રાજનીતિ

કચ્છથી કરાચીના તાર ખુલ્યા, ડ્રગ્સની સાથે આતંકી ફંડિંગનો થયો ઘસ્ફોટ..હવે કંડલા બંદર પર સુરક્ષામાં વધારો

663views

કચ્છના કાંઠે પાકિસ્તાનથી આવતા ડ્રગ્સને રંગે હાથે ઝડપ્યાના પ્રકરણને એક વર્ષે પુર્ણ થઈ રહ્યું છે, આ એક વર્ષેના ગાળામાં થયેલી તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવવા પામી છે. જેમાં કચ્છથી ઝડપાયેલો એ ડ્રગ્સનો જથ્થો ખરેખર તો કરન્સી તરીકે ઉપયોગમાં આવ્યો હતો. જેના તાર કરાંચીમાં બેઠેલા આકાઓ સુધી સીધા જોડાયેલા હોવાનું સામે આવી ચુક્યુ છે. ત્યારે કંડલામાં ન્યુક્લિયર કાર્ગો વહન કરી શકતી મિસાઈલના પાર્ટ્સ મળ્યાની ઘટના બાદ વધુ એક વાર કચ્છ આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેટિક ટકરાવનું કેંદ્ર બની શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.


રૂ. 1650 કરોડના ડ્રગ્સના 330 પેકેટ મળ્યા હતા

એક વર્ષ પહેલા 21મે, 2019ના કચ્છના જખૌ પાસે આંતરરાષ્ટ્રીય જળસીમામાં પાકિસ્તાન તરફથી આવતી એક બોટને કોસ્ટગાર્ડએ ડીઆરઆઈ, ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ઝડપી પાડી હતી. જેમાં હેરોઈન ડ્રગ્સ ભરેલા 330 પેકેટ, 1650 કરોડ કિંમતના હતા. આ આખાય પ્રકરણમાં ત્રણથી વધારે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ એક સાથે કામ કરીને બોટ પર સવાર છ પાકિસ્તાનીઓને પકડીને આટલા સમય સુધી આકરી પુછપરછ અને તપાસનો દોર ચલાવ્યો હતો. જેમાં છ મહિના અગાઉ24 પાકિસ્તાની અને 1 ઓખાના વ્યક્તિનું આ આખાય ષડયંત્રમાં સામેલગીરી બહાર આવતા તે તમામ સામે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એજન્સીએ ન માત્ર એનડીપીએસ પણ કસ્ટમ એક્ટ તળે પણ ગુન્હો નોંધીને કાયદાનો ગાળીયો વધુ ભીંસ્યો હતો. સતત આગળ વધતી તપાસમાં કરાંચીમાં બેઠેલા ચાર કિંગપીનના નામ પણ ખુલતા ચકચાર મચી હતી. 

કંડલા ઓટોક્લેવ પ્રકરણ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક વાર સરહદી કચ્છ બની શકે છે ટકરાવનું કેંદ્ર
દરમિયાન હવે કેસની સંવેદનશીલતા ત્યારે વધી જવા પામી જ્યારે ડ્રગ્સ જથ્થાના મુળિયા સુધી તપાસનો દાયરો ફેલાયો, જેમાં બહાર આવ્યું છે કે જથ્થો માત્ર વેપાર કે નફા માટે નહીં પરંતુ અલગ ઉપયોગથી કરાયો હોઇ શકે છે. જે ઈશારો આતંકી ગતિવીધીના ફંડીગ તરફનો છે. નામ ન જણાવવાની શરતે વિષયના નિષ્ણાંત ઉચ્ચ તજજ્ઞે જણાવ્યું હતું કે ગત બે વર્ષેમાં ભારત પાકિસ્તાન વચ્ચે મોટા પ્રમાણમાં ફેરબદલ થયા છે. બોર્ડર પર ફેન્સિંગનું કામ પુરુ થયું છે, પુલવાંમાં હુમલો થયા બાદ પાકિસ્તાન તરફથી આવતા કાર્ગો પર 200% કર લાદી દેવાયો છે, જેના જવાબમાં પાકિસ્તાને સીધી શિપિંગ મુવમેન્ટ બંધ જ કરી નાખી છે. તો નોટબંદી બાદ પાકિસ્તાનમાં છપાતી ભારતીય ચલણી નોટોનો કારોબાર પણ વિખેરાઈ ગયો છે. આ તમામ કારણોસર અનધિકૃત આતંકી ગતિવિધિને ફંડિંગ કઈ રીતે પહોંચાડવુ તે પ્રશ્ન ઉભો થતા, અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર પર મોટા પ્રમાણમાં થતા ડ્રગ્સના જથ્થાને કરન્સી તરીકે વાપરીને ભારતમાં રહેલા શાગીર્દોને પહોંચાડવામાં આવી રહ્યો હતો. જેથી હવે આ પ્રકરણ આર્થિક ઉપાર્જન, ડ્રગ્સ સપ્લાય, સ્મગલિંગ, આંતરરાષ્ટ્રીય જળસીમા ઉલ્લંઘનથી આગળ વધીને આતંકી ગતિવિધિ સુધી પહોંચી છે. તપાસનો દાયરો રાષ્ટ્રીય સુરક્ષાના મામલે આવતા હવે ગ્રુહ વિભાગની સીધી નજર તળે કેસ હેંડલ થઈ રહ્યો હોવાનું વિશ્વસનીય સુત્રોમાંથી જાણવા મળે છે. 

આતંકી ગતિવિધિ પાછળ પાક. સેનાનો દોરીસંચાર થઈ શકે છે છતો, આરોપીઓ પર કસતો સિકંજો
પાકિસ્તાનના કરાંચીમાં રહેતા અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા ચાર કિંગપીનમાં મોટા પ્રતિષ્ઠાનો ધરાવતા અને મલંગ બાબા તરીકે પણ ઓળખાતો ઝહેદ હુસૈન બલોચ, ખુદા બક્ષ, આમેર બલોચ અને સુલેમાનનો સમાવેશ થાય છે. આ ચારેયના પાકિસ્તાનના રાજનેતાઓ સાથે અને પાકિસ્તાની સેના સાથે ગાઢ સબંધો હોવાના પુરાવા મળ્યા છે. જેમના વિરુદ્ધ આંતરાષ્ટ્રીય સ્તરે ખટલો ચલાવવા કે તેમના વિરુદ્ધ કાર્યવાહી માટેની કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે. સાથે બોટમાં રહેલા અને ઝડપાઈ ગયેલા અને હાલે પાલારા જેલની હવા ખાતા છ પાકિસ્તાની શખ્સો સફદાર અલી અલાવારાયુ શૈખ, અલાહી દાદ અલ્લાહ બક્શ અંગીયારા, અઝીમ ખાન, અબ્દુલ ગફુર, મહંમદ મલાહ, અબ્દુલ અઝીઝ તેમજ ડ્રગ્સનો જથ્થો રિસિવ કરવા ગયેલા ઓખાના રમજાન વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઈ છે.
24 પાકિસ્તાની અને ભારતીય સામે ફરિયાદ નોંધાઈ
કુલ 25 વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે, જેમાં એક ભારતીય અને 24 પાકિસ્તાની છે. જેમાંથી છ પાકિસ્તાની અને એક ભારતીય હાલ ભુજની પાલારા જેલમાં બંધ છે, તેમજ બાકીના 18 લોકો કરાંચી અને તેની આસપાસના વિસ્તારોમાં રહે છે. પાકિસ્તાની ચારેય મુખ્ય કિંગપીન શખ્સો માત્ર ભારતમાં નહીં પરંતુ અન્ય દેશો સાથે પણ ડ્રગ્સની સ્મગલિંગ કરતા હોવાના પુરાવા પણ સામે આવ્યા છે. સમગ્ર તપાસમાં  273 દસ્તાવેજી પુરાવા સાથે ફોન રેકોર્ડિંગ્સ સહિતના અઢળક પુરાવાઓ એકત્રિત કરાયા છે. હવે ‘ડ્રગ્સ કરન્સી’ નો મુદો સામે આવ્યા બાદ તપાસ ક્યાં વળાંક તરફ આગળ વધે છે તે જોવું રહ્યું. 

સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Leave a Response

error: Content is protected !!