ધર્મ જ્ઞાન

‘કાલ’થી જ અમલમાં લાવવા જેવી કેટલીક વાતો…!

132views

આ શિર્ષક અહિં સમજી વિચારીને મુક્યુ છે,  આપણે અમસ્તા જ બોલી દઈએ છે  કે..

“આ કામ કરવું છે  પણ કાલથી વાત…”

“કાલથી શરૂ કરીએ હવે એક દિવસ આમ કે તેમ…”

“કાલથી પાક્કું…”

વાત માત્ર આળસની નહિ પણ માનવીના મુળભુત સ્વભાવની છે. આળસને છોડતા પહેલા આપણે આપણો સ્વભાવ બદલવો પડશે. જીવનને જોવાની દ્રષ્ટી બદલવી પડશે.જો કે આપણા વડવાઓ કહી ગયા કે “માણસ મરી જાય ત્યાં સુધી  તેનો સ્વભાવ બદલી શકતો નથી.” તો સૌપ્રથમ વાત આવે કે આ સ્વભાવ એટલે શું ?  જો હું ખુબ જ સામાન્ય ભાષામાં સ્વભાવની વ્યાખ્યા કરું તો સ્વભાવ એટલે માણસના ‘વિચારો અને આદતો.’ સ્વામી વિવેકાનંદ કહેતા કે “તમે તમારી જાતને કાલ કરતા આજે વધુ સારી બનાવવા માટે પ્રયત્નો કરો.”

તમારી આવતીકાલને બદલતા પહેલા તમારી આજને ઓળખો : 10 મીનિટનો પ્રયોગ 

જ્યારે વાત  આવતીકાલ બદલવાની થાય છે તો પહેલા તમારે આજને ઓળખવું જરૂરી છે. આપણને એ ખબર હોવી જરૂરી છે કે આજે ‘હું કઈ જગ્યાએ  ઉભો છું’ જો તમને આ વાતનો જવાબ મળી ગયો તો તમને પહેલાથી જ ખબર હશે કે આવતીકાલે ઉઠીને તમારે કઈ બાબત પર વધારે ધ્યાન આપવાનું છે અથવા કઈ બાબતને સુધારવાની જરૂર છે

આપણામાંથી ઘણા ઓછા લોકો હશે જે દિવસની 1440 મીનિટમાંથી 15 મીનિટ પણ પોતાના માટે આપતા હશે. શું દિવસ દરમિયાન તમે તમારી જાત સાથે 10 મીનિટ પણ વાત કરી છે ?  મિત્રો એક વાર પ્રયત્ન કરજો… ત્યારે તમને સમજાશે કે ‘હું કોણ છું હું…?’  ‘શું કરું છું…?’  ‘હું કેમ કરું છું…?’ અને ‘મારે શું કરવું જોઈએ…?’ દિવસની 10 મીનિટ તમારી જાત સાથે વાત કરો. દિવસ દરમિયાન બનેલા બનાવો, અનુભવો અને વાચતીતને યાદ કરો બની શકે તો તેની હાઈલાઈટ્સ ડાયરીમાં લખો.ત્યારે એક સમય એવો આવશે કે તમારું મન અને હદય એક સમાન વાત કરતું હશે. બસ આ જ પળ હશે જે તમારા જીવનની દિશા બદલામાં મહત્વનો ભાગ ભજવશે.

ક્યારેક એવું પણ થશે કે તમે કરેલા ખોટા કામ અને ખોટી આદતો વિશે તમે વાત નહિ કરી શકો.. પણ જાત સાથે છુપાવતા નહિ ગમે તે કામને તમે સ્વીકારીને આગળ વધજો. તો જ તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે. યાદ રાખજો કે ખોટુ કામ કરવું એ ભુલ નથી પણ આ ખોટા કામને ન સ્વીકારવું એ ભુલ છે. પછી બીજે દિવસે જ્યારે તમે કોઈ ભુલ કરી રહ્યા હશો તો તમારી જાત સાથે કરેલી 10 મીનિટની વાતચીત યાદ આવશે અને તમને તમારા જ વિચારો ગેરમાર્ગે  જતા રોકશે.

ધીરે ધીરે તમને તમારી સાથે વાત કરવાની આદત પડી જશે. તમારી અંદર હકારાત્મક વિચારો અને પ્રેરણાદાયી વિચારો આપોઆપ આવશે. તમારે કોઈ લેખક કે મોટીવેશનલ સ્પીચ સાંભળવાની જરૂર નહિ રહે.આ એક નાનકડો પ્રયોગ તમારા વિચારો, વર્ણતુક ઉપર ગાઢ અસર કરશે. તો આ પ્રયોગની શરૂઆત આજથી જ કરો અને તમે તમારા જ ગુરુ બનો.

મુળમુદ્દા પર ફરી વાત કરુ તો સાચા ખોટાની સમજણ આપણને ઈશ્વરે આપી જ છે. પરંતુ જ્યાં સુધી આપણને એ ખબર નહિ હોય કે આપણે ‘ક્યાં ખોટા છીએ’ અને ‘ક્યાં સાચા છીએ’ ત્યાં સુધી પરિવર્તન ‘ક્યાં લાવવું’ એ જ સમજી નહિ શકીએ. અંતે આપણે આ કહેવત સાચી પાડીએ છીએ કે માણસ મરતા સુધી પોતાનો સ્વભાવ બદલી શકતો નથી . તો ચાલો આજથી જ એક નવો પ્રયત્ન શરૂ કરીએ અને આ કહેવત બદલીએ કે “માણસનો સ્વભાવ મરતા સુધી વિકસીત થતો રહે છે.”

લેખક – નીલ દેસાઈ

Leave a Response

error: Content is protected !!