વિકાસની વાત

બુદ્વિશાળી માનવજાત : આપણે શિક્ષિત બન્યા કે ચાલાક ?

342views

સમગ્ર જીવસૃષ્ટિમાં માનવી પોતાને બુદ્ધિશાળી ,ડાહ્યો અને સમજુ માને છે.પોતાની બુદ્ધિ અને સમજણથી તેણે અવિરત અસંખ્ય શોધો કરી માનવજાતની સુખ-સગવડ માં અકલ્પનીય વધારો કર્યો છે અને કરી રહ્યો છે.

પ્રકૃતિમાતાની નિશ્રામાં રહેતી માનવજાત પોતાની બુદ્ધિને કારણે પોતાનું અસ્તિત્વ ટકાવવા અને સગવડ વધારવા સતત મથતો રહ્યો અને નિત નવા સંશોધનો કરી પોતાની સુખાકારીમાં સતત વધારો કરતો રહ્યો.

પ્રકૃતિના ખોળે ખેલતા આદિમાનવને ગબડતી વસ્તુઓ જોઈને પૈડું અને બે સખત પદાર્થના ઘર્ષણથી ઉત્પન્ન થતાં તણખાને જોઈ અગ્નિની શોધ કરી.આ બે જ શોધોને પરિણામે માનવજાતે ખુદને અને પ્રકૃતિને ધરમૂળથી બદલી નાખી.સાયકલથી લઇ પ્લેન સુધીના આવિષ્કારો એ પૈડાંને આભારી છે.પૈડાની ગેરહાજરીથી વાહનવ્યવહાર અને ઉદ્યોગો પાંગળા બની જાય.ગેસના ચુલાથી લઇ પ્રક્ષેપાત્રોની શોધો એ અગ્નિની કૃપા છે.

પોતાનું રક્ષણ કરવા કે અસ્તિત્વ ટકાવી રાખવા માનવીએ તીરકામઠાંથી લઇ અણુશસ્રોની શોધ કરી.પણ શું આ બધું પ્રાપ્ત કરી માનવજાત નિર્ભય છે? સલામતીના ડરને લીધે ભયભીત માનવજાત અણુશસ્ત્રોના ઢેર પાર બેસી સલામતી અને સુરક્ષિતતાના ભ્રમમાં જીવી રહી છે.”જે પોષતું તે મારતું એ ક્રમ દીસે કુદરતી” એ પંક્તિ ચરિતાર્થ થઇ રહી હોય એવું લાગે છે.

હાથ-પંખાથી લઇ એ.સી.સુધી પહોંચ્યા પછી આપણે તેનો ઉપયોગ એટલી હદે વધારી દીધો છે કે કે ખુદ પૃથ્વી જ અગનજાળ બની જાય !

માનવજાતની સગવડ અને સુખાકારી માટે થયેલી શોધોના શોધકોને સો સો સલામ.ભલે આપણને આ શોધકર્તાઓના નામ ખબર ન હોય પણ એ લોકોએ પોતાની શોધ પાછળ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરેલું હોય છે.

વીજળી(electricity )ની શોધ કરનાર એડિસનને આપણે ન જાણતા હોઈએ પણ તેની આ શોધ વગર ચોતરફ અંધકાર જ હોત.જોહન્સ ગુટેનબર્ગ (Johannes Gutenberg)ને આપણે ન ઓળખાતા હોઈએ પણ તેણે કરેલી પ્રિન્ટિંગ ની શોધથી વિચારોને પુસ્તક સ્વરૂપે મૂર્તિમંત કરી શકીએ છીએ.આ પુસ્તકોના વાંચન-મનનથી આપણા જ્ઞાનમાં સતત વધારો કરી શકીએ છીએ.કદાચ આ શોધના અભાવથી જ્ઞાનનો ઘોર અંધકાર પ્રવર્તતો હોત! અસંખ્ય ખગોળશાસ્ત્રીઓની જીવનપર્યંતની તપશ્ચર્યાના ફળ સ્વરૂપે તારાઓ,નક્ષત્રો અને ગ્રહોથી આપણે પરિચિત થયા છીએ.આ અને આવી અસંખ્ય શોધ કરનારના આપણે સૌ ઋણી છીએ.તેમની મહેનત લગન અને તપશ્ચર્યાને કારણે આપણે સૌ સ્વર્ગના સુખ અને સુવિધાઓ માણી રહ્યા છીએ.જેના માટે તેમના અમૂલ્ય જીવનનું યોગદાન રહેલું છે.તેનું ૠણચૂકણું આપણી પણ જવાબદારી બને છે. આપણને પ્રાપ્ત થયેલ આ સુખ-સુવિધાનો ઉપયોગ એ હદે ન કરીએ કે જેથી અન્ય જીવ કે સમગ્ર માનવજાતનું અસ્તિત્વ જ જોખમમાં મુકાય જાય.પેટ્રોલ-ડીઝલ જેવા બળતણના બેહદ ઉપયોગથી ઓક્સિજનની ઉણપ સર્જાતા શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.આપણા દેશની રાજધાની દિલ્હી તેનું જીવંત ઉદાહરણ છે.

વાતાવરણને પ્રદુષિત કરનારા આપણે સૌએ તેની શુદ્ધિ માટે વૃક્ષનું મહત્વ,તેનો ઉછેર અને જાળવણી વિષે જાગૃત બનવું પડશે.હિંદુધર્મે વૃક્ષઓને પૂજનીય અમસ્તા નથી ગણ્યા.શક્ય તેટલું પ્રદુષણ ઓછું થાય તેવા ઉપાયો વિચારવા પડશે. વૃક્ષઓનો મહત્તમ ઉછેર અને વાહનોનો ન્યુનત્તમ ઉપયોગ જ વાતાવરણના શુદ્ધિકરણ માટેનો એક માત્ર ઉપાય જણાય છે.

આપણે રાસાયણિક ખાતરો અને કીટનાશક દવાઓનો ઉપયોગ એટલી હદે ન કરીએ કે આપણી આવનારી પેઢી રોગિષ્ટ અને સત્વહીન બને.આવનારી પેઢીને આપણે શું આપવું તે આપણા પર નિર્ભર છે.

આપણને ટેક્નોલોજીની જે ભેટ મળી છે તે એક વરદાન જ છે.પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે મનન યોગ્ય છે.આપણો ટેકનોલોજીનો જાતને બદલે જગતને નજર સમક્ષ રાખી કરેલો સદઉપયોગ જાત અને જગત બંને બદલી શકે છે.

આપણને મળેલ સંસાધનો અને સગવડનો ઉપયોગ ક્યાં,કેવી રીતે અને ક્યારે કરવો એ આપણે સૌએ શીખવાની જરૂર છે.એ ન ભૂલીએ કે માનવજાતે પ્રાપ્ત કરેલી ઊંચાઈ એ અસંખ્ય નામી અનામી શોધકો,વૈજ્ઞાનિકો,ખગોળશાસ્ત્રીઓ,ખગોળવિજ્ઞાનીઓ વગેરેના મજબૂત ખભાને લીધે છે.

મહાન વિચારક રજનીશજી કહે છે કે આજના શિક્ષિત લોકો અભણ લોકો કરતાં વધુ ચાલાક બન્યા છે.વધારે કપટી અને સ્વાર્થી બન્યા છે.તેઓ વધારે અસલામતી અનુભવે છે.એટલે જ આજે આપણે તાળા મારવા પડે છે.તાળું એ અવિશ્વાસનું પ્રતીક છે.મને યાદ છે કે હું જયારે નવ-દસ વર્ષની હતી ત્યારે અમારા ઘરને તાળું નહોતું મરાતું અને આખા ગામમાં સહુ એમ જ રહેતાં.જ્યારથી માણસો વધારે શિક્ષિત બનતાં ગયા અને સાથે સ્વાર્થી પણ બનતા ગયા.

મોબાઇલ અને કમ્પ્યૂટરની શોધોથી સમગ્ર વિશ્વ એક નાનું ગામડું બની ગયું છે.હાલમાં આપણે સૌ માહિતીઓનો ભંડાર આપણા ખિસ્સામાં લઈને ફરીએ છીએ પણ બહુ ઓછા લોકોને મોબાઈલનો ઉપયોગ કરવાનું જ્ઞાન કે સમજ હોય છે.

તમામ શોધો જીવનને સરળ,સલામત અને સગવડભર્યું બનાવવાના શુભ ઉદેશ્યથી થયેલી હોય છે.કોઈપણ વસ્તુ કે સાધનનો ઉપયોગ કે વપરાશ એ બુદ્ધિનો નહિ પણ જ્ઞાન અને સમજણનો વિષય છે.

ડ્રાઇવિંગનું જ્ઞાન કે સમજ ન ધરાવતા બુદ્ધિશાળી ડ્રાઈવરનું બસનું ચલાવવું કેટલું જોખમી અને પ્રાણઘાતક નીવડે એ સમજી શકાય એવી વાત છે.

કદાચ, માનવજાત આ જ ડ્રાઇવરનો રોલ ભજવી રહી છે!

-નીતા ત્રિવેદી

E-mail: [email protected]
(17/06/2019)

Leave a Response

error: Content is protected !!