Corona Update

રાજ્યમાં વધતા સંક્રમણને અટકાવવા મેદાને ઉતર્યા જયંતિ રવિ, જામગરમાં બનાવ્યો એક્શન પ્લાન

623views

જામનગરમાં સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા વિસ્તારના ઝોન માર્કિંગ

કરવા તેમજ તે વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવા સૂચના અપાઇ

આરોગ્ય અગ્ર સચિવશ્રીએ જી.જી.કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી : જામનગર જિલ્લાના

આરોગ્ય-વહીવટી તંત્ર સાથે બેઠક યોજી કોવિડ-૧૯ની પરિસ્થિતિની સમીક્ષા કરી

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજ રોજ ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જામનગરની મુલાકાત લીધી હતી. જામનગર જિલ્લાના આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી અગ્ર સચિવશ્રીએ કોવિડ-૧૯ની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવી આવશ્યક સૂચનો કર્યા હતા.

અગ્ર સચિવએ ગંભીર દર્દીઓ અને ઓક્સિજન પર રહેલા દર્દીઓ વિશે વિગતવાર માહિતી મેળવી તેમના દ્વારા જિલ્લા અને શહેરમાં વધુ પોઝિટિવ કેસ ધરાવતા વિસ્તારના ઝોન માર્કિંગ કરવા અને તે વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ જામનગરમાં હાલમાં ગંભીર કેસોમાં મૃત્યુ આંક વઘ્યો છે તેને ધ્યાને લઇને ટ્રીટમેન્ટ અને પ્રોટોકોલ વિશે વધુ ચર્ચા કરવામાં આવી હતી.

આ તકે અગ્ર સચિવએ જણાવ્યું હતું કે, જામનગરમાં હાલમાં ૩૫૮ જેટલા કેસ નોંધાયેલા છે ત્યારે સંક્રમણને વધુ અટકાવવા અને સાથે જ જો આ સંક્રમણ વધે તો આગોતરી તૈયારીઓના ભાગરૂપે જામનગરમાં  લોકોને હોમ આઈસોલેશનની વ્યવસ્થા અપનાવવા અને રિવર્સ આઇસોલેશન એટલે કે વૃદ્ધો-બાળકો કે અન્ય ગંભીર રોગ ધરાવતા જેવા કે ડાયાબિટિસ, બી.પી વગેરેના દર્દીઓ જે આ રોગમાં વધુ ભોગ બને છે તેવા લોકોને અલગ ઘરમાં રહેવા જવું, જ્યાં પોતે કવોરેન્ટાઇન રહેવું તેવી અપીલ કરી હતી.

જામનગરમાં સંક્રમણને અટકાવી શકાય એ હેતુથી  આયુષ વિભાગ દ્વારા સૂચિત કરેલ દવાઓ/ઉકાળા વગેરે ખૂબ અસરકારક નીવડે છે તો આગામી દિવસોમાં જામનગરમાં રહેલ આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ઉકાળા વિતરણ જેવી પ્રવૃત્તિઓ પણ વધુ થશે તેમજ દરેક વિસ્તારોમાં સર્વે કરતી ટીમને ઓકસીમીટર આપવામાં આવશે જેના થકી વિસ્તારમાં સ્ક્રીનિંગ દરમ્યાન લોકોનું ઓક્સિજન લેવલ માપીને જેનું ઓક્સીજન લેવલ ૯૪થી નીચે હશે તે જાણી એસિમ્પ્ટોમેટિક સંક્રમિત દર્દીને પણ જાણી શકાશે અને ૯૦થી ઓક્સિજન સેચ્યુરેશન ઘટતાં તે વ્યક્તિને સારવાર આપવાની તાત્કાલિક જરૂર પડતી હોય છે ત્યારે દર્દીઓમાં ઉત્પન્ન થતી ગંભીર સ્થિતિને તાત્કાલિક સારવાર દ્વારા અટકાવી શકાશે. આ ઉપરાંત ધનવંતરી રથ દ્વારા દરેક વિસ્તારોમાં આરોગ્ય સર્વેલન્સ અને આરોગ્યની અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જે લોકો ચાલી નથી શકતા તેઓ ૧૦૪  હેલ્પ લાઇન પર ફોન કરે તરત જ તેમના ઘર સુધી તેમની સારવાર માટે ટીમને મોકલી આપવામાં આવે છે તેમ અગ્રસચિવશ્રીએ ઉમેર્યુ હતું. 

આ બેઠકમાં પ્રભારી સચિવ એસ.એમ.પટેલ, કલેકટરશ્રી રવિશંકર, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, રિજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડો. રૂપાલી મહેતા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દિપક તિવારી, કોરોના નોડલ ડો. એસ.એસ. ચેટર્જી વગેરે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Response

error: Content is protected !!