રાજનીતિ

ગરમીથી ત્રસ્ત બિહાર, મધ્યપ્રદેશમાં વરસાદ, તમિલનાડુમાં વરસાદ માટે પર્જન્ય યજ્ઞ

142views

દેશમાં દસ દિવસ મોડા ચાલી રહેલાં ચોમાસાએ હવે ગતિ પકડી છે. શનિવારે તેલંગાણા, ઓરિસ્સા, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં વરસાદ પડ્યો તો રવિવારે મધ્યપ્રદેશમાં વરસાદનું આગમન થતાં મધ્યપ્રદેશનાં ભોપાલ સહિતનાં વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં ગરમીથી ત્રસ્ત પ્રજાજનોને રાહત મળી છે.

બિહાર-ઉત્તરપ્રદેશના કેટલાંક ભાગોમાં વરસાદ

ગરમીથી ત્રસ્ત અને જીવલેણ લૂ નો સામનો કરી રહેલાં બિહારમાં વરસાદ પડવાથી ગરમીમાં ઘણી રાહત થઇ છે. શનિવારે બિહારના પાટનગર પટનામાં ભારે વરસાદ પડ્યો જેના કારણે શહેરમાં કેટલાંક ભાગોમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાયા. પટના સાથે જ બિહારમાં ભાગલપુર, ગયા, મુઝફ્ફરપુર અને પૂર્ણિયા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો. બિહારમાં જીવલેણ લૂ થી ૩૦૦ થી વધુના મૃત્યુ થયાં છે ત્યારે બિહારમાં લોકોને ગરમીથી રાહત મળી છે. શનિવારે બિહાર સાથે જ ઉત્તરપ્રદેશના કેટલાંક ભાગોમાં પણ વરસાદ પડ્યો છે.

મધ્યપ્રદેશનાં વાતવરણમાં પલટો, કેટલાંક ભાગોમાં વરસાદ

છત્તીસગઢ પહોચેલા ચોમાસાએ શનિવારે બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાંક ભાગોમાં પ્રવેશ કર્યો તો રવિવારે મધ્યપ્રદેશમાં પણ આગમન થયું. મધ્યપ્રદેશનાં જબલપુર, મંડલા અને શહડોલમાં શનિવારે રાતથી જ ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થયું તો રવિવારે ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન, હોશંગાબાદમાં પણ વરસાદ પડ્યો.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 27-28 તારીખે મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો હવામાન એજન્સી સ્કાઈમેટે આગામી 24 થી 48 કલાકમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. હિંદ મહાસાગરથી બંગાળની ખાડી તરફ એક વાવાઝોડું મધ્યપ્રદેશ પરથી થઈને જઇ રહ્યું છે. હવામાનની પરિભાષામાં આને નોર્થન લીમીટ કહેવાય છે. આ વાવાઝોડાનાં કારણે મધ્યપ્રદેશમાં આગામી 24 થી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

તમિલનાડુ સરકારે કર્યો પર્જન્ય યજ્ઞ

બિહાર, મધ્યપ્રદેશ સહિતનાં મધ્ય ભારતનાં રાજ્યોમાં વરસાદ થવાથી ગરમીમાં રાહત મળી છે તો બીજી બાજુ ઘેરા જળસંકટ સામે જજૂમી રહેલાં તમિલનાડુમાં વરસાદ માટે યજ્ઞ કરવામાં આવ્યો. તમિલનાડુનાં શિવ મંદિરમાં રાજ્ય સરકારે પર્જન્ય યજ્ઞ કર્યો જેમાં AIADMK નાં નેતા અને રાજ્યના મત્સ્યપાલન મંત્રી ડી. જયકુમારે પણ હાજરી આપી.

Leave a Response

error: Content is protected !!