વિકાસની વાત

શું તમે પણ ‘ગુગલ પે’ યુઝ કરો છો ? તો થઈ જજો સાવધાન, RBIએ ચેતવણી આપી

688views

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ દિલ્હી હાઈકોર્ટને માહિતી આપતાં કહ્યું કે, Google Pay અથવા ‘GPay’ થર્ડ પાર્ટી એપ પ્રોવાઇર (TPAP) છે. તે કોઈ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટ નથી કરતું. તેથી ગૂગલ પેનું કામ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 હેઠળ આવતું નથી. RBIએ ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ પ્રતિક જાલાનને આ માહિતી આપી. RBIએ દિલ્હી હાઈકોર્ટની બેંચને એમ પણ કહ્યું કે, ગૂગલ-પે કોઈપણ પ્રકારની પેમેન્ટ સિસ્ટમ તરીકે કામ નથી કરતું. તેથી, તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા પ્રકાશિત ઓથોરાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સની લિસ્ટમાં જગ્યા નથી મળી.

ગૂગલ પે RBIની મંજૂરી વિના જ ચાલતું હતું


વાત એવી છે કે અર્થશાસ્ત્રી અભિજિત મિશ્રાએ PIL દાખલ કરી હતી કે ગૂગલની આ મોબાઈલ પેમેન્ટ એપ્લિકેશન ‘ગૂગલ પે’ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મંજૂરી વિના જ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરી રહી છે. આ સાથે તેમણે એવો પણ આક્ષેપ પણ કર્યો કે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની સુવિધા પૂરી પાડવા માટે માન્ય મંજૂરીના અભાવે ‘એપ્લિકેશન પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ-2007’નું ઉલ્લંઘન કરીને તે પેમેન્ટ સર્વિસ આપી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, 20 માર્ચ, 2019ના રોજ બહાર પાડવામાં આવેલા NPCIના ઓફિશિયલ પેમેન્ટ ઓપરેટરના લિસ્ટમાં ગૂગલ પે સામેલ નથી. આ વાત આ પ્રકારની સેવાઓ આપતી અન્ય એપ્સને પણ લાગુ પડે છે એટલે આ કેસમાં વિગતવાર સુનાવણીની જરૂર છે. હાઇકોર્ટે આ કેસમાં આગામી સુનાવણી માટે 22 જુલાઈની તારીખ નક્કી કરી છે.

ગૂગલ પે શું છે?
ગૂગલ પેની વેબસાઇટ પર અપાયેલી માહિતી અનુસાર, આ એપ દ્વારા એક બેંક અકાઉન્ટથી બીજા બેંક અકાઉન્ટમાં કોઇપણ ચાર્જ આપ્યા વગર UPIની મદદથી ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિના બેંક ખાતામાં પૈસા મોકલવા હોય અને તે વ્યક્તિ ગૂગલ પેનો ઉપયોગ ન કરતી હોય તો પણ તમે તેના અકાઉન્ટમાં પૈસા મોકલી શકો છો. આ સિવાય, આ એપ દ્વારા તમે તમારા મોબાઈલ ફોનનું રિચાર્જ કરાવી શકો છો અને વિવિધ પ્રકારનાં મન્થલી બિલનું પણ પેમેન્ટ કરી શકાય છે.


એપ્રિલ મહિનામાં ગૂગલ પેએ નજીકનાં સ્ટોર્સમાંથી ઉધારીમાં સામાન ખરીદવાની સગવડ આપતી સુવિધા પણ શરૂ કરી હતી. લૉકડાઉન દરમિયાન ગૂગલ પેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો હતો. ટેક ક્રન્ચમાં આવેલા રિપોર્ટ પ્રમાણે મે મહિનામાં ગૂગલ પેના 7.50 કરોડ એક્ટિવ યુઝર્સ હતા.

Leave a Response

error: Content is protected !!