ધર્મ જ્ઞાન

એક એવો વિચાર જે તમને પણ વિચારતા કરી દેશે..!!

519views

“વિચાર વગર નો માણસ એટલે આકાર વગરની મૂર્તિ” વિ-ચા-ર, ૩ અક્ષરનો બનેલો આ શબ્દ ઉપર લેખકો, મોટીવેશનલ સ્પીકર, ફિલોસોફિકલ સકોલર, ૩૦૦૦ થી વધારે પુસ્તકો, લેખો, લેકચર્સ, લખાયેલા હશે અને એમાં એ હસવાની વાત તો એ છે કે, એમાં થી એક પણ વાત, પુસ્તક વાંચ્યું નથી કે સાંભળી નથી, હવે વીડંબના એ વાત ની છે કે મેં “વિચાર્યું” કે “વિચાર“ નામ ના શીર્ષક પર હું પણ “વિચારી” ને કંઈક એવા “વિચાર” આપની સમક્ષ રજુ કરું કે તમે પણ “વિચારતા” થઇ જાઓ. ઓહોહો…!!!એક જ વાક્ય માં કેટલી વખત “વિચાર“..!

મિત્રો, આપણે પણ કંઈક આવું જ કરી રહ્યા છીએ. જો મારે વિચારો ને જીવન સાથે સંકળાવા માટે ઉપમા આપવી હોય તો હું વિચાર ને મીઠા સાથે સરખાવીશ, જેમ ભોજન માં મીઠું ના હોય તો ભોજન ભાવે જ નહિ અને જો વધારે પડી ગયું હોય તો ખવાય પણ નહિ. આપણા વિચારો જ આપણને સુખ-દુઃખ, ચિંતા, જવાબદારી, ઇરછા, લાગણી, નો અહેસાસ કરાવે છે. પણ આપણને ક્યારે વિચાર આવ્યો છે કે, આપણે દિવસ ના ૨૪ કલાક માંથી કેટલી ક્ષણ વિચારવા માં અને કેટલો સમય એ વિચારો ના અમલ કે એના સમાધાન પાછળ આપીએ છીએ? મોરારી બાપુ એમના પ્રવચન માં હંમેશા એક વાત કેહતા, “આઝાદ રહેવું હોય તો વિચારો થી અને બંધાયેલા રહેવું હોય તો સંબંધો થી રહેવું” આ વાક્ય નું મર્મ સમજાઈ જાય તો પણ આ લેખ આખો વાંચવાની જરૂર નહિ પડે. “વિચારો થી આઝાદ” એનો મતલબ એ નથી થતો કે તમે વિચારો ને તમારા મન માં આવતા બળજબરી પૂર્વક રોકો, જો આ અખતરો ક્યારે પણ કર્યો હોય તો તમને ખબર જ હશે કે જે વિચારો ને તમે રોકી રહ્યા છો એજ સૌથી વધારે તમારા મન માં ઘર કરી ને બેઠા હશે અને નીકળવાનું નામ નહિ લે. વિચારો ની આઝાદી એટલે એ સમસ્યા કે ચિંતા નું સમાધાન. કોઈક વિદ્વાન એ બહુ સાચું કહ્યું છે, “ચિંતા એ આપણી અણસમજણ ની ઈશ્વરે કરેલી સજા છે” હંમેશા પ્રયત્ન કરો કે, હેરાન પરેશાન કરવા આવેલા વિચારો નો નીડરતાથી સામનો કરો અને તેનું સમાધાન લાવવા માટે સતત પ્રયત્નશીલ રહો. વિચારો થી ભાગવું કે મોં ફેરવી લેવું એ કોઈ સમાધાન નહિ પણ એક ટૂંક સમય ની છટકબારી સાબિત થશે. આપણે ઘણા મોટા વ્યક્તિઓ ને બોલતા સાંભળ્યા હશે કે…”હંમેશા પોઝિટિવએ થીંકીંગ રાખશો તો હંમેશા સારું જ થશે વગેરે વગેરે.. હવે ન કરે ને નારાયણ, જો એજ લોકો નો લખવાનો કે બોલવાનો ધંધો બરોબર ના ચાલે તો બીજા જ દિવસે આ જ મહાનુભાવો ચિંતા અને દુઃખ ના વિચારો નો ખજાનો ભેગો કરી ને બેઠા હોય એમાં પણ અાચ્યર્ય તો એ વાત નું હોય કે, આજ મહાનુભાવો હજી તો કાલ સાંજ ની કોલમ માં તો આપણને positive thinking ના પાઠ શીખવતા થાકતા ન્હોતા. સાહેબ positivity , સકારાત્મક વિચારો પર ચાર સારા વાક્યો લખવા સરળ છે પણ હકીકત માં વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો લોઢા ના ચણા ચાવવા જેવું કઠિન છે. આ વાત પણ હું હવા માં કરતો હોવ એવું બિલકુલ નથી, ૨૫ વર્ષ ની ઉંમર માં ૩ વર્ષ મેં ડિપ્રેશન ના મહાઉત્સવ માં વિતાવેલા છે. અહીં મેં ડિપ્રેશન ને પણ મહાઉત્સવ સાથે વણી લીધો, બસ કોઈ પણ ગંભીર સમસ્યાને હાસ્ય અને ખુશ થઇ ને અવકારવો એજ હકારાત્મક ભૂમિકા નિભાવા તરફ પ્રથમ પગથિયું માંડવું તેમ ગણી શકાય.
“વિચારો માં હકારાત્મકતા એટલે, જીવન રૂપી શરીરમાંથી સમસ્યા નામના રોગ ની દવા” હંમેશા સારા વિચારો જીવન માં હકારાત્મકતા લાવવાનું કામ કરે છે એ વાત સાથે કોઈ અસંમત હશે નહિ, પણ સાથે-સાથે એ કોઈએ સમજાયું પણ નથી કે આ “સારા વિચારો“ ની પરિભાષા શું? અને “સારા વિચારો” આવે કાંઈ રીતે? તો ચાલો, મારા આ ૩ વર્ષ ના અનુભવ ની કડવી દવા તમને પણ પાઇ જોવુ, કદાચ શું ખબર તમને પણ તમારા આવા વિચારો નું સમાધાન મળી જાય? સારા વિચારો ની સરળ ભાષા માં વાત કરીએ તો એવા વિચારો જે તમને શાંતિ અને ખુશ થયા નો અનુભવ કરાવે. બસ!!, આટલી જ સરળ વાત છે. હવે જરૂરી નથી કે એવા વિચારો હંમેશા માટે કામના અને તમારા જીવન માં અનુકરણ કરવાને લાયક જ હોય. એક સરળ ઉદાહરણ સાથે વાત કરું તો, એક સામાન્ય ઘર ના વ્યક્તિ કે જેનો પગાર ₹૫૦૦૦ હશે તેણે વિચાર કર્યો કે, જો હું કાલે સવારે ઉઠું અને મારા પગ ની પાની એ ૧કરોડ રૂપિયા પડ્યા હોય તો? કેવા સપના સુખ-સુવિધા ને હું પુરી કરું કે એવા વિચારો અત્યારે તો મને વિચારવામાંએ મોંઘા લાગે છે, મિત્રો ક્યારેક આવા નક્કામા પણ સારા વિચારો તમારા ધ્યેય સુધી પહોંચવા હકારાત્મક વાતાવરણ ઉભું કરી આપે કે જેની અસર તમારી દિનચર્યા પર પડે અને તમે દિવસ દરમિયાના તમારા ખોટા કામો પર બ્રેક લગાવી દો અને તમને સારા કામ (સત્કર્મ) કરવાની પ્રેરણા મળી જાય! બસ, આજ છે વિચારો ની તાકાત, નક્કામા વિચારો થી સતકર્મ સુધી નો માર્ગ તૈયાર કરી આપે.તો મિત્રો ક્યારેક આવા નક્કામા પરંતુ સારા અને નિર્મળ વિચારો કરવા, શું ખબર કે આવા જ વિચારો તમને તમારો ધ્યેય નક્કી થઇ જાય અને તમારી જીવન જીવાની શૈલી જ બદલાઈ જાય!
હવે વાત કરીએ નકારાત્મક વિચારો કે જેને આજનો મોર્ડન યુગ Depression કે Anxiety ના નામે પણ ઓળખતો થયો છે, કદાચ કહી શકાય તો અત્યાર ના સમય નો કેન્સર કરતા પણ ભયજનક રોગ. એક સર્વે મુજબ કદાચ ૧૦ માં થી ૬ લોકો આ સમસ્યા નો જાણતા- અજાણતા શિકાર બની રહ્યા છે. હવે જો આના મૂળ સુધી જવાનો પ્રયાસ કરીએ તો આવી “NEGATIVE THOUGHT PROCESS”ની શરૂઆત હાથે કરી ને ઉભી કરેલી સમસ્યા ના કારણે જ થતી હોય છે, જો જુગાર કે સટ્ટા માં હારી ગયેલા અને લેણદારો ની ઉઘરાણી થી ભાગતા વ્યક્તિઓ ને આવા વિચારો આવવા એ સ્વાભાવિક વાત છે.આવી પરિસ્થિતિ નું સર્જન કરવાની પાછળ જવાબર એવા લોકો ના ખોટા નિર્ણય અને લાલચ હોય છે. મિત્રો પ્રયત્નો એવા કરો કે જે મળ્યું છે એમાં ખુશ રહેવા પ્રયત્ન કરીએ. ૮૦% લોકો નું દુઃખી થવા પાછળ નું કારણ એક જ- “જે છે એની અવગણના, જે નથી એની ઝંખના”..! બસ આજ કારણો થી આપડા મગજ માં નકારાત્મકતા ની એક જાણે ફેક્ટરી ઉભી થઇ જાય છે. ચિંતા કે નકારત્મક વિચારો થી શું આવી સમસ્યા નું ક્યારેય સમાધાન આવ્યું છે ખરું..?? ઉપર થી આવા વિચારો તમને હજી વધારે ખોટા નિર્ણયો લેવા પર મજબુર કરી દેતા હોય છે, અને છેવટે પરિસ્થિતિ વધારે વણસે છે. ચાલો હવે એક મિનિટે માટે વિચાર કરી લઈએ કે આવી વિકટ પરિસ્થિતિ માંથી બહાર આવવા શું કરવું?
સૌ પ્રથમ તો આવી પરિસ્થિતિ નો સ્વીકાર કરી લો, પરિસ્થિતિ ની જોડે જોડે તમારી ભૂલનો પણ સ્વીકાર કરો. જો આટલી પણ હિમ્મત ના હોય તો આવા સાહસ કરવાના રહેવા દો! “જેટલી ચાદર હોય એટલા જ પગ પહોળા કરવા” ત્યારબાદ એકાંત માં બેસી તમારા ઇષ્ટદેવ કે જેનામાં પણ તમને શ્રદ્ધા હોય એને આંખ બંધ કરી એને તમારી સામે ધ્યાન માં લાવી રડતા રડતા મોટે થી એક વાર તમારી બધી ભૂલો, પરિસ્થિતિ કહી દો જાણે કેમ એ તમને સાંભળતા હોય! હા મિત્રો, અહીં બિલકુલ મેં અંધશ્રદ્ધા ની વાત કરી જ નથી, માત્ર Scientifically જ વાત કરું છુ. કેટલા એ દિગજ્જ મનોચિકિટ્સ ડોક્ટર્સ એ કરેલી વાત છે, રડતા રડતા ઉભરો બહાર ઠાલવી દેવો, તમારા માઈન્ડ ને રિસ્ટાર્ટ કરવાની જ એક પ્રોસેસ છે. આટલું કાર્ય પછી “હવે તું જે કરે એ સાચું!” એટલું જ બોલી તમારી સમસ્યા ના ઉકેલ માં લાગી પાડો. મિત્રો મેં પોતે આ વાત નો અનુભવ કેનેડા બેઠા બેઠા કરેલો છે, આ પ્રોસેસ તમારા માં એટલો ભરપૂર આત્મવિશ્વાસ નું સર્જન કરશે ને કે જેની કલ્પના પણ તમે નહિ કરી હોય. એક વખત ક્યારેક આવી પરિસ્થિતિ માં આ વાત નો પણ અમલ કરી જોજો, હું. ખાતરીપૂર્વક કહું તમને હકારાત્મક પરિણામ મળશે બાકી તો ટ્રેન,બસ, કે પછી ઉંદર મારવાની દવા સરળતા થી ઉપલબ્ધ થઇ જ જવાની છે.
ચાલો, મિત્રો હવે આ વાત નો અહીં જ અંત લાવીએ અને વિચાર કરવાની પ્રોસેસ માં કંઈક સુધારો, પરિવર્તન, ઉમેરો કરવા તરફ પ્રયત્ન કરીએ. “વિચારો માણસના મન માં oxygen નું કામ કરે છે, એના વગર રહી પણ ના શકાય અને પ્રમાણ વધી જાય તો વિસ્ફોટ પણ થાય.”

– નીલ દેસાઈ

Leave a Response

error: Content is protected !!