રાજનીતિ

રવિવારે મોડી રાત્રે ગુજરાતના અનેક શહેરોમાં મુશળધાર વરસાદ,અમદાવાદમાં મન મૂકીને વરસ્યો

126views

રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આજે વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો હતો જેના પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

અમદાવાદ શહેરમાં મધરાતે 1 થી 2માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક કલાકમાં શહેરમાં સરેરાશ 23.83mm (એક ઇંચ) વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઓઢવમાં 51.50mm (2 ઈંચ), વટવામાં 43.00mm, મણિનગરમાં 33.50mm, ચકુડિયામાં 32 મીમી, સરખેજમાં 25મીમી, બોડકદેવમાં 22મીમી, વિરાટનગરમાં ૨૨મીમી, દૂધેશ્વર, મેમકો, નરોડા, કોતરપુર, ગોતા, ઉસ્માનપુરામાં સરેરાશ 20 થી 21મીમી (પોણો ઇંચ) વરસાદ ખાબક્યો હતો.

મધરાત્રિએ એક ઇંચ જેટલો વરસાદ બાદ અમદાવાદના અલગ અલગ સ્થળ પર પાણી ભરાયા હતા. અનેક સ્થળઓએ ઝાડ પડવાની ઘટના પણ બની. ભારે વરસાદ અને પવન ફૂંકાતા ચાંદખેડાના ન્યુ સીજી રોડ ઉપર 10 વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદના કોર્પોરેટ રોડ પર પાણી ભરાયા અને વાહન પણ ફસાયાના બનાવો બન્યા છે. તો બીજી તરફ એઈસી ફ્લાય ઓવરથી શાસ્ત્રી બ્રિજ વચ્ચે 7 વૃક્ષો પડ્યા છે.

મોડીરાત ભારે પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ ભૂવા પડવા સાથે જમીન બેસી ગયાનુ બહાર આવ્યું છે. સીટીએમ નેશનલ હાઈવે નંબર-૮ પર આવેલ વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક સવિઁસ રોડ પર એક માસ પહેલા ખોદવામાં આવેલ પાણીની પાઈપ લાઈન બાદ યોગ્ય પુરાણ ન થતા લાંબી જમીન બેસી જતા તેમાં હેવી ટ્રક ટેલર તેમાં ફસાયું છે.

રાજ્યમાં બીજે ક્યાં ક્યાં વરસાદ પડ્યો

લીમડી અને દાહોદ પથકમાં દિવસ ભર ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી હતી. ભારે પવનના સાથે ભારે વરસાદ શરું થયો હતો. દાહોદ મેન રોડ ઉપર પવનના પગલે ઝાડની ડાળીઓ પડતા વાહન ચાલકોનો આબાદ બચાવ થયો હતો. પવનના પગલે લાઇટો ગુલ થઇ હતી.

અરવલ્લી જિલ્લામાં વરસાદમાં વરસાદ શરૂ થયો હતો. મોડાસા , ડુંગરવાડા, અમલાઈમાં તથા તીર્થધામ શામળાજીમાં પણ વરસાદ શરૂ થયો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદી વાતાવરણને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

કચ્છાના નખત્રાણા અને ભુજના ગામડાઓ વરસાદ પડ્યો હતો. નખત્રાણામાં પાણી વહી નીકળ્યા હતા. ભુજ તાલુકામાં વરસાદના અમી છાંટણા પડ્યા હતા. ગરમીમાં વરસાદમાં બાળકોએ મોજ માણી હતી. કચ્છભરમાં ભુજ નખત્રાણા પાવરપટ્ટી વિસ્તારમાં પ્રિમોન્સૂનની અસર તળે ભારે હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા.

રવિવારે પડેલા ભારે વરસાદના કારણે રાજ્યના 19 જિલ્લા અને 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતના 66 તાલુકામાં 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. હમીરગઢ અને દિયોદરમાં 2.5 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે.

જ્યારે ગાંધીનગરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 5 તાલુકા હજુ પણ વરસાદ વિહોણાં છે. 66 તાલુકામાં 1 મીમીથી લઈને 3 ઈંચ સુધી વરસાદ નોંધવામાં આવ્યો છે. ખેડા તાલુકામા સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. હજુ પણ રાજ્યના 5 તાલુકામા વરસાદ જ પડ્યો નથી.

ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. વઘઈ, આહવા, સુબીર સહિત પૂર્વપટ્ટીના ચિંચલી વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા આ વિસ્તારના લોકોએ ગરમીથી રાહત મળવા સાથે ખેતીકામમાં દોડધામ શરૂ કરી દીધી હતી. તળેટી વિસ્તાર શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

Leave a Response

error: Content is protected !!