રાજનીતિ

ચીનના પડખામાં શુળ ભોંકવાની 3Cની ચાલ, ભારતની રણનીતિ જોઈને ચીનના હોંશ ઉડ્યા.. વાંચો શું છે 3C ?

5.93Kviews

આર્થિક રીતે અને સૈન્યબળની દૃષ્ટિએ કાગળ પર ભારત કરતાં અનેકગણાં ચડિયાતા જણાતાં ચીનનો સામનો કરવા માટે ભારતે લાંબા ગાળાથી તૈયારીઓ કરેલી છે. અગાઉ નરસિંહરાવની સરકાર વખતે અપનાવાયેલી Look East નીતિને જ આગળ વધારીને નરેન્દ્ર મોદીની સરકારે Act East પોલિસી અમલમાં મૂકેલી છે. આ નીતિ મુજબ, ચીન જે પ્રકારે ભારતના પાડોશી દેશોની મદદ કરી ભારત વિરુદ્ધ ઉકસાવે છે એ જ જવાબ ભારત અહીં ચીનના સરહદી પાડોશીઓ સાથે કરી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો ચીનની ઈંટ સામે ભારતનો આ પથ્થર છે.

Act East નીતિમાં 3 Cની ભૂમિકા
ચીન સાથેના સંબંધોમાં તંગદીલી આવે એ સંજોગોમાં વૈકલ્પિક બજાર તેમજ કૂટનૈતિક સમર્થન માટે ભારત ત્રણ દાયકાથી અગ્નિ એશિયાના દેશો સાથે સંબંધ વધારી રહ્યું છે. એમાં ભારતે Commerce, Connectivity and Culture એમ 3 C પર ભાર મૂક્યો છે. આ દરેક દેશો સાથે ભારત દોઢ હજાર વર્ષનું સાંસ્કૃતિક જોડાણ ધરાવે છે. ભારત દરેક દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં તેમજ રોજગારી ઊભી કરવામાં મદદ કરી રહ્યું છે. આ ઉપરાંત દરેક દેશો સાથે વેપાર વધે એ ભારતનો મુખ્ય હેતુ છે. આથી ભારતે ASEAN દેશોને પ્રેફરન્શિયલ દેશોની સુચિમાં સમાવ્યા છે. જેને લીધે તેમને આયાત-નિકાસ ડ્યુટીમાં વિશેષ લાભ મળે છે.

Culture: ભારત સાથેનું સાંસ્કૃતિક સગપણ
ASEAN સમૂહના મોટાભાગના દેશો ભારત સાથે દોઢ હજાર વર્ષનો સાંસ્કૃતિક સંબંધ ધરાવે છે. કમ્બોડિયા અને સિંગાપોરના ભારત કનેક્શન જાણીતા છે. કાન્યકુબ્જ અને સિંહપુર તરીકે ભારતીય પુરાણોમાં પણ આ દેશોનો ભારતના જ એક હિસ્સા તરીકે ઉલ્લેખ પ્રચલિત છે. ઈન્ડોનેશિયા આજે પણ સાતમી સદીમાં થઈ ગયેલ પોતાના પ્રતાપી રાજા શ્રીવિજયનું સ્મરણ કરે છે, જે ભગવાન રામનો વંશજ હોવાનું કહેવાય છે. આમ, આ દરેક દેશો વિરાસત અને પરંપરાથી ભારત સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે.

Connectivity: માર્ગ બાંધીને સંબંધનું જોડાણ
ભારતની સરખામણીએ આ દરેક દેશો વસ્તી તેમજ વેપારની દૃષ્ટિએ નાના છે. આમ છતાં વિપૂલ સાગરકાંઠો ધરાવતા હોવાથી ભારત એ દેશોમાં માળખાગત સુવિધાઓ વધારવામાં મદદરૂપ બને છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝના આંકડા પ્રમાણે, ASEAN દેશોમાં ભારતનું રોકાણ છેલ્લાં 10 વર્ષમાં 65 ટકા વધ્યું છે. રોકાણ વધારીને ભારત ત્યાં રોજગારીમાં સહાયરૂપ થાય છે. ઉપરાંત સ્થાનિક યુવાઓને ભારતમાં શિક્ષણ, નોકરી માટે વિશેષ ઓફર પણ આપે છે.

ચીનને પડખામાં શૂળ ભોંકવાની ચાલ
મ્યાનમાર સાથે 2015માં ભારતે 1 અબજ ડોલરના ખર્ચે 1400 કિલોમીટર લાંબો સુપર હાઈ-વે બનાવવાના કરાર કર્યા છે. મ્યાનમાર અગ્નિ એશિયાનું પ્રવેશદ્વાર ગણાય છે. રોડ કનેક્ટિવિટી આસાન બનવાથી મ્યાનમાર ઉપરાંત થાઈલેન્ડ, લાઓસ અને છેક વિયેતનામ સુધી ભારતની પહોંચ વધી શકે છે. મ્યાનમારના નાગરિકો માટે 25 વર્ષની ઉંમર સુધી ભારત વિઝા ફીમાં પણ રાહત આપે છે. ભારતમાં શિક્ષણ માટે ઓછા વ્યાજની લોનની સુવિધા પણ ભારતે દરેક ASEAN દેશ માટે ઓફર કરેલી છે. ભારતનું સમર્થન હોવાથી મ્યાનમાર ચીન સાથેના સરહદી વિવાદમાં હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ખોંખારો ખાઈ શકે છે. છેલ્લાં 3 વર્ષમાં મ્યાનમારે 8 વખત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ચીન સામે ફરિયાદ કરેલી છે.

ચીનપીડિત દેશોને ભારતનો આશરો
અગ્નિ-પૂર્વના દેશો પૈકી ઈન્ડોનેશિયા અને વિયેતનામનો ચીન સાથેનો વિવાદ વધુ ગંભીર છે. 2015માં નોટૂના ટાપુ પર ચીને પોતાનો દાવો કરીને ઈન્ડોનેશિયા સામે મનમાની કરી હતી ત્યારથી બંને દેશોના સંબંધો તંગ રહ્યા છે. એ વખતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતે ઈન્ડોનેશિયાનું સમર્થન કરતાં તેની ફરિયાદ દાખલ થઈ હતી. વિયેતનામના સ્પાર્ટી અને પારસોલ નામના બે ટાપુઓ પર ચીને દાવો કર્યો ત્યારે વિયેતનામને પણ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે કાનૂની સલાહની મદદ કરી હતી. દક્ષિણ ચીની સમુદ્રમાં ચીને 2013થી કૃત્રિમ ટાપુઓનું નિર્માણ શરૂ કર્યું ત્યારે પણ વિયેતનામ, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સનો કેસ જગતભરમાં રજૂ કરવામાં ભારતે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને દરમિયાનગીરીની તેમની આંતરરાષ્ટ્રીય અપીલનું સૌથી પહેલાં સમર્થન કર્યું હતું.

Commerce: સતત વધતી નિકાસ
સિંગાપોર, વિયેતનામ સહિતના દરેક દેશોમાં ભારતની નિકાસ છેલ્લાં પાંચ વર્ષથી સતત વૃદ્ધિના ક્રમમાં રહી છે. ASEAN દેશોમાં ભારતની કુલ નિકાસ 25 બિલિયન ડોલરથી વધીને ચાર વર્ષમાં 42 બિલિયન ડોલર સુધી પહોંચી છે.
અહીં કેટલાંક દેશો સાથેના નિકાસના આંકડા આપ્યા છે. જે તે વર્ષ માટે બિલિયન ડોલરમાં અપાયેલ આ આંકડા કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયની વેબસાઈટ પરથી મેળવાયેલા છે.

દેશ2015-162016-172017-182018-19
સિંગાપોર7.729.5710.211.57
વિયેતનામ5.276.797.818.5
ઈન્ડોનેશિયા2.823.493.975.27
થાઈલેન્ડ2.993.143.664.44
મલેશિયા3.715.235.76.43

ASEAN દેશો સાથે ભારતની નીતિ બિલકુલ સ્પષ્ટ છે. ચીન જે પ્રકારે પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકાને શેહમાં લઈને ભારત ફરતી ઘેરાબંધી કરે છે એ જ રીતે ભારત ચીનના પાડોશી ટચૂકડા દેશોની મદદ કરીને તેમને ચીન સામે ફરિયાદ કરવા પ્રેરે છે અને પોતાનો આર્થિક ફાયદો પણ મેળવે છે. ચીન સાથેનો ભારતનો વિવાદ વકરે ત્યારે આ દેશો નાના હોવા છતાં આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ભારતનો અવાજ બુલંદ કરવામાં સહાયભૂત થઈ શકે છે.  

સૌજન્ય – દિવ્ય ભાસ્કર

Leave a Response

error: Content is protected !!