રાજનીતિ

લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ, કોંગ્રેએ-ઓવૈસીએ કર્યો વિરોધ

99views

 

મોદી સરકારે પાછલા કાર્યકાળમાં પણ ત્રિપલ તલાક બિલ રજૂ કર્યું હતું. જોકે રાજ્યસભામાં તે પાસ નહોતું થઈ શક્યું. મોદી સરકારના આ બિલને એક તરફ સમર્થન મળી રહ્યું છે તો બીજી તરફ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. આજે લોકસભા સત્રના પાંચમા દિવસે આજે ત્રિપલ તલાક બીલ એટલે કે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક મુકવામાં આવ્યું છે. લોકસભામાં ધ્વનિમતથી આ બીલ લોકસભા પટલ પર મુકવામાં આવ્યું. ૧૭ મી લોકસભાના ગઠન બાદ નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલું બીલ છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ત્રિપલ તલાક રજૂ કર્યું હતું. ત્રિપલ તલાક બીલ રજૂ થતા જ કોંગ્રેસ અને AIMIM ના અસદુદ્દીન ઓવૈસીએ આ બીલનો વિરોધ કર્યો હતો.

સમર્થનમાં 186, વિરોધમાં 74 મત પડ્યાં

લોકસભા અધ્યક્ષે ત્રિપલ તલાકને સભા પટલ પર મુકવા અંગે ધ્વનિમત કર્યો જેમાં ત્રિપલ તલાકના સમર્થનમાં નિર્ણય લેવાયો. ત્યારબાદ ડીવીઝન પદ્ધતિથી વોટીંગ કરવામાં આવ્યું જેમાં ત્રિપલ તલાકનાં સમર્થનમાં પક્ષમાં 186 મત પડ્યાં અને આ બિલનાં વિરોધમાં 74 મત પડ્યાં. ગત વર્ષે ડિસેમ્બરમાં આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું. જો કે રાજ્યસભામાં સંખ્યાબળ ઓછું હોવાથી બિલ પાસ ન થઈ શક્યું.

કોંગ્રેસ-ઓવૈસીએ કર્યો વિરોધ

કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે ત્રિપલ તલાક બીલ રજૂ કરતા જ કોંગ્રેસ નેતા શશી થરૂર અને AIMIM ના અસદુદ્દીન ઓવૈસીએ આ બીલનો વિરોધ કર્યો હતો.શશી થરૂર, અસદુદ્દીન ઓવૈસીએ કર્યો વિરોધ કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું કે ત્રિપલ તલાક બીલ મુસ્લિમ પરિવાર વિરૂદ્ધ છે અને બંધારણે આપેલા મૌલિક અધિકારોનું હનન છે. મુસ્લિમોને હેરાન કરવા માટે આ બીલ લાવવામાં આવ્યું છે. AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ ત્રિપલ તલાક બીલ મુસ્લિમ મહિલાઓનું મુશ્કેલી વધારનારું છે, માત્ર એક સમુદાય માટે શા માટે આ બીલ લાવવામાં આવ્યું? તમામ સમુદાય માટે બીલ બનાવવામાં આવે.માતઆ બીલ મૂજબ પતિને ત્રણ વર્ષની જેલ છે, તો પતિ ત્રણ વર્ષ જેલમાં જશે તો મહિલાનો ખર્ચ કોણ ઉઠાવશે?

રવિશંકર પ્રસાદનું આક્રમક વલણ

લોકસભામાં ત્રિપલ તલાક બીલ રજૂ કરતા કોંગ્રેસ અને ઓવૈસીએ તેઓ વિરોધ કર્યો. આ સમયે કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદનો આક્રમક વલણ જોવા મળ્યું. તેમણે કહ્યું આપણે બધા લોકસભામાં કાયદાઓના નિર્માણ માટે ચૂંટાઈને આવ્યા છીએ, નહિ કે વાદ-વિવાદ કરવા, આવા વાદ-વિવાદ કોર્ટમાં થાય છે. લોકસભાને કોર્ટ ન બનાવો ત્રિપલ તલાક બીલથી મુસ્લિમ મહિલાને રક્ષણ મળશે. કાયદાપ્રધાને કહ્યું કે સાયરાબાનો કેસમાં સુપ્રીમે ત્રિપલ તલાકને અયોગ્ય ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 250 થી વધુ ત્રિપલ તલાકના કેસો સામે આવ્યા છે. આ નારી સન્માનનો વિષય છે, કોઈ ધર્મ-જાતિ-સંપ્રદાયનો વિષય નથી. આ નારી ન્યાય અને ગરિમાનો વિષય છે. બંધારણની પ્રક્રિયા અનુસાર આ બીલ લાવવામાં આવ્યું છે. ત્રિપલ તલાકથી મહિલાઓના મૌલિક અધિકારોનો ભંગ થાય છે એવી કોંગ્રેસ-ઓવૈસીની દલીલનું ખંડન કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે બંધારણમાં એવું લખેલું નથી કે મહિલાઓ પર અત્યાચાર થાય અને સરકાર જોતી રહે.

Leave a Response

error: Content is protected !!