વિકાસની વાત

સૌની યોજનામાં આજી, ન્યારી બાદ ભાદરમાં નર્મદાનું પાણી ઠાલવાયું, 60થી  વધુ  ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી મળશે

134views

સૌરાષ્ટ્રનાં કેન્દ્ર બિંદુ એવા રાજકોટમાં પાણીની સમસ્યા કાયમી બની ગઈ છે. પણ સરકારે આ પાણીની કાયમી સમસ્યાનું નિવારણ કરી લીધું છે. રાજ્ય સરકારે સૌની યોજના અંતર્ગત આજી-1 અને ન્યારી-1 માં નર્મદાનાં નીર ઠાલવ્યા બાદ હવે ભાદર ડેમમાં નર્મદાનાં પાણી ઠાલવતા 14  ગામોના 12 લાખથી વધુ લોકોની પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું છે. ભાદર ડેમમાં નર્મદાનું પાણી પહોંચતા રાજકોટ શહેર સહિત જેતપુર, ગોંડલ, શાપર, વેરાવળ, અને ભાદર-રાજકોટના 14 ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ ચૂકી છે. ઉપરાંત જેતપુર,  જૂનાગઢ, ઉપલેટા, ધોરાજીના ૪૭ ગામોના ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી મળશે. રાજકોટના જીવાદોરી સમાન ત્રણેય ડેમમાં નર્મદાનું પાણી પહોંચતા હવે રાજકોટ જિલ્લાને પાણીની સમસ્યા નડે તેવી શક્યતા નહિવત છે.ભાદર ડેમમાં નર્મદાના પાણી આવતા આજુબાજુનાં ગ્રામજનોએ પાણીનાં વધામણા કર્યા હતા.

કસ્તુરબાધામથી ત્રણ પંપ દ્વારા પમ્પીંગ થઇ રહ્યું છે

રાજકોટ તાલુકાના ત્રંબા ખાતેના  કસ્તુરબાધામથી ત્રણ પંપ દ્વારા પાણીનું પમ્પિંગ કરી પાઈપલાઈન મારફત રીબડા ગામ સુધી પાણી પહોંચાડાયું હતું અને રીબડા ધારથી ગોંડલના વેરી તળાવ તેમજ સેતુબંધ અને આશાપુરા ચેકડેમોમાં પાણી આવતા આ ચેકડેમો ઓવરફ્લો થયા છે અને ત્યાંથી નદીનાં રસ્તે પાણી છેક ભાદર ડેમમાં આવી પહોંચ્યું હતું. ભાદર નદીમાં નર્મદાનું પાણી પ્રવેશ થતાં ભાદર ઇરીગેશનના અધિકારીઓ તથા આજુબાજુના ગ્રામજનોએ હર્ષની લાગણી સાથે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નદીમાં ચુંદણી-શ્રીફળ વધારીને નર્મદા નદીના નીરના ભાદરમાં પ્રવેશના વધામણા કર્યા હતા.

દરરોજ 25 એમસીએફટી પાણી ઠલવાશે

ત્રંબા ખાતે કસ્તુરબાધામના જે ત્રણ પંપ દ્વારા પાણીનું પમ્પિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં એક પંપની ક્ષમતા 24 કલાકમાં 8.25 એમસીએફટી પાણી ઉપાડવાની છે અર્થાત ત્રણેય પંપ ચોવીસે કલાક ચાલુ રહેતા રોજ 25 એમસીએફટી જળ જથ્થો ભાદર ડેમમાં ઠલવાઈ રહ્યો છે.

60થી  વધુ  ગામોને પાણી મળશે

સૌની યોજના દ્વારા ભાદર ડેમમાં નર્મદાના પાણી ઠલવાયા પહેલાં ભાદર ડેમ ખાલી ખમ હતો, ભાદર ડેમનાં તળિયા દેખાતા હતાં.  ભાદર ડેમમાં પીવા તેમજ સિંચાઈનાં પાણી માટે માત્ર 3.30 ફૂટ પાણી બચ્યું હતું. નર્મદાના પાણી આવતા ભાદર ડેમ ફરી જીવંત બન્યો છે. રવિવારે નર્મદાનાં પાણી આવતા ભાદર ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો હતો. ભાદર નદીમાં પાણી આવતા રાજકોટનાં 14 ગામોમાં પીવાના પાણી સમસ્યા ઉકેલાઈ છે ઉપરાંત ભાદર નદીમાંથી ૭૬ કિ.મી.માં પથરાયેલ ભાદર કેનાલ મારફત ચાર તાલુકા જેતપુર,  જૂનાગઢ, ઉપલેટા, ધોરાજીના ૪૭ ગામોના ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી મળશે. આમ ભાદર ડેમ દ્વારા 60 થી વધુ ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી મળશે.

 

Leave a Response

error: Content is protected !!