વિકાસની વાત

ઈન્સ્ટાગ્રામ…સીટડાઉનકોમેડી શોમાં આપનું સ્વાગત છે…

179views

આજનો ટોપિક છે ઈન્સ્ટાગ્રામ…..

(સ્ટેન્ડ અપ કોમેડિયનની જેમ બોલતાં નથી આવડતું એટલે લખું છું. એ લોકો જેમ બોલતા હોય તેમ તમે ધારીને વાંચશો તો વધું મજા આવશે.)

હું પણ ઈન્સ્ટાગ્રામ પર છું. વોટ્સઅપ અને ફેસબૂકના લોકોની સડી ગયેલી પોસ્ટથી, મેસેજથી કંટાળું ત્યારે ત્યાં ચક્કર મારું, બેચાર સારા સારા ફોટાને જોઈ, લાઈક કરી ફ્રેસ થઈ પાછો લીલા તોરણે ફેસબૂક પર પધારી જાવ. આમ જુઓ તો ટ્વિટર સૌથી બેસ્ટ, ત્યાંથી જ બધી માહિતી અને જોક્સ ફેસબૂક પર ઠલવાઈ. એ જોક્સ પછી વોટ્સઅપ પર આવે. ટિકટોકનું તો નામ જ નહીં લેવાનું. બેરોજગારોનું સ્વર્ગ છે ટિકટોક!

ફેસબૂક સિવાય આપણને કોઈ સાચવે એમ નથી. ભલે ફેસબૂકના વીડિયો, ભગવાનના ફોટા, પ્રેરણાદાઈ કવોટ્સ અને ઉખાણાથી અપચો થઈ જાય. આપણા માટે ફેસબૂક જ બેસ્ટ. મારા ફોટા ફિલ્ટર કર્યા પછી ય ઈન્સ્ટાગ્રામની કેટેગરીમાં આવતાં નથી. છોકરાવ બીવડાવા મારા ફોટા કામ લાગે એવો ચહેરો છે મારો. ફોટામાં તો હું ઉરાંગઉટાંગ જેવો લાગું. સરસ મજાના પીઝ્ઝામાં તુરિયાનું બટકું ફસાઈ પડ્યું હોય એવું લાગે. સાલ્લુ ઈન્સ્ટાગ્રામમાં લોકોના ફોટા જોઈ કોમ્પલેક્ષ ફીલ થાય. તેમને જોય હું એલિયન જેવો પરગ્રહવાસી લાગું. યાહુ મેસેન્જર અને ઓરકુટ બંધ થઈ ગયા, નહીં તો એમા પણ આપણે ફિલીપાઈન્સ ચેટ રુમ કે સ્ક્રેપ પર હાથ અજમાવી એ. મફતમાં બધે ફરાય. તમે ક્યાં મારા વેવાઈ વેલા છો કે તમારી પાસે શરમાવ અને ખોટું બોલું! જે હોય તે કહી દેવાનું.

થોડી ઈન્સ્ટાગ્રામની વાત કરું તો ત્યાં તમે લખી ન શકો કે ફલાણાભાઈના ઓપન લેટર સામે મારો ય ઓપન લેટર. ચેક ઈન પણ ન કરી શકાય કે હું અમદાવાદથી બાંટવા જાવ છું ભલે ખટારામાં જાવ ફોટો ઈમેજ તો પ્લેનની જ આવે! ત્યાં ઈન્સ્ટાગ્રામમાં તો ધનાધન ફોટા જ મૂકવાના. મને તો એવું જ લાગ્યું કે યુવાનો માટેનું જ માધ્યમ છે આ ઈન્સ્ટાગ્રામ. ફોટા અપલોડ કરવામાં ત્યાં કોઈ રોકવાવાળું નહીં. ફોટા ફિલ્ટર પણ કરી શકો જેથી તમે માણસ જેવા લાગો. માણસ હોવ તો મહાપુરુષ જેવા લાગો. મહાપુરુષ હોવ તો ઘેલહાગરા લાગો.

ત્યાં ઈન્સ્ટાગ્રામ પર મેં જોયું કે સેલિબ્રીટીઓ પાછળ લોકો પાગલ હોય. તેમના ફોટામાં તેમના ફેન્સ જાત જાતની વખાણ કરતી કોમેન્ટો કરે. સેલિબ્રીટી એ જેવી પોસ્ટ મૂકી નથી કે અવનવા દિલડા ચિપકાવી ‘ચાય્ગલા’ થવા મંચી પડે. કયારેક તો સેલિબ્રીટી લોકો પોસ્ટ મૂકે એ પહેલા ફેન્સની કોમેન્ટ આવી જાય! બોલો.

મને યાદ આવ્યું….અમારા ગામડામાં લગ્નના જમણવારમાં બધા જમી લે પછી મેરેજ હોલ કે લગ્નની વાડી કે સમાજની બહાર, ગરીબો, માંગણો ધૂળમાં મેલાઘેલા કપડા પહેરી પોતાના તૂટેલા વાસણો લઈ વધ્યું ઘટ્યું જમવાનું લેવા હાથ લાંબો કરીને બેઠાં હોય. બસ આવી જ રીતે સેલિબ્રીટીના રિપ્લાયને તરસતા મોટાભાગના લોકોનું જુંડ એટલે ઈન્સ્ટાગ્રામ. અને જે બાકી બચ્યા એ પોતે જ સેલિબ્રીટી છે એવા મદમાં રાચતા લોકો.

ઈન્સ્ટાગ્રામ સેલિબ્રીટીઓ માટે છે આપણા જેવી સામાન્ય પબ્લિક માટે નથી નથી ને નથી. સેલિબ્રીટી લોકો ફેસબૂક કે ટ્વિટર પર પોતાની ફિલ્મ અથવા શોનું માર્કેટિંગ લખીને કરે. અહીં પોસ્ટ વધી ન જાય એની સગવગડતા ખાતર ત્યાં ઈન્સ્ટાગ્રામમાં પોતાના ફોટા શેર કરે. ઝાડના થડને પકડીને ઠય્ડ ખાયને ઊભી/ઊભો હોય. એકી નજરે દરિયો જોતા ચિંતન કરતા હોય (આવી સેલિબ્રીટીને ચિંતન એટલે શું એ સમજાવવામાં એના કોઈ ભણેલ ગણેલ સંબંધીઓને દસ બાર રિટેઈક લેવા પડે). ઘાસનું તણખલું મોઢામાં લઈ મદભરી આંખે મંદમંદ મુશ્કાન ફેલાવતા હોય. સૂર્ય ચંદ્રની શાખે એકાદ આપણે આખી જીંદગીમા કયારેય ન ઊભા રહીએ એવી પગની આટી ચડાવી પોઝ આપીને ઊભા હોય. આજ શું ખાધું એની થાળીઓ બતાવે, પાંચ કલાક તૈયાર થઈ સગામાસીના છોકરાની જાનમાં જાવાની હોય એવાં હોશથી મિઠી મિઠી ભાષામાં બે મિનીટનો પોતાના પ્રોફેશનની પબ્લિસીટી કરતો વિડીયો અપલોડ કરે. ટોપાવ તમારે તો ફેસબુકમાં જે  “વાંદરો/વાંદરી લાગે છે” એવી કોમેન્ટ કરનારા જ ત્યાં ફોલોઅર લિસ્ટમાં હોય! કોઈ નવું માણસ મિત્ર ન હોય. તો પછી અહીં જ ફેસબૂકમાં કળા કરીને બેઈજ્જતી કરાવોને ત્યાં શું દાટ્યું છે?

મિત્રો, હું વધું નથી બોલી ગયો ને?

બીજું ઈન્સ્ટાગ્રામ પર પાંચસો ફોલોઅર્સ કરતાં પાંચ હજાર ફોલોઅર્સવાળો મોટો માણસ. તમારા ફોલોઅર્સ વધે તેમ તમારું અભિમાને ય વધે. બીજાને ધુત્કારતા શિખી જાવ. પણ ફેસબૂક પર એવું નથી. અહીં તો માંડ બસો ફ્રેન્ડ ધરાવતો મર્દનો બચ્ચો પાંચ હજાર ફ્રેન્ડ ધરાવતા લોકોના ટાટિયા ખેંચી શકે. ધોબી પછાડ મારી ચત્તા પાટ પાડી દે! એમની ચોટલી ખિતો થઈ જાય એવું કન્ટ્રોવર્સી લખી શકે. ફેસબૂકમાં બધા સરખા, ન ઊંચ ન નીચ. તો આપણું ફેસબૂક સારું કે નહીં સારું? હા પાડો ભાઈઓ અને બહેનો. માર્કિયા મેં ફેસબૂકનો પ્રચાર કર્યો મને ૧૫૦૦ રુપિયાનો હપ્તો બાંધી દે, ચલ.

તગડે ત્રીજુ, ઈન્સ્ટાગ્રામ પર જવામાં કોઈ વાંધો નથી. ત્યાં એકાઉન્ટ હોય તો મારે શું. પણ દેશ હોય તેવો વેશ અપનાવી લેવાય. ટ્વિટર વધું આધુનિક છે તો ત્યાં કોઈ ગાળો બોલતું હોય તો નાકનું ટિચકું ન ચડાવાય. મૂંગુ મરાય. ઈન્સ્ટા પર શાયરી ન પેલાય ત્યાં ફોટા શૂટ કરાવાય. (થોબડુ સારુ હોય તો) અમેરિકા જાવ તો ત્યાં કઢી-ખિચડીની માંગ ન કરાય. ત્યાં તો હોટડોગ, બર્ગરને પ્લમ્બર સિઘ્રામાં પાઈપ પકડે એમ બેય હાથે પકડીને મોટું બટકું ભરાય. વાવ, યમ્મી જેવી મોંઢામાં ડુચા સાથે કોમેન્ટ કરાય. અફઘાનિસ્તાન જાવ તો ત્યાં બોમ્બના છુટા ઘા પણ થતા હોય. ત્યાં આપણું ઈનશર્ટ કે મેકઅપ બગડી જવાના લીધે ખૂણામાં લપાઈ ન જવાય. શર્ટ અથવા કુર્તાની બાયો ચડાવી આપણી તરફ આવતા બોમ્બને કેચ કરી ઉલળીને સામો ઘા કરાય. નહીતો આપણો પાળિયો થઈ જાય અને ત્યાં આપણા પાળિયા પર કોઈ શિંદુર ચડાવા ય ના આવે. અહીંથી દૂર પડે કે ફાટે ય ખરી.

કોઈ ઈન્સ્ટાગ્રામ વાળાને મારા આ માહિતીસભર લખાણને વખોડવું હોય તો તેના ફોલોઅર્સ કેટલા છે એ ચેક કરી લેવું. મારે બારસો આસપાસ છે મારા કરતાં વધું હોય તો જ દલીલ કરવી. નવ્વાણું દેશમાં ફરીને મેં ફોટા ખેંચ્યા છે એ યાદ રાખજો.

તમે બધા એ મને શાંતિથી વાંચ્યો એ બદલ આભાર….U r wonderful audience…yeah

અથાણું –

ઠેકડો મારીને હવામાં ફોટો લેવાની લ્હાયમાં એક અદોદરા શરીરનો ટાંટિયો ભાંગ્યો!

પ્રધાનમંત્રીશ્રીની પેલી મા અમૃતમ કે આયુષમાન યોજના અંતર્ગત આવા લોકોને ખાસ લાભ મળવો જોઈએ.

—- જસ્મીન ભીમાણી

error: Content is protected !!