રાજનીતિ

સુષ્મા સ્વરાજની જન્મ થી રાજનેતા સુધીની સફર જાણો

123views
  • એમનો પરિવાર મૂળ પાકિસ્તાનના લાહોરનો હતો
  • લગ્ન પહેલા એમની અટક શર્મા હતી
  • એમની એક પુત્રી નામે બાંસુરી હાલ લંડનમાં વકીલાત કરી રહી છે
  • કોલેજ કાળથી જ તેઓ વક્તૃત્વમાં અવ્વ્લ રહેતા
  • બાજપેયી સરકારમાં બે વાર કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે
  • વકીલાતના અભ્યાસ પછી તેઓએ થોડો સમય સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી

કર્ણાટકમાં બેલ્લારીથી સોનિયા ગાંધી સામે ચૂંટણી લડ્યા હતા14 ફેબ્રુઆરી 1952માં હરિયાણાના અંબાલામાં જન્મેલા સુષ્મા સ્વરાજનું હાર્ટ એટેક આવતા ટૂંકી સારવાર બાદ દિલ્હીની એઇમ્સમાં અવસાન થયું છે. તેઓ 67 વર્ષના હતા. સાંજે 307 કલમ વિશે છેલ્લું ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ એમને છાતીમાં થોડો દુખાવો થતા એમ્સમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 5 ડોકટરો એમની સારવાર કરતા હતા. પણ હેવી હાર્ટએટેક આવતા તેઓનું અવસાન થયું હતું.

આ સમાચાર એમના પરિવારે ટ્વીટ કરીને આપતા જ વડાપ્રધાન મોદી સહિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ એમ્સ ખાતે પહોંચી ગયા છે.

  • 1977માં તેઓ પ્રથમ વખત ધારાસભાની ચૂંટણી લડ્યા હતા.
  • તેઓ દિલ્હીના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.
  • 2009માં 15મી લોકસભામાં તેઓ બીજેપી દ્વારા સંસદમાં વિપક્ષના નેતા પદે ચૂંટાયા હતા.

અંબાલાની એસ.ડી.કોલેજમાંથી તેઓએ સંસ્કૃત અને રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક કર્યું હતું તથા પંજાબ વિશ્વવિદ્યાલય ચંદીગઢથી તેઓએ કાનૂનની ડિગ્રી મેળવી હતી.

ભણતર પૂરું કર્યા બાદ તેઓએ જયપ્રકાશ નારાયણના આંદોલનમાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી. કટોકટી કાળનો સખ્ત વિરોધ કર્યા બાદ તેઓ સક્રિય રાજનીતિમાં જોડાયા.

2014માં ભારતની પહેલી મહિલા વિદેશ મંત્રી બનવાનું સૌભાગ્ય તેમણે પ્રાપ્ત કર્યું.

દિલ્હીની પહેલી મહિલા મુખ્યમંત્રી અને દેશના કોઈ પણ રાજકીય પક્ષમાં સહુથી પહેલી મહિલા પ્રવક્તા બનવાનું સૌભાગ્ય પણ તેમને જ મળેલું છે.

લગ્ન પહેલા તેમની પિયરની અટક શર્મા હતી. તેમનો જન્મ હરદેવ શર્મા તથા લક્ષ્મીદેવીના ઘેર થયો હતો.એમના પિતા આર.આર.એસ.ના મુખ્ય સદસ્ય હતા. એમનો પરિવાર મૂળ રૂપથી લાહોરના ધર્મપુરા વિસ્તારનો રહેવાસી હતો.જે વિસ્તાર હાલ પાકિસ્તાનમાં છે.

 

અંબાલાની સનાતન ધર્મ કોલેજમાં સંસ્કૃત અને રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક થનાર સુષ્મા શર્મા (એ સમયની તેમની અટક)ને કોલેજમાં સર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થીની તરીકેનું સન્માન મળ્યું હતું. તેઓ ત્રણ વર્ષ સુધી સતત એસ.ડી.કોલેજમાંથી એન.સી.સી.ના સર્વ શ્રેષ્ટ કેડેટ અને ત્રણ વર્ષ સુધી સતત રાજ્ય કક્ષાએ સર્વ શ્રેષ્ટ વક્તા તરીકે ઇનામો મેળવતા રહ્યા. ત્યાર બાદ કાનૂની અભ્યાસ માટે તેઓ પંજાબ વિશ્વ વિદ્યાલયમાં ગયા જ્યાં 1973માં એમને સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે એવોર્ડ મળ્યો હતો. 1973માં જ સુષ્મા સ્વરાજ ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયમાં અધિવક્તાના પદ પર કાર્ય કરવા લાગ્યા.

13 જુલાઈ 1975માં સ્વરાજ કૌશલ સાથે એમના લગ્ન થયા. જે પણ સુપ્રીમ કોર્ટમાં જ એમના સહ કર્મચારી અને અધિવક્તા હતા. ત્યાર બાદ તો કૌશલ 6 વર્ષો સુધી રાજ્યસભામાં સાંસદ પણ રહ્યા હતા. એ ઉપરાંત કૌશલ મિઝોરમના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

સુષ્મા સ્વરાજની એક પુત્રી છે. જેનું નામ બાંસુરી છે. જે હાલમાં લંડનમાં ઇનર ટેમ્પલમાં વકીલાત કરે છે.

 

રાજનીતિક જીવન :

70ના દશકમાં સ્વરાજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. એમના પતિ કૌશલ સ્વરાજ સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝનાના નજીકના મિત્ર હતા. એજ કારણે સુષ્મા 1975માં ફર્નાન્ડિઝની ટીમમાં સામેલ થયા. કટોકટી સમયે તેઓએ જયપ્રકાશ નારાયણના આંદોલનમાં આગળ પડતી ભૂમિકા ભજવી.

1977માં અંબાલામાંથી તેઓ વિધાનસભ્ય તરીકે ચૂંટણી લડ્યા, જીત્યા અને ચૌધરી દેવીલાલની સરકારમાં 79 સુધી રાજ્યના શ્રમ મંત્રી બનીને 25 વર્ષની ઉંમરમાં કેબિનેટ મંત્રી બનવાનો રેકોર્ડ બનાવ્યો. 1979માં 27 વર્ષની ઉંમરે સુષ્મા હરિયાણા રાજ્યમાં જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ બન્યા.

80ના દાયકામાં બીજેપીની સ્થાપના થઇ ત્યારે તેઓ એમાં જોડાઈ ગયા. ત્યાર બાદ 1987થી 1990 સુધી તેઓ ફરી અંબાલા વિધાનસભા ક્ષેત્રમાંથી વિધાયક બન્યા.

1996માં દક્ષિણ દિલ્હીથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ બાજપેયીની 13 દિવસ ચાલેલી સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ મંત્રી રહ્યા.

1998માં દક્ષિણ દિલ્હીથી તેઓ ફરી એક વાર સાંસદ તરીકે ચૂંટાયા ત્યારે વાજપેયી સરકારમાં તેઓ દૂર સંચાર મંત્રાલયના વધારાના ખાતા સાથે સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા. 19 માર્ચ 1998થી 12 ઓક્ટોબર 1998 સુધી તેઓ આ પદ પર રહ્યા. આ દરમ્યાન તેઓએ ફિલ્મોને એક ઉધોગનો દરજ્જો આપ્યો. જેનાથી ભારતીય ફિલ્મોને બેન્કમાંથી લોન મળવાનો રસ્તો આસન થયો.

ઓક્ટોબર 1998માં એમણે કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપ્યું અને 12 ઓક્ટોબર 1998માં દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા. જો કે 3 ડિસેમ્બર 1998માં તેમણે વિધાનસભા સીટ પરથી રાજીનામુ આપી દીધું અને રાષ્ટ્રીય રાજનીતિમાં તેઓ પરત ફર્યા. સપ્ટેમ્બર 1999માં તેઓ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી સામે કર્ણાટકના બેલ્લારીથી ચૂંટણીમાં ઉભા રહ્યા. જ્યાં કન્નડ ભાષામાં ચૂંટણી પ્રચાર કરવા તેઓ 1 મહીનામાં કન્નડ શીખ્યા અને કન્નડ ભાષામાં જ ચૂંટણી સભાઓ સંબોધી. જોકે તેઓ 7%ના માર્જિનથી ચૂંટણી હારી ગયા.

એપ્રિલ 2000માં ઉત્તરપ્રદેશથી રાજ્યસભાના સાંસદ તરીકે તેઓ સંસદમાં પરત ફર્યા. તેઓને ફરી એક વાર કેન્દ્રીય મંત્રી મંડળમાં સુચના અને પ્રસાર મંત્રી બનાવવામાં આવ્યા. જ્યાં તેઓએ જાન્યુઆરી 2003 સુધી રહ્યા. 2003માં એમને સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ મંત્રી અને સંસંદીય મામલના મંત્રી બનાવવામાં આવ્યા. જ્યાં 2004 સુધી એનડીએની હાર સુધી તેઓ મંત્રી બની રહ્યા.

એપ્રિલ 2006માં તેઓ ત્રીજી વાર રાજ્યસભામાં આવ્યા. આ વખતે તેઓ મધ્યપ્રદેશથી રાજ્યસભામાં આવ્યા. ત્યાર બાદ મધ્યપ્રદેશના વિદિશાથી 4 લાખ કરતા વધુ મતોથી જીતીને તેઓ લોકસભામાં આવ્યા. 2009માં લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ 15મી લોકસભામાં તેઓ વિપક્ષના નેતા તરીકે નિયુક્ત થયા અને 2014માં ભાજપના વિજય સુધી તેઓ એ પદ પર રહ્યા2014માં વિદિશા લોકસભા બેઠક પરથી તેઓ ફરી એક વાર સાંસદ બન્યા હતા અને તેઓને ભારતની પહેલી મહિલા વિદેશ મંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું. એ કેબિનેટ મંત્રી બનવા વાળા ભાજપના પહેલા મહિલા છે. ભારતની સંસદમાં સર્વશ્રેષ્ઠ સાંસદનો ખિતાબ મેળવનાર પહેલી મહિલા સાંસદ પણ સુષ્મા સ્વરાજ જ છે

આવા સુષ્મા સ્વરાજ આજે હવે આ સ્વદેહે આ દુનિયામાં નથી રહ્યા. પણ તેઓએ એક મહિલા તરીકે ભારતીય રાજનીતિમાં એમની કાર્યશૈલીથી જે અમર છાપ છોડી છે તે સુવર્ણ અક્ષરે આલેખાશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

Leave a Response

error: Content is protected !!