જાણવા જેવુ

શું તમને ગુપ્ત નવરાત્રી વિશે ખબર છે ? ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાની પુજા થાય છે જાણો વધુ

244views

22 તારીખથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ ગઇ છે. આ વર્ષે ગુપ્ત નવરાત્રિ વૃદ્ધિ યોગમાં શરૂ થઇ રહી છે. જ્યોતિષીઓ પ્રમાણે ગ્રહ-નક્ષત્રના સંયોગથી સાધના કરનાર ગૃહસ્થ સાધકોને સિદ્ધિ પ્રાપ્ત કરવી સરળ રહેશે. આ અવસર સાધકો માટે ખાસ રહેશે. ગુપ્ત નવરાત્રિ 29 જૂને પૂર્ણ થશે. પારણા 30 જૂને થશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે ગુપ્ત નવરાત્રિ ખાસ કરીને તાંત્રિક ક્રિયાઓ, શક્તિ સાધના, મહાકાળ વગેરે સાથે જોડાયેલાં લોકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દરમિયાન દેવી ભગવતીના સાધક ખૂબ જ આકરા નિયમો સાથે વ્રત અને સાધના કરે છે. આ દરમિયાન લોકો લાંબી સાધના કરી દુર્લભ શક્તિઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.

કાળા કપડાં પહેરવા નહીં-
પં. મિશ્રા પ્રમાણે નવ દિવસ વ્રત રાખનાર સાધકોએ કાળા કપડાં પહેરવા જોઇએ નહીં. મીઠું અને અનાજનું સેવન કરવું જોઇએ નહીં. દિવસમા સૂવું નહીં. કોઇપણ અપશબ્દ બોલવા નહીં. સાધકે માતાની બંને સમયે આરતી કરવી જોઇએ. આ દિવસોમાં દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ વિશેષ લાભદાયી હોય છે.

ગુપ્ત નવરાત્રિમાં નવ દિવસ સુધી ઉપવાસ રાખવાનું વિધાન છે. આ નવરાત્રિમાં માતાની ઉપાસના રાતના સમયે કરવામાં આવે છે. આ નવ દિવસ માટે કળશની સ્થાપના કરવામાં આવે છે. જો કળશની સ્થાપના કરી હોય તો બંને સમયે મંત્રજાપ, દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઇએ.

ઋષિ શૃંગીએ ગુપ્ત નવરાત્રિની કથા જણાવીઃ-
ઋષિ શૃંગી સાધના કર્યા બાદ ભક્તોને દર્શન આપી રહ્યાં હતાં. તે સમયે ભીડમાં એક મહિલાએ ઋષિનો આશીર્વાદ લીધા બાદ પોતાની વ્યથા સંભળાવી. મહિલાએ જણાવ્યું કે, મારા પતિ વ્યસની છે. જેના કારણે હું રોજ પૂજન કરી શકતી નથી. અમે એવો કયો ઉપાય કરીએ જેના દ્વારા મને ઓછા સમયમાં દેવીનો આશીર્વાદ મળી શકે. ઋષિએ જણાવ્યું કે, જો ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની પૂજા નિયમાનુસાર કરવામાં આવે તો જાતકને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. મહિલાએ ગુપ્ત નવરાત્રિનું નિયમાનુસાર પૂજન કર્યું. જેથી તેના પતિ સદાચારી ગૃહસ્થ થયાં અને ઘરમાં સમૃદ્ધિ આવી. ત્યારથી જ ગુપ્ત નવરાત્રિ ગૃહસ્થ લોકોમાં પ્રચલિત થઇ છે.

આ નવરાત્રિમાં રાત્રિકાલીન અનુષ્ઠાનઃ-
માઘ અને અષાઢ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓનું પૂજન અને સાધના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં રાત્રિકાલીન સાધના થાય છે. દેવી શાસ્ત્રોની માન્યતા છે કે, ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓના પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગુપ્ત નવરાત્રિમાં, દરેક નવરાત્રિ જેમ જ સાધના, પૂજા-પાઠ કરવાનો નિયમ છે. પહેલાં દિવસે કળશ સ્થાપના અને છેલ્લાં દિવસે વિસર્જન બાદ પારણા થાય છે.

મહાવિદ્યાઓની સાધના શુભઃ-
ગુપ્ત નવરાત્રિ સાધકો માટે વિશેષ છે. આ નવરાત્રિમાં સાધક ગુપ્ત શક્તિઓની સાધના કરે છે. ખાસ કરીને 10 મહાવિદ્યાઓની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. દેવી ભાગવત પ્રમાણે જે સાધક ગુપ્ત નવરાત્રિમાં ઓછા સમયમાં 10 મહાવિદ્યાઓમાંથી કોઇપણ મહાવિદ્યાની સાધના કરવાનું ઇચ્છે તો તે ગુપ્ત નવરાત્રિમાં અનુષ્ઠાન કરી જલ્દી સફળતા મેળવી શકે છે તથા મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે.

Leave a Response

error: Content is protected !!