Corona Updateરાજનીતિ

ગુજરાત સ્ત્રી સુરક્ષાની કામગીરીમાં દેશભરમાં બીજા સ્થાને, અભયમની કામગીરીને મળી વાહ-વાહી

216views
  • લોકડાઉનના સમયગાળામાં “૧૮૧ અભયમ્’’ મહિલા હેલ્પ લાઈન દ્વારા કરવામાં આવી સરાહનીય કામગીરી
  • ગુજરાત રાજયની કામગીરીને સમગ્ર દેશના રાજયોમાં પ્રાપ્ત થયુ બીજા ક્રમનું સ્થાન
  • અભયમ્ ટીમ દ્વારા ૧,૪૨,૨૪૯ મહિલાઓને મદદ પૂરી પાડીને ૮૭,૧૫૧ જેટલાં કિસ્સાઓમાં સ્થળ ઉપર જ સમાધાન

રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ‘‘૧૮૧ અભયમ્” મહિલા હેલ્પ લાઈન કાર્યરત છે. આ હેલ્પલાઈન દ્વારા પીડિત મહિલા કે યુવતીને ઘેર બેઠા ફોન કોલ દ્વારા કાઉન્સેલિંગ, માહિતી તેમજ ગંભીર સંજોગોમાં ઘરના સ્થળ ઉપર જ રેસ્ક્યુ વાન થકી ત્વરિત મદદ મળી રહે તે માટે ઈમરજન્સી કમાન્ડ સેન્ટર તથા જિલ્લાઓ ખાતેની ૪૭ રેસ્ક્યુ વાન સહિત ૨૪ x ૭ સેવા સમગ્ર રાજયમાં ઉપલબ્ધ કરાઈ છે.

લોકડાઉનના સમયગાળામાં માર્ચથી તા.૧૧ જૂન-૨૦૨૦ દરમિયાન કુલ ૨૪૪૪૧ સર્વિસ કોલ મળ્યા હતા. જે પૈકી ૧૦૮૭૫ જેટલાં ઘરેલું હિંસાને લગતા મદદ માટેના કોલને સફળતાપૂર્વક પ્રતિસાદ આપેલ છે . જાન્યુઆરી-૨૦ થી મે-૨૦ સુધી પાંચ માસના સમયગાળામાં ૫૧,૩૭૨ મહિલાઓએ વિકટ પરિસ્થિતિમાં સલાહ ,બચાવ અને માર્ગદર્શન માટે ૧૮૧ હેલ્પલાઈનની મદદ લીધી છે. જે પૈકી ૧૯,૦૪૪ સર્વિસ કોલ ઘરેલુ હિંસાને લગતા મદદ માટેના કોલને સફળતાપૂર્વક પ્રતિસાદ આપવામાં આવેલ છે. આવી તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્ક્યુ વાન સાથે કાઉન્સિલર જઇને મહિલાઓને મદદ પૂરી પાડેલ છે,

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પસંદગીના રાજયની ૧૮૧ મહિલા હેલ્પ લાઈનનો રેપીડ એસેસમેન્ટ વર્ષ ૨૦૧૯ માં હાથ ધરવામાં આવ્યો હતો . જેમાં ગુજરાત રાજયની ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની કામગીરીને સમગ્ર દેશના રાજયોમાં બીજા ક્રમે સ્થાન મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છ વર્ષના સમયગાળામાં તાકિદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ્ ટીમ દ્વારા ૧,૪૨,૨૪૯ મહિલાઓને મદદ પૂરી પાડવામાં આવી છે. ૮૭,૧૫૧ જેટલાં કિસ્સાઓમાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસોનો નિકાલ કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યની મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ,બચાવ, મદદ અને માર્ગદર્શન માટે રાજય સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલ ‘૧૮૧ અભયમ્ મહિલા હેલ્પ લાઈન’ એ અભય વરદાન સાબિત થઇ છે. રાજયની મહિલાઓને કપરી પરિસ્થિતિમાં ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ્ મોબાઈલ એપ્લીકેશન પણ કાર્યરત છે તેમ રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.

Leave a Response

error: Content is protected !!