વિકાસની વાત

ઓસ્ટ્રેલિયાથી વતન ફરેલા ડૉ.હિતેશ પટેલની કોરોના દર્દીઓની અદ્ભૂત સેવા કરવાની લગ્નનને સો સલામ

230views

સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે.હું આજે સફળતાના જે કંઈપણ મૂકામે છું તે સિવિલ હોસ્પિટલના કારણે જ.કોરોનાની મહામારીમાં જ્યારે સિવિલ હોસ્પિટલને મારી જરૂર હોય ને હું ઘેર બેસી રહું તે કેમનું ચાલે.?? આ શબ્દો છે ડૉ.હિતેશ પટેલના.

ડૉ. હિતેશ પટેલ સિવિલ હોસ્પિટલના જૂના વિધાર્થી અને તબીબ છે કે જેઓ હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. કોરોનાના કપરા સમયે જ્યારે હોસ્પિટલને તબીબોની તાતી જરૂર હોય તેવા સમયે સામે ચાલીને કોરોના ડ્યુટી કરવા સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા. છેલ્લા દોઢ મહિનાથી કોરોના દર્દીઓની સેવા કરીને પિતૃસંસ઼્થાનું ખરા અર્થમાં ૠુણ અદા કરી રહ્યા છે.

લોકડાઉન પહેલા ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવેલા હિતેષ પટેલે જ્યારે જોયું કે કોરોના બેકાબુ બની રહ્યો હતો. કોરોનાને નિયંત્રિત કરતા તબીબો જ પોતે સંક્રમિત થઈ રહ્યા છે. આ બધું જોઈને ડૉ. હિતેશથી રહેવાયું નહીં તેઓ એકાએક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા.. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે. પી. મોદીને મળીને એક જ રટણ કર્યુ કે “મારે કોરોના ડ્યુટી કરવી છે. સિવિલ હોસ્પિટલ સમા મંદિરમાં આવેલા દર્દી નારાયણની સેવા-સુશ્રાષા કરવી છે”.

ટ્રોમા અને માનસિક રોગના નિષ્ણાંત ડૉ. હિતેશ પટેલ ૧૨૦૦ બેડ ડેડિકેટેડ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર અંગેના અનુભવો જણાવતા કહે છે કે આ બીમારીમાં દર્દીને તબીબી સારવારની સાથો સાથ માનસિક સારવાર, કાઉન્સેલિંગ પણ અહમ ભાગ ભજવે છે. સામાન્ય સંજોગોમાં વ્યક્તિ બીમાર પડે ત્યારે તેની ખબર અંતર પૂછવા જમાવડો ભેગો થતો હોય છે અેવામાં આ બીમારીમાં તદન વિપરીત પરિસ્થિતિ સર્જાય છે.દર્દીના સગા તેમની સમીપે જઈને તેમની સ્વાસ્થય પૃચ્છા કરી શકતા નથી. જેથી દર્દી એકલવાયુ, માનસિક તણાવ, ધબરામણ, અશાંતિ અનુભવતું હોય છે. આવી પરિસ્થિતિઓમાં અમે દર્દીઓનું કાઉન્સેલીંગ કરતા.નવરાશની પળોમાં કે રાઉન્ડ દરમિયાન તેનાથી વાતચીત કરતા તેમને સાંભળતા. જેથી દર્દીને તેમનું કોઈ છે તેવી અનુભૂતિ થતી.

તેઓ ઉમેરે છે કે “હું લોકડાઉન પહેલા ઓસ્ટ્રેલિયાથી માદરે વતન પરત ફર્યો હતો. તેવામાં કોરોનાકાળ શરૂ થયો.દરરોજ મીડિયામાં ,અન્ય માધ્યમોથી કોરોના અને સિવિલ હોસ્પિટલ વિષે નકારાત્મકતા આંખે વડગતી. જે જોઈને હું ખૂબ જ નિરાશ થતો. કેમકે મેં પોતે સિવિલ તંત્રને અનેક કુદરતી અને માનવસર્જિત આપદાઓમાં કર્તવ્યનિષ઼્ઠા સાથે કામ કરતા નજરે નિહાળ્યા છે. જેથી મેં તે જ વખતે સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટને સંપર્ક કરી કહ્યુ કે મારે પણ કોરોના ડ્યુટી કરવી છે.મારે આપણી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સેવા-સુશ્રુષા કરવી છે. મને તંત્ર તરફથી સકારાત્મક જવાબ મળ્યો અને મેં ડ્યુટી જોઈન કરી.

સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદી કહે છે કે ડૉ. હિતેશ કપરા સમયમાં સ્વૈચ્છિક રીતે આગળ આવી ફરજ સ્વીકારી. તેમને કોરોના વોર્ડમાં ડ્યૂટી આપી હોય કે, કોરોના વોર્ડ મેનેજમેન્ટની જવાબદારી, તેમણે તમામ ફરજ બખૂબી નિભાવી છે. માનસિક રોગ નિષ્ણાંત ડૉ. હિતેશ ઘણાંય દર્દીઓનું કાઉન્સેલીંગ કરીને એક અલગ જ પ્રકારની સહાયરૂપ સારવાર પદ્ધતિથી ઘણા દર્દીઓને બીમારીમાંથી ઉગારી નવજીવન બક્ષ્યું છે.અમારી હોસ્પિટલ હિતેષની આ કર્તવ્યનિષ્ઠાને બિરદાવી રહી છે.

કોરોનાની મહામારી દેશ પર આવી પડેલી આપદા છે. આ આપદા સામે એકજૂથ થઈ લડીને જ વિજય મેળવી શકાશે.ખરા અર્થમાં દેશને અને મેડિકલ જગતને જરૂર છે આવા સ્વૈચ્છિક કોરોના યોદ્ધાઓની…

Leave a Response

error: Content is protected !!