અમદાવાદમાં મોતને ભેટનારા પાંચ મજૂરો પંચમહાલના:
અમદાવાદમાં મોતને ભેટનારા પાંચ મજૂરો પંચમહાલના:

અમદાવાદમાં મોતને ભેટનારા પાંચ મજૂરો પંચમહાલના:"અરે મા આ શું થઈ ગયું", પતિના મોતના સમાચાર મળતાં પત્નીનું આક્રંદ; લગ્નના ચાર મહિનામાં જ સુહાગ છીનવાયો

ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામે રહેતા શૈલેષભાઈ નાયકના લગ્ન મે મહિનામાં થયા હતા અને લગ્નજીવનને હજુ ચાર મહિના થયા છે. ત્યારે પત્નીએ ચાર જ મહિનામાં પોતાના પતિનો સાથ આજીવન માટે ગુમાવી દેતાં પત્નીના માથે આભ તૂટી પડ્યું છે.

"ઓ..માં.. આ.. શું થઈ ગયું"ના હૈયાફાટ આક્રંદે લોકોને હચમચાવ્યાં

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં બિલ્ડિંગના બાંધકામ દરમિયાન માંચડો તૂટવાની દર્દનાક ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા સાત મૃતકો પૈકી પાંચ મૃતકો પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકાના છે. આ પાંચમાંથી ઘોઘંબાના વાવકુંડલી ગામના ​​​જ બે યુવકોના ઘરે દિવ્ય ભાસ્કર​ પહોંચ્યું હતું. જેમાં​​​ એક યુવકના બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, તો અન્યનું લગ્નના ચાર મહિનામાં જ મોત થતાં તેની પત્નીના જીવનમાંથી સૌભાગ્યનો સૂરજ સદાયને માટે આથમી ગયો છે.

ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામમાં આવેલા નાયક ફળિયામાં રહેતા મુકેશભાઈ ભારતભાઈ નાયક પોતાના પરિવારના ભરણપોષણ માટે તેમના ગામમાં રહેતા એક કોન્ટ્રાક્ટર મારફતે અમદાવાદ ખાતે મજૂરી અર્થે આજથી બે મહિના પહેલા ગયા હતા, જ્યાં તેમણે વિચાર્યું ન હતું કે, લિફ્ટનો માચડો કાળ બનીને ભરખી જશે.

બે અને ચાર વર્ષના બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામે રહેતા મુકેશભાઈ ભારતભાઈ નાયકના ઘરે જઈ મુલાકાત લીધી હતી. તેમના માતા અને પત્ની સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારો દીકરો બે મહિના પહેલા મજૂરી કામ માટે અમદાવાદ ગયો હતો અને આ ઘટના બનવાથી પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. મુકેશભાઈ નાયકને બે દીકરા છે, જેમાંથી એક દીકરાની ઉંમર બે વર્ષની અને બીજાની ઉંમર ચાર વર્ષની છે. જે બાળકોએ હજુ દુનિયાદારી જોઈ નથી એ પહેલાં તો પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દેનારા આ બે બાળકો અનાથ બની ગયા છે. તો મૃતક મુકેશભાઈની પત્નીના જીવનમાં હંમેશના માટે સૂનકાર છવાયો છે, જેના પગલે પત્નીની આંખો ચોધાર આંસુએ વરસી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

"ઓ..માં.. આ.. શું થઈ ગયું"ના હૈયાફાટ આક્રંદે લોકોને હચમચાવ્યાં

જ્યારે દિવ્યભાસ્કરની ટીમ અન્ય મૃતક શૈલેષભાઈ રવજીભાઈ નાયકના ઘરે પહોંચી ત્યારે પરિવારના લોકોના હૈયાફાટ આક્રંદ સાથે સમગ્ર વાતાવરણ કરૂણ બની ગયું હતું. ઓ... માં...આ..શું થઈ ગયું તેવા વિલાપ સાથે જે પત્નીએ હજુ તો લગ્નજીવનનું સુખ નહોતું માણ્યું એ ચાર મહિનામાં જ વિધવા બની જતાં કારમો વલોપાત કરતી જોવા મળી હતી.

લગ્નના ચાર જ મહિનામાં પરિણીતા વિધવા બની

ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામે રહેતા શૈલેષભાઈ નાયકના લગ્ન મે મહિનામાં થયા હતા અને લગ્નજીવનને હજુ ચાર મહિના થયા છે. ત્યારે પત્નીએ ચાર જ મહિનામાં પોતાના પતિનો સાથ આજીવન માટે ગુમાવી દેતાં પત્નીના માથે આભ તૂટી પડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક શૈલેષભાઈ નાયક પહેલા જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યો છે અને હવે પોતે લિફ્ટનો માંચડો તૂટી જવાથી જીવ ગુમાવતાં પરિવારના લોકો ઘેરા શોકમાં ડૂબી ગયાં છે. મૃતક શૈલેષભાઈ રવજીભાઈ નાયકના મોતના સમાચાર સાંભળતા તેમની પત્ની ગાંડીતૂર થઈ ગઈ હતી, નાની ઉંમરે વિધવા બનતાં પત્ની લાચાર બની છે. આમ આખું ઘોઘંબા તાલુકાના જ પાંચ લોકોના મોતના સમાચાર સાંભળતાની સાથે ગમગીન બન્યું છે.

દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ઘોઘંબા તાલુકાના મૃતકો

1. મુકેશભાઈ ભારતભાઈ નાયક

2. શૈલેષભાઈ રવજીભાઈ નાયક

3. સંજયભાઈ બાબુભાઈ નાયક

4. જગદીશબાઈ રમેશભાઈ નાયક

5. અશ્વિનભાઈ સોમાભાઈ નાયક

add image
Top