રાજનીતિ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બંદરગાહોનાં વિકાસને કેન્દ્રમાં રાખીને આકર્ષક પોર્ટ પોલીસી નીતિઓ બહાર પાડી

94views

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં ૧૬૦૦ કિ.મી. લાંબા અને વ્યૂહાત્મક દરિયા કિનારે બંદરીય પ્રવૃત્તિ દ્વારા પોર્ટ સેક્ટર અને ઊદ્યોગોમાં વધુ રોકાણો પ્રેરિત કરવા નવી બંદરીય નીતિ – પોર્ટ પોલિસીની જાહેરાત કરી છે. ઉદારીકરણનાં પગલાંઓને આગળ ધપાવતાં વર્તમાન સમય અને ઔદ્યોગિકરણની માંગને સુસંગત રૂપાણી સરકારે જાહેર કરેલી નવી પોર્ટ પોલીસીમાં કેપ્ટીવ જેટીઓને થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરવાની છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી તેના પર નિયંત્રણ મૂકવામાં આવેલા છે. આ નિયંત્રણો નવી પોલીસીમાં હટાવી લેવામાં આવતા તેના વિકાસનો માર્ગ મોકળો થશે અને તેના થકી કાર્ગો હેન્ડલિંગની ક્ષમતામાં વધારો થશે. ગુજરાતની કાર્ગો હેન્ડલિંગની ક્ષમતામાં ઓછામાં ઓછા ૫ ટકાનો વધારો કરવાના લક્ષ્યાંક સાથે આ નવી બંદર નીતિ જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયને પરિણામે કેપ્ટીવ જેટી બનાવનારાઓને અન્યનાં કાર્ગો હેન્ડલિંગ કરવાની પણ તક મળશે અને તેમની આવક પણ ઊભી થશે.

ગુજરાત પોર્ટ સેક્ટર અને ઔદ્યોગિકરણનાં વિકાસમાં હરણફાળ ભરીને તેમજ પોર્ટ પોલીસીનાં માધ્યમથી મધ્યપૂર્વીય દેશો, આફ્રિકા અને યુરોપથી સમુદ્રી માર્ગે આવતા માલ-સામાનનું ગેટ વે બન્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલી આ નવી પોર્ટ પોલીસી અનુસાર રાજ્યમાં હાલમાં કાર્યરત ૩ર કેપ્ટીવ જેટીઓ કોઈપણ જાતના પ્રતિબંધ વિના થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરી શકશે. એટલું જ નહીં વર્તમાન કેપ્ટીવ જેટી પરવાનેદારો કાર્ગો હેન્ડલીંગની સુવિધાઓમાં વધારો કરવા, વિસ્તૃતીકરણ – એકસ્પાન્શન અને આધુનિકરણ – મોર્ડનાઇઝેશન માટે વધારાનું રોકાણ કરી શકશે. ઔદ્યોગિક એકમો અને સહભાગીદાર કંપનીઓની સાનૂકુળતા માટે રૂપાણી સરકારે ગૃપ કંપની કાર્ગો હેન્ડલ કરવા માટેની છૂટ આપવાની જોગવાઈ પણ આ નવી પોર્ટ પોલીસીમાં રાખી છે. શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે આ પોલીસી મુજબ હયાત કેપ્ટીવ જેટી સાથે થયેલા કરાર અનુસાર કેપ્ટીવ જેટી હોલ્ડરની બધી જ સુવિધાઓ ચાલુ રાખી નવા મૂડીરોકાણ, પ૦ ટકાથી વધારે થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરવાના દ્વાર પણ ખોલી આપ્યા છે.

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વની વર્તમાન સરકાર પારદર્શક નીતિઓને અનુસરતી આવેલી છે. તદ્દનુસાર બંદરીય ક્ષેત્રમાં પણ કોઈપણ ઊદ્યોગ સાહસિક ભાગ લઈ શકે તે માટે આ નવી નીતિની જોગવાઈ મુજબ ગુજરાત મેરીટાઈમ બોર્ડ સમયાંતરે EOI (એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ) બહાર પાડશે અને નવા સાહસિકોને ઓછામાં ઓછું રૂ.૩૦૦ કરોડનું મૂડીરોકાણ કરવું પડશે અને પાંચ મીલીયન મેટ્રિક ટનની બંદરીય ક્ષમતા ઊભી કરવાની રહેશે. આ નીતિમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે, નવા સાહસિકો દ્વારા પસંદ કરવામાં આવેલ જેટીની જગ્યા હયાત જેટીથી ઓછામાં ઓછી ૩ કિ.મી. દૂર તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ખાનગી બંદરની પોર્ટ લિમીટની બહાર હોવી જોઇએ.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યનાં બંદરગાહોનાં વિકાસને કેન્દ્રમાં રાખીને આકર્ષક નીતિઓ બહાર પાડેલી છે. આ નવી નીતિનાં પરિણામસ્વરૂપે ૧૬૦૦ કિ.મી.નો લાંબો સમુદ્રકિનારો ઉત્તર અને મધ્ય ભારતની તમામ આયાત-નિકાસનું પ્રવેશદ્વાર બનશે. આ પારદર્શી નીતિની ફલશ્રુતિએ નવા સાહસિકો રાજ્યનાં પોર્ટ ડેવલપમેન્ટમાં સહભાગી થઈ શકશે તેમજ ક્રૂડ ઓઈલ, કોલસો તેમજ નેચરલ ગેસ અને એલ.પી.જી. આયાત માટે આ નવી નીતિ ઉપયુક્ત અને કારગત નિવડશે તેમજ આ નવી પોર્ટ પોલિસીથી કેપ્ટીવ જેટીના વેલ્યુએડીશન, કેપ્ટીવ જેટી કંપનીઓ અને ઈન્ડસ્ટ્રીને નવા રોકાણોથી કેપેસિટી બિલ્ડીંગ મોર્ડનાઇઝેશન, મિકેનાઇઝેશન અને વેલ્યુચેઇનમાં બેકવર્ડ – ફોરવર્ડ ઇન્ટીગ્રેશનની તક મળતી થશે. કેપ્ટીવ જેટી પરના નિયંત્રણો દૂર થવાથી તેનો સર્વાંગી વિકાસ થશે. આ સિવાય ગુજરાતનો સંભવિત હિસ્સો ૪૧% થી વધીને ૪૬% થઈ શકે છે. જેને લીધે પોર્ટનાં વિકાસની વ્યૂહરચનાને પ્રોત્સાહન મળશે. પરિણામસ્વરૂપે રૂ. ૭૦૦૦૦ કરોડથી વધુનો આર્થિક લાભ થઈ શકે તેમ છે. સંભવિત રોજગારની રપ૦૦૦થી વધુ તકોનું નિર્માણ થઈ શકે છે. ગુજરાત સરકારની પણ સંભવિત આવક રૂ. ૪૦૦ કરોડથી વધી શકે છે. કોસ્ટલ શીપીંગમાં વૃધ્ધિ થવા ઉપરાંત લોજીસ્ટીક કોસ્ટમાં ઘટાડો કરવામાં આ નીતિ સહાયક નીવડશે. આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરી નવી પોર્ટ પોલીસી સાગર ખેડૂઓ માટે અનેક પ્રકારે ખુશખબર લઈ આવી છે.

Leave a Response

error: Content is protected !!