રાજનીતિ

શું નેપાળને ચીન ભડકાવી રહ્યુ છે ? તેમાં ચીનનો શું ફાયદો છે ? વાંચો લિપુલેખ વિવાદ

511views

દક્ષિણ એશિયાના નિષ્ણાત અને શાંઘાઈની ફુદાન યુનિવર્સિટીના પ્રૉફેસર ડિંગલી શેન કહે છે, “નેપાળ ઘણા સમયથી ભારતના પ્રભાવ હેઠળ રહ્યું છે. પરંતુ હવે ચીનના આવવાથી તેની પાસે ચીનનાં બજાર અને સંસાધનોના ઉપયોગની તક છે. પ્રશ્ન એ છે કે શું નેપાળ ભારત અને ચીન સાથેના પોતાના સંબંધોમાં સંતુલન બનાવી શકશે?”

ભારત માટે લિપુલેખનો કેસ સંરક્ષણ સાથે જોડાયેલો છે.

વર્ષ 1962માં ચીન સાથે થયેલા યુદ્ધ બાદ ભારતની ચિંતા એ રહી છે કે ક્યાંક ચીન આ પાસમાંથી ઘૂસણખોરી ન કરી લે. આ ઉપરાંત પણ ભારત ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી સામેના રક્ષણ માટે વ્યૂહાત્મક હિમાલયનો માર્ગ અપનાવવા ઉત્સાહી રહ્યું છે. ત્યાર બાદથી આ પાસ વિવાદનો વિષય બની ગયો છે.

આ વર્ષે મે મહિનામાં, ભારતીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે અહીં 80 કિલોમીટર લાંબા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફેરફારથી માનસરોવરની યાત્રાનો સમય બચશએ અને સેનાના જવાનોને પણ મોટો ફાયદો થશે અને સાથે પરંતુ આ કારણે જ નેપાળ સાથેના રાજદ્વારી સંબંધો બગડી ગયા છે.

ભારતના આ પગલાથી ગુસ્સે ભરાયેલા નેપાળીઓએ કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસની બહાર વિરોધપ્રદર્શન કર્યું હતું અને ભારતીય સૈન્યને આ વિસ્તારમાંથી પરત હઠવાની માગ કરી હતી.

ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ‘બૅક ઑફ ઈન્ડિયા’ (#Backoffindia)ના હૅશટૅગ દ્વારા પણ વ્યક્ત કર્યો હતો.

નેપાળના સર્વે વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ બુદ્ધિ નારાયણ શ્રેષ્ઠે કહ્યું, “અમે 1976માં એક નકશો પ્રકાશિત કર્યો હતો, જેમાં લિપુલેખ અને કાલાપાણી બંનેને નેપાળની સરહદમાં દર્શાવ્યા હતા. માત્ર લિંપિયાધુરા દર્શાવવાનું બાકી હતું જે ભૂલ હતી.”

જોકે આ સરહદવિવાદ પહેલાં નેપાળમાં ભારતવિરોધી અવાજ ઉઠતો રહ્યો છે. વર્ષ 2015માં મધેસી સમુદાયના વિદ્રોહ દરમિયાન હિંસા થઈ હતી. તે લોકો વધારે અધિકારની માગ કરી રહ્યા હતા. આ સમયે ભારત તરફથી સામાનની નિકાસ રોકી દેવામાં આવી હતી.

જોકે ભારત આ વાતથી ઇનકાર કરી રહ્યું છે કે તે આર્થિક પ્રતિબંધ મૂકવા માગતુ હતું, પરંતુ આ દાવા પર વિશ્વાસ કરવારા લોકોની સંખ્યા નેપાળમાં બહુ જ ઓછી હતી.

હાલના સરહદી વિવાદમાં ભારતીય વિદેશમંત્રાલયના અધિકારીઓ પર આરોપ લાગ્યો છે કે તેઓ આ મુદ્દાનું નિરાકરણ લાવવા માગતા નથી. ભારતને એવું લાગે છે કે નેપાળનો આ મિજાજ ચીનના સમર્થનના કારણે છે.

ભારતીય સૈન્યના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ સાર્વજનિક રીતે કહ્યું છે કે નેપાળે બીજા કોઈના લીધે પોતાની મુશ્કેલીઓને વધારી લીધી છે.

આ નિવેદનને ચીનની દરમિયાનગીરી સાથે જોડવામાં આવે છે અને ભારતમાં કેટલીક દક્ષિણપંથી મીડિયા ચેનલોએ સરહદી વિવાદ ઊભો કરવા અંગે નેપાળને “ચીનના પ્રૉક્સી” સુધી દર્શાવી દીધું છે. આ નિવેદન નેપાળના લોકોને પસંદ નથી આવ્યું.

સૌજન્ય – બીબીસી

Leave a Response

error: Content is protected !!