રાજનીતિ

ગુજરાતની પ્રગતિશીલતા: ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલના નિર્માણ માટે કરી રૂપાણીએ તલસ્પર્શી સમીક્ષા

105views

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યની પ્રથમ AIIMS – એઈમ્સ હોસ્પિટલ પ્રોજેક્ટની સપૂર્ણ કામગીરીની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ્સ તેના નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે  હેતુસર સંબંધિત અધિકારીઓને નિયમિત સમયમાં તમામ કામગીરી ઝડપથી હાથ ધરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આરોગ્ય ક્ષેત્રે ઘર આંગણે વૈશ્વિક સુવિધાઓ પ્રદાન કરતી એઈમ્સ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં ટૂંકસમયમાં શરૂ થઈ જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ રાજકોટ એઈમ્સ માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે તેમજ એઈમ્સ હોસ્પિટલનાં ડિઝાઈન અને લે આઉટ  માટે કન્સલ્ટન્સીની નિમણુક પણ થઈ ગઈ છે તેવા સંજોગોમાં પ્રોજેક્ટની કામગીરી  અને એપ્રોચ  રોડ તથા એઈમ્સના નિર્માણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓના કામો ઝડપથી હાથ ધરી પૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓ-વિભાગો સાથે ચર્ચા-વિચારણા કરી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે રૂપિયા ૧૨૦૦ કરોડનાં ખર્ચે નિર્માણાધીન એઈમ્સની સ્થાપના માટે રાજકોટમાં ૧૨૦ એકર જમીન ફાળવણીની જાહેરાત કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને આરોગ્ય સુવિધા માટે આ સદીની સૌથી અમૂલ્ય ભેટ આપી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબંધિત અધિકારીઓ-વિભાગોને ભારત સરકાર સાથે પરામર્શ કરીને આગામી શૈક્ષણિક ક્ષત્ર જૂન ૨૦૨૦થી એમબીબીએસની પ્રથમ બેચ રાજકોટ એઈમ્સ ખાતે શરૂ થાય તે માટે પણ આરોગ્ય અગ્રસચિવને યોગ્ય કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

હાલ રાજકોટ મેડિકલ કોલેજમાં ઉપલબ્ધ સુવિધાઓનો પણ આ હેતુસર ઉપયોગ કરી શકાય તેવું પણ મુખ્યમંત્રીએ સુચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે રાજકોટ નજીક ઈન્ટરનેશનલ એરપોર્ટ, કન્ટેનર ડેપો અને ખીરસરા જીઆઇડીસીનાં પ્રોજેકટની કામગીરીની સંપૂર્ણ સમિક્ષા કરી હતી અને આ તમામ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધારી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓ-વિભાગોને કહ્યું હતું. ઇ્ન્ટરનેશનલ એરપોર્ટમાં બાકીની જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બને અને એક ગામતળને તબદીલ કરવાની સુચના મુખ્યમંત્રીએ આપી હતી. રાજકોટ પાસેની ખીરાસર જીઆઇડીસીમાં ૪૯૫ પ્લોટ ઉપલબ્ધ છે તેનો ટૂંકસમયમાં પારદર્શી ડ્રો કરીને ઉદ્યોગકારોને ઝડપથી મળે તેવી વ્યવસ્થા કરવા અને રાજકોટમાં કન્ટેનર ડેપો સૌરાષ્ટ્ર ઉદ્યોગકારોને ઉપયોગી થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સના સુચનો માટે પણ ચર્ચા કરી તમામ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ આપ્યા હતા.

Leave a Response

error: Content is protected !!