વિકાસની વાત

જે.પી. નડ્ડા : માત્ર 16 માં વર્ષે રાજનીતિમાં પ્રવેશ, હવે બન્યાં સૌથી મોટી રાજકીય પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ

116views

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય પ્રધાન રહી ચુકેલા ભાજપના પ્રથમ હરોળનાં નેતા જગત પ્રકાશ નડ્ડા ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા છે. સોમવારે ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી જેમાં જે.પી. નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનાવવા મુદ્દે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગૃહપ્રધાન બન્યા બાદ ભાજપમાં નવા અધ્યક્ષ તરીકે અનેક તર્ક-વિતર્ક  વહેતા થયાં હતાં. જો કે અમિત શાહ ડીસેમ્બર 2019 સુધી ભાજપ અધ્યક્ષ બની રહેશે. આવનારા ત્રણથી ચાર મહિનામાં ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે અમિત શાહ અને જે.પી. નડ્ડા બંને સાથે મળી ભાજપની રણનીતિ ઘડશે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં જે.પી. નડ્ડાને પ્રધાનમંડળમાં ન સમાવાતા એમના  ગૃહપ્રદેશ વિજયપુરમાં ઘણાં લોકો નારાજ થયાં હતાં. હવે એમને મોટી જવાબદારી સોપાતા એમના સમર્થકોમાં આનંદ છવાઈ ગયો છે.

16 વર્ષની વયે રાજનીતિમાં જોડાયા જે.પી. નડ્ડા

જે.પી. નડ્ડાનું પૂરું નામ જગત પ્રકાશ નડ્ડા છે. તેમનો જન્મ 2 ડીસેમ્બર 1960 નાં રોજ બિહારના પાટનગર પટનામાં થયો હતો. તેમણે પટના યુનિવર્સિટીમાંથી BA કર્યું છે તેમજ હિમાચલ યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે. જે.પી આંદોલનથી પ્રેરાઈને જે.પી. નડ્ડા છાત્ર સંઘર્ષ સમિતિમાં જોડાયા અને  માત્ર 16 વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. પોતાના વિદ્યાર્થી કાળમાં 1977 માં તેઓ બિહારમાં ભાજપની વિદ્યાર્થી પાંખ  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી વિદ્યાર્થી ચૂંટણી લડ્યા અને જીત્યા. 1983-84 માં ABVP ના અધ્યક્ષ બન્યા. 1977 થી 1990 એમ 13 વર્ષ સુધી તેઓ ABVP માં સક્રિય રહ્યા. આ સમય દરમિયાન તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે પણ જોડાયા. 1987માં તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા હતાં.

ધારાસભ્ય તરીકે હિમાચલપ્રદેશ વિધાનસભામાં જે.પી. નડ્ડા

જે.પી. નડ્ડા 1993માં પહેલીવાર હિમાચલપ્રદેશની બિલાસપુર વિધાનસભા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા. ત્યારબાદ 1998માં બિલાસપુર બેઠક પરથી  બીજીવાર વિધાનસભા ચૂંટણી જીત્યા. 2003માં તેઓ બિલાસપુર બેઠક પરથી કોંગ્રેસનાં તિલક રાજ સામે 2700 મતોથી હાર્યા. ત્યારબાદ 2007માં તેઓ  ત્રીજીવાર બિલાસપુરથી જીત્યા અને ધારાસભ્ય બન્યા. તેઓ પોતાના ધારાસભ્યપદનાં પ્રથમ અને બીજા કાર્યકાળ દરમિયાન હિમાચલ વિધાનસભામાં ભાજપ નેતા તરીકે હતાં.

ધુમલ સરકારમાં કેબીનેટ પ્રધાન બન્યા જે.પી. નડ્ડા

2008માં હિમાચલના તત્કાલીન મુખ્યપ્રધાન પ્રેમ કુમાર ધુમલે જે.પી. નડ્ડાને સરકારમાં કેબીનેટ પ્રધાન બનાવ્યા. ધુમલ સરકારમાં જે.પી. નડ્ડા 2008 થી 2010 સુધી વન અને પર્યાવરણ પ્રધાન તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી ખાતાના પ્રધાનપદે રહ્યા હતાં.

2012માં રાજ્યસભા સાંસદ બન્યા જે.પી. નડ્ડા

2012 માં વિધાનસભા ચૂંટણી લડવાને બદલે જે.પી. નડ્ડા હિમાચલમાંથી રાજ્યસભાની ચૂંટણી લડ્યા અને રાજ્યસભા સાંસદ બન્યા.

2014 માં મોદી સરકારમાં કેબીનેટ પ્રધાન બન્યા જે.પી. નડ્ડા

2014 માં ભાજપનાં નેતૃત્વમાં  NDA ની સરકાર કેન્દ્રમાં આવી અને નરેન્દ્ર મોદી  વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબીનેટમાં જે.પી. નડ્ડાનો સમાવેશ કર્યો. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં જે.પી. નડ્ડા આરોગ્યપ્રધાન રહ્યા. મોદી સરકારના બીજા કાર્યકાળમાં જે.પી. નડ્ડાનો સમાવેશ ન કરાયો અને સંગઠનની મોટી જવાબદારી અપાતા તેમને ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા.

ભાજપ સંગઠનમાં અનેક જવાબદારી નિભાવી

જે.પી. નડ્ડાએ ભાજપ સંગઠનમાં અનેક જવાબદારીઓ નિભાવી છે. 1987માં તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા હતાં. 2010 થી 2014 સુધી પાર્ટીના સચિવપદે રહ્યા. 2014 થી તેઓ ભાજપ પાર્લિયામેન્ટ્રી બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિનાં સભ્યપદે છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રભારી તરીકે જમીન સ્તર પર એમણે પાર્ટી માટે ખુબ કાર્યો કર્યા અને સપા-બસપા ગઠબંધનને સફળ ન થવા દીધું.

Leave a Response

error: Content is protected !!