વિકાસની વાત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દ્વારકાધીશને શીશ ટેકાવ્યું

96views

CM વિજયભાઈ રૂપાણી દ્વારકાની મુલાકાતે છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાત વાયુ વાવાઝોડામાંથી સહી સલામત ઉગરી જતા આજે હું ભગવાન દ્વારકાધીશને માથું ટેકવવા આવ્યો છું”.  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે દ્વારકા ખાતે આવેલ જગપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરની મુલાકાત વેળાએ એમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પાદુકાનું પૂજન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તાજેતરના ભૂતકાળમાં જયારે ગુજરાત ઉપર વાયુ વાવાઝોડાનો ખતરો હતો ત્યારે મેં ભગવાન દ્વારકાધીશને અને સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી કે ગુજરાતને આ વાવાઝોડાની અસરથી મુક્ત રાખે અને ગુજરાત આ  વાવાઝોડામાંથી સહી સલામત રીતે ઉગરી જાય. એ સંદર્ભમાં  આજે હું દ્વારકાધીશને માથું ટેકવવા આવ્યો છું અને આવતીકાલે હું સોમનાથ દાદાના દર્શને પણ જવાનો છું.

મુખ્યમંત્રી આ તકે દ્વારકા પાસે આવેલ શિવરાજપુર બીચનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકાર વિચારણાધિન હોવાનું પણ જણાવ્યું હતુ.

આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીના હસ્તે કેન્દ્ર સરકારની HRIDAY અંતર્ગત દ્વારકા નગરપાલિકા દ્વારા ગોમતીપુર ઘાટ પાસે આવેલ સુદામા સેતુ ચોકમાં નિર્માણ પામેલ શ્રી આદિ શંકરાચાર્યની  પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દંડીસ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીએ  મુખ્યમંત્રીને ગુરુ ગાદીનું અને પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઇ નથવાણીએ મુખ્યમંત્રીનું દ્વારકાધીશ ભગવાનની મૂર્તિ આપી તેમજ દ્વારકા સ્થિત કાન્હા વિચાર મંચના સભ્યોએ મુખ્યમંત્રીને કૃષ્ણની છબી આપી સ્વાગત કર્યું હતું.

આ તકે મુખ્યમંત્રી સાથે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના, રાજકોટ રૂરલ એસ.પી. બલરામ મીના, પ્રાંત અધિકારી ડી.વી. વિઠલાણી, શારદાપીઠના બ્રહ્મચારી  નારાયણાનંદજી, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર રમેશભાઈ હેરમા, નગરપાલિકાના પ્રમુખ જીતેશ માણેક, ઉપપ્રમુખ પરેશભાઈ જાખરીયા, અગ્રણીઓ સર્વ હરિભાઈ, મોહનભાઈ સહિત નગરપાલિકાના સદસ્ય તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોટર- અંકિત સમાણી

Leave a Response

error: Content is protected !!