રાજનીતિ

‘વાયુ વાવાઝોડું’આજે રાત્રે કચ્છ તરફ પહોંચશે , પાલનપુરમાં NDRFની ત્રણ ટીમ ઉતારાઈ

105views

છેલ્લા ઘણા દિવસોથી વાયુ વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ત્રાટક્યા વગર પણ ઘમરોળ્યા બાદ ઓમાન તરફ ફંટાતા ગુજરાતે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ દરિયામાં નબળું પડેલું વાવાઝોડું વાયુએ યુર્ટન લેતા ફરીવાર ગુજરાત તરફ ફંટાયું છે અને આજે રાત્રે કચ્છના સીમાડે ત્રાટકે તેવી સંભાવના છે. સતત વાદળછાયા વાતાવરણમાં કચ્છ તથા હાલારના પણ સમુદ્રી કિનારે સતત સમુદ્રના પાણીનો પ્રવાણ સામાન્ય કરતા ઉપર વહી રહ્યોં છે અને પવનની ગતિ પણ સામાન્ય કરતા વધારે જોવા મળી રહી છે.

દ્વારકા-

દેવનગરી દ્વારકામાં વાયુ વાવાઝોડાના અરબી સમુદ્રમાં સક્રિય થયા બાદ લગભગ એકાદ સપ્તાહથી સમુદ્રના પાણીમાં કરંટ જોવા મળી રહ્યોં છે. પાંચ દિવસથી વધારે સમયથી વાતાવરણ સતત ઘ્રાબડિયું જોવા મળી રહ્યું છે. તેમજ વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાની સાથે ભારે પવન પણ ફૂંકાય રહ્યોં છે. તેથી સમુદ્રના પાણીની સપાટી પણ સામાન્યથી ઉંચી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ગોમતી નદી કે દરિયામાં ન્હાવા તથા માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ હજુ એક દિવસ સુધી સ્થિતિ યથાવત રહે તેવી સંભાવના છે.

વાયુ વાવાઝોડાને પગલે દ્વારકા યાત્રાધામમાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજા એક જ સપ્તાહમાં બીજી વખત અડધી કાઠીએ કરવામાં આવી હતી. ભારે પવન અને વરસાદી માહોલને લીધે એક જ સપ્તાહમાં બીજી વખત અડધી કાઠીએ ધ્વજારોહણ કરવામાં આવ્યું હોય તેવું પહેલી વખત બન્યું છે.

કંડલા-

 

કંડલા ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાયુની જિલ્લાભરમાં અસર વર્તાઈ રહી છે. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. કાંઠાળ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

ભચાઉના ગામડા, માંડવી, અંજાર અને દૂધઈ, બન્ની વિસ્તારમાં સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથેજ કચ્છમાં NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

માંડવી-

તેમજ માંડવી બીચ હાલ વાયુ વાવાઝોડાના કારણે પ્રવાસીઓને ત્યાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાં પણ રવિવારે વાયુ વાવાઝોડાના રિટર્નના પગલે કિનારે તેજ પવન સાથે સમુદ્રના પાણી આવી ચડ્યા હતા. બીચ પર પોલીસ પ્રવેશ બંધી હોવાથી લોકો જઈ શક્યા ન હતાં.

આવી રીતે બે દિવસ સુધી બીચ પર પ્રવેશ પ્રતિબંધ મુકાયો છે. જિલ્લાના કાંઠાના દરિયામાં આજ પ્રકારનો કરંટ જોવા મળવા સાથે ઊંચા મોજા ઉછળ્યા હતા. બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત રખાયું છે.

પાલનપુર-

વાયુ વાવાઝોડાને પગલે જ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં પણ વરસદાની ભારે આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લા વહીવટી તંત્રએ આગોતરા આયોજન મુજબ આવનારી મુસીબતને પહોંચી વળવા માટે NDRFની ત્રણ ટીમો ઉતારી છે.

NDRFની ત્રણ ટીમોમાં કુલ 33 જવાનો ઉતારવામાં આવ્યા છે. ભારે વરસાદ અને વાવાઝોડાની મુસીબતને પહોંચી વળવા માટે એનડીઆરએફ ટીમના જવાનો લાઇફ જેકેટ, બોટ, વુડન કટર તેમજ ડિઝાસ્ટરને લગતા જુદા જુદા સાધનો સાથે પાલનપુરમાં ત્રણ દિવસ માટે રોકાણ કરશે.

Leave a Response

error: Content is protected !!