રાજનીતિ

ગુજરાતી વિષયમાં એક લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ નપાસ, માતૃભાષા પ્રત્યે અણગમો ચિંતાનો વિષય

586views

ગુજરાત સરકારની પરિણામ-પુસ્તિકા અનુસાર, ગુજરાતી વિષયમાં 6,91,693 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5,91,345 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે એક લાખ 348 વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે.

ગુજરાતી વિષયમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતાં ગુજરાતી ભાષા અને માતૃભાષાપ્રેમીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. શિક્ષણવિદો અને શિક્ષકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે આ સ્થિતિ માટે માત્ર સરકાર જ નહીં, પરંતુ શિક્ષકો, વાલીઓ, સંચાલકો પણ એટલા જ જવાબદાર છે.

બીબીસી સાથે વાત કરતાં ભરત મહેતા કહે છે, “સરકારે તો એક ધોરણથી દસમા સુધી ગુજરાતી વિષય ફરજિયાત કર્યો છે. પણ એનું ફોલૉઅપ થવું જોઈએ એ થતું નથી. આપણે ત્યાં જે ભાષા રાજ્યની છે એને માતૃભાષા કે પિતૃભાષા કહેવાનો રિવાજ છે. હકીકત એ છે કે તમારાં માતાપિતા જે ભાષા બોલતા હોય એ તમે નથીય બોલતા. આમાં પરિવેશ મહત્ત્વનો છે. એટલે પરિવેશમાં આપણે ભાષાનું માન ઘટાડ્યું છે. ધીમેધીમે માતૃભાષા પરત્વેનું આપણું વલણ બદલાતું જોવા મળે છે.”

ભરત મહેતા આ મામલે પરિવેશને મહત્ત્વ આપતાં કહે છે કે પરિવેશમાં આપણે માતૃભાષાનું મૂલ્ય ઘટાડ્યું છે.

તેઓ કહે છે, “હાલના સમયમાં અંગ્રેજી ભાષા વિશ્વની જાણેઅજાણ્યે લિંક લેંગ્વેજ બની છે, પરંતુ તમારી માતૃભાષાને તમે શા માટે નગણ્ય લેખો છો. દસમા ધોરણમાં છોકરાઓને આપણે ગણિત, વિજ્ઞાનનું જેટલું દબાણ આપીએ છીએ એવું ક્યારેય ભાષા માટે આપતા નથી.”

તેઓ અભિવ્યક્તિને ભાર આપતાં કહે છે કે “જ્યારે તમારી ભાષા નબળી હશે તો વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર પણ નબળું રહેવાનું છે, કેમ કે આખરે અભિવ્યક્તિ તો ભાષામાં જ કરવાની છે ને.”

“હ્રસ્વ, દીર્ઘમાં પડ્યા વિના અભિવ્યક્તિની તીવ્રતા મહત્ત્વની છે. ઘણા શિક્ષકો વિદ્યાર્થીઓએ લખેલા નિબંધને તપાસતી વખતે જોડણી જુએ છે, ખરેખર તો વિદ્યાર્થીએ નિબંધમાં શું લખ્યું, કેવી રીતે અભિવ્યક્ત કર્યું છે એ મહત્ત્વનું છે.”

“ભાષા એટલે જોડણી નહીં, ભાષા એટલે અભિવ્યક્તિ. તમે વિદ્યાર્થીને જેટલું સારું ગુજરાતી શીખવશો એટલું જ સારું એનું ગણિત, વિજ્ઞાન, સમાજવિજ્ઞાન પણ થશે.”

તેઓ કહે છે કે “ભાષા માત્ર એ ભાષાના પેપર માટે નથી. જે છોકરાઓ ભાષામાં નપાસ થયા છે એમનું ગણિત, વિજ્ઞાન પણ નબળું હોવાની પૂરી શક્યતા છે. જેનું ગણિત સારું, વિજ્ઞાન સારું એની ભાષા પણ સારી જ હશે.”

“ભાષાશિક્ષણને અભિવ્યક્તિના માધ્યમ તરીકે, જ્ઞાનના એક સંપર્કના માધ્યમ તરીકે ગંભીર રીતે લેવું જોઈએ તેવો વાલીઓ, સંચાલકો, આચાર્યોને સંદેશ છે.”

ભરત મહેતા વર્તમાન સમયની તાસીર તરફ દિશાનિર્દેશ કરે છે કે, “વિજ્ઞાન, ગણિતના શિક્ષકનો જેવો મોભો હોય છે એવા ભાષાશિક્ષકનો નથી હોતો. ‘ભાષા સારી હોવી એ ખુમારી અને ગૌરવની બાબત છે’ એ ગૌરવ પેદા કરવું પડશે.”

સૌજન્ય – બીબીસી ન્યુઝ

Leave a Response

error: Content is protected !!