રાજનીતિ

યુવા પેઢીને પ્રશ્ન ઈમરજન્સી વિશે તમે શું જાણો છો ? ગુલામીના એ 21 મહિના…

117views

શું છે આ ઈમરજન્સી.. ? એક રાજનૈતિક લડાઈ.. ? સ્વતંત્રતાની બીજી લડાઈ.. ? કે પછી દેશમાટે કાળો દિવસ..?

આજની યુવા પેઢીએ ઈમરજન્સી વિશે ઘણુંં સાંભળ્યું, ઘણા ફિલ્મોમાં જોયુ, ન્યાય-અન્યાયની વાતો સાંભળી, વડિલો પાસેથી પણ સાંભળ્યું પણ ઈમરજન્સીને અનુભવી નથી.

આજે આપણી પાસે સ્વતંત્રતા છે તે બીજી સ્વતંત્રતા કહી શકાય. ભારતે બે આઝાદીની લડાઈ લડી છે. પહેલી અંગ્રેજો સામે અને બીજી કોંગ્રેસ સામે. 25 જુન1975થી 21 માર્ચ 1977 સુધી  દેશમાં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા  લોકોના તમામ મૌલિક અધિકારોએ સ્થગિત કરવામાં આવ્યા હતા અને પુરા દેશને એક મોટું જેલખાનામાં બદલાવમાં આવ્યું હતું.

સરકાર વિરોધી  બોલવું એટલે સીધી જેલ થતી. આજે તમે વિચારો કે અભિવ્યક્તિની કેટલી આઝાદી છે. તમને બોલવમાં, વાંચવામાં કે લખવામાં, બહાર એકબીજાને મળવામાં કોઈ રોક લગાવે તો… ? તો આપણે આંદોલન કરીશું, ધરણા કરશું પણ તે સમયે આંદોલન કરવાવાળાને પણ જેલ થતી. ત્યાં સુધી કે છાપાઓ અને પરચાઓની પ્રિન્ટીંગ પ્રેસ પણ ઈન્દિરા ગાંધી દ્વારા બંધ કરાવવામાં આવી હતી.

अनुशासन के नाम पर, अनुशासन का खून
भंग कर दिया संघ को, कैसा चढ़ा जुनून
कैसा चढ़ा जुनून, मातृपूजा प्रतिबंधित
कुलटा करती केशव-कुल की कीर्ति कलंकित
यह कैदी कविराय तोड़ कानूनी कारा
गूंज गा भारतमाता- की जय का नारा।    — અટલ બિહારી વાજપેયી

સરળ અને કાયદાકીય રીતે ઈમરજન્સી એટલે ?

કટોકટી અથવા ઈમરજન્સી માત્ર ત્રણ પ્રકારની સ્થિતિ હોય તો જ દેશમાં લાગુ કરી શકાય. એક, જો દેશમાં આંતરિક અશાંતિ પર ખતરો હોય તો, બીજું, બાહ્ય આક્રમણ થવાની સંભાવના હોય અથવા ત્રીજું, ગંભીર આર્થિક સંકટની સ્થિતિ આવી પડી હોય તો. ભારતના બંધારણમાં આ ત્રણ સ્થિતિમાં જ ઈમરજન્સી ઘોષિત કરવાની પરવાનગી છે.ઈમરજન્સીનો અર્થ થાય છે, સામાન્ય નાગરિકોના તમામ મૌલિક અધિકારોનો હ્રાસ (નાશ). આંતરિક સલામતી અધિનીયમ એક્ટ હેઠળ કટોકટી દરમિયાન કોઈપણ વ્ય્કતિનને અનિશ્ચિત સમય સુધી ધરપકડ કરવામાં આવી શકે અને તે વ્યક્તિને અપીલ કરવાનો પણ કોઈ અધિકાર આપવામાં આવતો નથી.

ઈન્દિરા ગાંધીએ આવી જ ક્રુર હિટલરશાહી કટોકટી લગાવી અને દેશને ફરી ગુલામ બનાવી દીધો. 1975થી દેશમાં ગાંધી શબ્દનો અર્થ બદલી ચુક્યો હતો. જ્યાં મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાની વાતો કરતા હતા ત્યાં ઈન્દિરા ગાંધી અંગ્રેજોની જેમ તાનાશાહી કરતા હતા. ગાંધીના નામ પર પરિવારવાદ અને સત્તાભોગ શરૂ થઈ ગયો હતો. સરકારી કર્મચારીઓ આ બધાથી પર “જી મેડમ..” કરવામાં અને ‘મેડમ’નાં કામો પુરા કરવામાં લાગ્યા હતા. ઈમરજન્સીને અનુભવેલા લોકોના મત પ્રમાણે પોલીસ,પ્રસાશન અને કાયદો આ બધું જ કોંગ્રેસ સરકાર ઘોળીને પી ગઈ હતી. દેશની આ પરિસ્થિતિ પર સરકારી કર્મચારીઓ પ્રજાના કામો કરવાને બદલે નસંબધીના ટાર્ગેટ પુરા કરવામાં લાગ્યા હતા.

ઈન્દિર ગાંધી અને મહાત્મા ગાંધીની અલભ્ય તસ્વીર

 

ઈમરજન્સીમે ઈમોશન નહિ મેરે ઓર્ડર ચલતે હૈ” – ઈન્દિરા ગાંધી

ઈન્દિરા ગાંધીએ બહુ ચાલાકીથી ઈમરજન્સીની જાહેરાત કરી હતી. એમની અપીલનો સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કરાવવામાં આવ્યો હતો, જેથી રાયબરેલી સંસદીય ક્ષેત્રમાંથી ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરવાના અલાહાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદાને ઉલટાવી શકાય. આમ, ઈન્દિરાએ માત્ર પોતાના અંગત લાભ ખાતર અને સત્તા બચાવવા માટે ઈમરજન્સી લાગુ કરાવી હતી.

ઈમરજન્સી લાગુ કરાઈ એ પહેલાં જ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને આદેશ આપી દેવામાં આવ્યો હતો કે વિપક્ષી નેતાઓની ધરપકડ કરી લો. કેદીઓમાં લગભગ તમામ મુખ્ય સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. એમની ધરપકડ કરવાનો ઉદ્દેશ્ય એવો હતો કે સંસદમાં ઈન્દિરા ગાંધી જે ઈચ્છે એ કરાવી શકે.

વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાની જાણ એમના સગાંવહાલા, મિત્રો અને સહયોગીઓને પણ કરવામાં આવી ન હતી. એમને પકડીને ક્યાં રાખવામાં આવ્યા હતા એની પણ કોઈને જાણકારી આપવામાં આવી નહોતી. બે મહિના સુધી એમને ગુપ્ત જગ્યાએ રાખવામાં આવ્યા હતા. ઈમરજન્સીના પહેલા જ અઠવાડિયા દરમિયાન લગભગ 15 હજાર નેતા અને વિરોધીઓને કેદી અવસ્થામાં રાખવામાં આવ્યા હતા. અમુક વિપક્ષી કાર્યકર્તાઓ પર પોલીસ અત્યાચાર પણ કરવામાં આવ્યા હતા, જેમ કે રાતે એમને સૂવા ન દેવા, જમવાનું ન આપવા, તરસ્યા રાખવા કે બહુ ભૂખ્યા રાખ્યા બાદ ખૂબખવડાવીને એમને કોઈ પ્રકારે આરામ કરવા ન દેવો, કલાકો સુધી ઊભા રાખવા જેવી તકલીફો આપવામાં આવી હતી.

અમુક કાર્યકર્તાઓની ખૂબ મારપીટ કરવામાં આવી હતી. જયપ્રકાશ નારાયણ, જ્યોર્જ ફર્નાન્ડીસ, અટલ બિહારી વાજપાઈ, લાલ કૃષ્ણ અડવાણી, મુલાયમ સિંહ યાદવ જેવા અનેક નેતાઓને જેલમાં ભરી દેવામાં આવ્યા હતા.

મહિલા કેદીઓ સાથે પણ શરમજનક વર્તાવ કરવામાં આવ્યો હતો. જયપુર (ગાયત્રી દેવી), ગ્વાલિયર (વિજયારાજે સિંધીયા)ની રાજમાતાઓને અસામાજિક તથા બીમાર કેદીઓની સાથે રાખવામાં આવ્યા હતા. મૃણાલ ગોરે (મહારાષ્ટ્રનાં સમાજવાદી નેતા) અને દુર્ગા ભાગવત (સમાજવાદી વિચારક)ને પાગલોની સાથે રાખવામાં આવ્યા હતા.

હિટલરે પણ મોટા ભાગના વિપક્ષી નેતાઓની ધરપકડ કરાવી હતી. ઈન્દિરા ગાંધીએ પણ એવું જ કર્યું હતું અને વિપક્ષી નેતાઓની ગેરહાજરીમાં સંસદમાં અનેક બંધારણીય સુધારા અનેક ખરડાઓ પાસ કરાવી લીધા હતા.

“આ દેશ ચેલેન્જ નહિ ચાબુકથી ચાલશે” -ઈન્દિરા ગાંધી

  • કોઈ પણ કાયદાકીય સુધારાની ચકાસણી અદાલતો ન કરી શકે એટલા માટે ભારતીય બંધારણ તથા કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને એ આડમાં દેશમાં હિટલરસાહી ચલાવામાં આવી હતી.
  • રાજકીય દુશ્મનાવટને કારણે કોઈને પણ ઠાર કરવાની સત્તા પોલીસ અધિકારીઓ પાસે હતી અને તે અંગે કોર્ટ પણ કંઈ ન કરી શકે તેવી વ્યવસ્થા હતી
  • મીડિયા સરકાર ખિલાફ એક શબ્દ પણ લખી શક્તિ ન હતી કારણકે એવું કરવા પર પરિણામે જેલ અથવા ગોળી જ મળતી હતી.
  • નાગરિકોના જીવન તથા સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા.
  • દેશને એક મોટા કેદખાનામાં ફેરવી નખાયો હતો અને વિરોધપક્ષના દરેક નેતાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
  • મશહુર ગાયક કિશોર કુમારે કોંગ્રેસ અધિવેશનમાં ગીત ગાવાની ના પાડતા ઇન્દિરા ગાંધીનું સ્વમાન ઘવાયું હતું અને તેમણે કિશોર કુમારના ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

અટલજી અને ઈમરજન્સી 

અટલજીએ ઈમરન્સી સમયે જેલમાં ખુબ કપરાં કાળનો સામનો કર્યો ત્યારે તેને ઈન્દિરા ગાંધી પર કટાક્ષ કરતા જેલની પરિસ્થિતીનું વર્ણન કર્યું હતું.

डाक्‍टरान दे रहे दवाई, पुलिस दे रही पहरा
बिना ब्‍लेड के हुआ खुरदुरा, चिकना-चुपड़ा चेहरा
चिकना-चुपड़ा चेहरा, साबुन तेल नदारद
मिले नहीं अखबार, पढ़ें जो नई इबारत
कह कैदी कविराय, कहां से लाएं कपड़े
अस्‍पताल की चादर, छुपा रही सब लफड़े।

નરેન્દ્ર મોદીની ઈમરજન્સી વખતેની ભુમિકા :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ  કટોકટીની પરિસ્થિતીમાં લોકોને જાગૃત કરવાનો મહત્વનો ફાળો ભજવ્યો હતો. નરેન્દ્ર મોદી તે સમયે ગામડે ગામડે જઈને ઈમરજન્સી વિરુદ્ધ લડવા માટે પ્રેરિત કરતા અને પોતાના મુળભુત  હક માટે જાગૃત થવાનું સમજાવતા. ખાસ કરીને અમદાવાદની પોળમાં રહીને મોદીએ અનેક કામો કર્યા તેમાંથી એક કિસ્સો એવો છે જેનાંથી ઈન્દિરા ગાંધીના પણ હોંશ ઉડી ગયા હતા.

નરેન્દ્ર મોદીને એ વાતની બરાબર જાણ હતી કે ઈન્દિરા ગાંધી વિશ્વ સામે પોતાનો ચહેરો સાફ રાખવા ઈચ્છે છે અને ભારત બહાર ઈન્દિરાની વાહ વાહી થાય તેવું તે ઈચ્છે છે. નરેન્દ્ર મોદીએ એક વાર નક્કી કર્યુ કે દિલ્હીમાં થવા જનાર વિદેશનીતિની બેઠકમાં ઈન્દિરા ગાંધી વિશે માહિતી આપવી. આ બેઠકમાં અનેક દેશના વડવાઓ હાજર રહેવાના  હતા. નરેન્દ્ર મોદીએ દિલ્હી જવાની તૈયારીઓ શરૂ કરી. અમદાવાદમાં રહીને અંગ્રેજી ભાષામાં ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પરચાઓ છપાવ્યાં.  આ પરચા અને પોસ્ટર લઈને નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચી ગયા. કોઈનું ધ્યાન ન પડે એ રીતે ચાલાકીથી નવી વેશભુષા સાથે વિદેશ સચિવોની બેઠકમાં ઘુસી ગયા અને બધાને ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પરચાઓ વહેંચી દીધા. આમ ઈન્દિરા ગાંધીની વૈશ્વિક સ્તરે બદનામી થવાની શરૂ થઈ.

આ સિવાય નરેન્દ્ર મોદી વેશપલટો કરીને રાજકોટની જેલમાંથી મહત્વના કાગળ લાવ્યાં હતા. જ્યારે પોલીસને સંઘની પ્રવૃત્તિઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી, ત્યારે નરેન્દ્રભાઈ ભૂગર્ભ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આ સમયે ગુપ્ત બેઠકો મણિનગરમાં યોજવામાં આવી હતી. નરેન્દ્રભાઈએ આ કામને બહુ સારી રીતે કર્યું હતું

આજની યુવા પેઢી આ સમયને વિચારી પણ નહિ શકે તેવો સમય હતો.  આ ગુલામીના 21 મહિના વિશે એક લેખમાં લખવું મુશ્કેલ છે પણ આજે આપણને મળેલી આઝાદીની કદર થવી જોઈએ.આપણા માટે અનેક વીર સપુતોએ બલિદાન આપ્યા છે. આજે તમે જે શબ્દો વાંચી રહ્યા છો.. હું અહિં જે લખી રહી છું એ અભિવ્યક્તિની આઝાદી માટે  તમામ મહાન આત્માને સલામ.. ભારતવર્ષ આવો કાળો દિવસ ક્યારેય ન જુએ તેવી પ્રાર્થના.

  • ખુશાલી બારાઈ

Leave a Response

error: Content is protected !!