્ત્રી લોકોનો ફિગર પ્રમાણભૂત કરેલો છે! છતાં કોઈ એ એને સલાહ આપી એટલે એ ભોળી એ જિમ જોઈન કરવાનું નક્કી કર્યું. ચાલતા જ એ ત્રીજા માળે જીમના તોતિંગ કાચના દરવાજે પહોંચી. તર્જનીમાં રમી રહેલી કારની ચાવીથી દરવાજો ખટખટાવ્યો. મેનેજર, ટ્રેઇનર અને બે ચાર કસરત કરતા લોકો ખુલ્લો દરવાજો ખોલવા દોડ્યા. દરવાજે પહોંચવામાં બુઢો મેનેજર પહેલે નંબરે આવ્યો, જેથી તે મેનેજરને શીતલીનું સ્મિત અને વાંસળી જેવા અવાજે “is this ABC gym?” પ્રશ્ન પુરસ્કાર રૂપે મળ્યો. બુઢા મેનેજરે ગરદનના ટચકિયા ફૂટે એટલા જોરથી હકારમાં માથું ધુણાવ્યું. હાથી હાયલો આવે એટલો બધો દરવાજો પકડી તેણે શીતલીના આગમનને વધાવી આવકારી અને અંદર પ્રવેશવા આજીજી કરી. શીતલી જીમમાં દાખલ થઈ. જિમ પ્રવેશની પ્રાથમિક વિધિ મેનેજરે ચકળ વકળ ડોળે અને શીતલી સામે જોતા જઈ હોઠના O શેપ કરીને સંપૂર્ણ કરી.

મેનેજર શીતલીને પોતાની ખુરશીથી ચાંપતી નજર રહે એવા નજીકના ટ્રેડમિલ પર મૂકવા આવ્યો. દેશની જીડીપી હલી જાય એવું આજુબાજુના લોકો તરફ શીતલી એ સ્માઈલો ફરકાવ્યા. માણેક લટ અને ડાબા ગાલની નુકતેચીનીને અટકાવતા તેણે અડપલાં કરતી માણેક લટને કાન પાછળ ખોસી. બાજુના ટ્રેડમિલ પર કસરત કરતી એક આંટી શીતલીની તમામ ગતિવિધિ શરુઆતથી જ જોતી હતી, એ અડધી કલાકથી ટ્રેડમિલ પર પગ સાફ કરતી હતી, એ આંટીની જેટલી કેલેરી દોડવાથી બર્ન નહોતી થઈ એટલી કેલરી શીતલી સાથેના સ્ટાફના વર્તાવથી, એટેનશનથી થઈ ગઈ!

શીતલી એ ટ્રેડમિલને લાભ આપતા પહેલા દસે દિશામાં ઘૂમી પાંચ છ ડઝન સેલ્ફીઓ પાડી. તેમાંથી અમુક ફોટા સિલેક્ટ કરી વોટ્સઅપ ડીપી, ઇન્સ્ટા અને ફેસબુક પોસ્ટ તરીકે વળગાળ્યા. ડોલા(બાવળા) બનાવવા માટે વજન ઊંચકતા પોતાની જાતને હેન્ડસમ સમજતા યુવાનો ઓછું કે ભારે જે ડંબેલ્સ હાથમાં આવ્યા તે ઊંચકવા લાગ્યા. એક રૂપઘેલો તો શીતલીને જોઈને ભાન ભૂલી ખુરશી ઊંચકી પુશ અપ કરવા લાગ્યો.

જીમના ટ્રેનરો પણ ગાજયા જાય તેવા નહોતા. તે લોકોમાં શીતલી પાસે સ્ટેચ્યુ (મનમોહનસિંહ) થયેલ મેનેજરને હડસેલી શીતલીની મદદ કરવાની હોડ જામી. આવો નજારો જોઈ જીમમાં કસરત કરતા બીજા લોકો વિમાસણમાં પડ્યા. એમને જલન થઈ. એ લોકો એવું વિચારવા લાગ્યા કે જે જીમમાં એકાદ રડ્યો ખડયો ટ્રેનર હતો ત્યાં પંદર જેટલા ટ્રેનરો ક્યાંથી આવી ચડ્યા!

જીતેલા નેતા ચૂંટણી પહેલા અને પછી જેવું વર્તન પ્રજા સાથે કરે એવું વર્તન અનુક્રમે ટ્રેનરો શીતલીના આગમન અને તેની ગેરમોજુદગીમાં કરતા હતા!

આવું માનસન્માન જોઈ તે ભોળી એ બબ્બે શિફ્ટમાં રોજ જિમમાં આવવાનું નક્કી કર્યું. તેનું વજન તો મેન્ટેઇન થયું, એ સિવાય તેની સાથે આવતાં બીજા લોકોના વજનો ય ઉતર્યા!

– jasmin bhimani

Leave a Response

error: Content is protected !!