Corona Update

ગ્રાઉન્ડ રિપોર્ટ : મંદિરના દ્વાર ખુલ્યા પણ મંદિરોની બહાર અકલ્પનીય શાંતિ,જુઓ દ્વારકા-સોમનાથમાં કેવી છે વ્યવસ્થા

1.71Kviews
  • દ્વારકા:જગત મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા
  • શ્રદ્ધાળુઓને સેનેટાઇઝ બાદ મંદિરમાં પ્રવેશ
  • માસ્ક વગર ભાવિકોને મંદિરમાં પ્રવેશ નહીં
  • સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કરાઇ વ્યવસ્થા
  • દ્વારિકામાં સ્થાનિક લોકો જ દર્શન માટે આવ્યા, બહાર ગામના કોઇ પણ ભાવિક ન આવ્યા
આજે સોમનાથ મહાદેવ અને ભગવાન દ્વારિકાધીશને કરવામાં આવેલો શણગાર

સોમનાથ મંદિર
આજથી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાં છે. મંદિરમાં દંડવત પ્રણામ ભાવિકો કરી શકશે નહીં. આ ઉપરાંત 10 વર્ષથી નીચેના અને 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ પણ ખુલશે. એક કલાકમાં 300 લોકો દર્શન કરી શકે તે પ્રકારે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. કોરાના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની તકેદારી માટે 6-6 ફૂટના અંતરે સર્કલ કરવામાં આવ્યા છે. તેમાં ભાવિકો ઉભા રહી એક પછી એક દર્શન કરી રહ્યા છે. મંદિરના દર્શનનો સમય મર્યાદિત રાખવામાં આવ્યો છે. જેમાં સવારે 7.30થી 11.30 અને બપોરે 12.30થી 6.30 સુધીનો રાખવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે આરતીમાં કોઈપણ શ્રદ્ધાળુને પ્રવેશ આપવામાં આવશે નહીં. આજે સોમનાથમાં વરસાદનાં આગમન સાથે મહાદેવના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. ત્યારે આજે વહેલી સવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. આ તકે નરેશભાઈ પટેલે લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. આ સાથે જ ભક્તોને ગંગાજળ, બીલીપત્રો કે ફૂલ લઈને મંદિરમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ છે. દર્શન કરીને ભાવિકોને ક્યાંય ઉભા રાખવામાં આવતા નથી. સોમનાથ મહાદેવના દર્શનાર્થે જિલ્લા બહારથી આવતા શ્રદ્ધાળુઓએ 12 જુનથી ટ્રસ્ટની વેબસાઇટ  WWW.SOMNATH.ORG પર સ્લોટની લીંક મુકવામાં આવી છે. જેમના દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને જ આવવાનું રહેશે

દ્વારિકા જગતમંદિર

દ્વારિકામાં ફક્ત મુખ્ય મંદિરો જ આજે ખોલવામાં આવ્યા છે.  જેમાં જગતમંદિર દ્વારિકાધીશના દ્વારા ખોલવામાં આવ્યા છે. દ્વારિકામાં આજે ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. દ્વારિકામાં આજે 1000થી 1500 જેટલા જ ભાવિકો દર્શન કરવા આવ્યા છે. તે પણ સ્થાનિક લોકો જ આવ્યા છે. બહાર ગામથી એક પણ ભાવિક આવ્યા નથી. દ્વારકામાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે 6-6ફૂટના અંતરે સર્કલ દોરવામાં આવ્યા છે. તેમજ મંદિરમાં ક્યાંય સ્પર્શ ન કરવો તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે. ભાવિકો માટે સેનિટાઇઝની પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે. તેમજ ભાવિકોએ ફરજિયાત માસ્ક બાંધીને આવવું તેવી અપીલ કરાતા ભાવિકો માસ્ક બાંધીને મંદિરમાં દર્શન માટે આવ્યા છે. તેમજ મંદિરના દ્વાર પર જ ભાવિકોનું થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે.  દર્શન કરી ભાવિકો મંદિર બહાર નીકળી રહ્યા છે. હાલારનું હરસિદ્ધિ માતાજી, જોગવડનું આશાપુરા અને ભાણવડનું કિલેશ્વર મહાદેવ મંદિર પણ ખુલી ગયું છે. અહીં પણ સરકારની ગાઇડલાઇન અનુસાર ભાવિકો દર્શન કરી રહ્યા છે. 

Leave a Response

error: Content is protected !!