રાજનીતિ

જાહેરનામું : 6 મહાનગર પાલિકાના નવા વોર્ડ-બેઠકોનું સીમાંકન જાણો કયા કોર્પોરેશનમાં કેટલા વોર્ડ-બેઠક વધ્યાં

813views

રાજ્યની મહાનગપાલિકાઓના સીમાંકનના વધારા સાથે નવા વોર્ડ અને બેઠકોમાં પણ વધારો થઈ રહ્યો છે, આજે રાજ્યના શહેરી વિકાસ વિભાગે રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત,જામનગર, ગાંધીનગરના વધારાના વોર્ડ અને બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જયારે અમદાવાદ અને જૂનાગઢના નવા વોર્ડ અને બેઠકોનું જાહેરનામું બાકી છે.


રાજકોટ મહાનગર પાલિકાઃ 18 વોર્ડ અને 72 બેઠકો યથાવત, 13 બેઠક અનામત 
રાજકોટની હદમાં વધારો થયા પછી 18 વોર્ડ યથાવત રાખવામાં આવ્યા છે. રાજકોટમાં મોટા મવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર એમ પાંચ ગામનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પછીની કોર્પોરેશનની ચૂંટણીમાં 72 કોર્પોરેટરો ચૂંટાવાના રહેશે. જેમાં 36 બેઠકો મહિલા અનામતની રહેશે. કુલ 72 બેઠકો પૈકી 5 બેઠકો અનુસૂચિત જાતિ અનામત રહેશે. તે પાંચ પૈકી 3 મહિલા અનુસૂચિત જાતિ માટે રહેશે. 7 બેઠકો બક્ષીપંચ માટે અનામત રહેશે. આ 7માં 7 બેઠકો બક્ષીપંચ મહિલા માટે અનામત રહેશે. 1 બેઠક આદિજાતિ મહિલાઓ માટે અનામત રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આદિવાસી મહિલા માટે એક બેઠક અનામત રહેશે.

સુરત મહાનગરપાલિકાઃ એક વોર્ડ અને 4 કાઉન્સિલરનો વધારો
નવા સીમાંકન મુજબ સુરતમાં મહાનગરપાલિકાના 30 વોર્ડ બનાવવામાં આવશે. જેમાં 120 બેઠકો કાઉન્સિલરની રાખવામાં આવશે. આમ એક વોર્ડ અને 4 કાઉન્સિલરનો વધારો થશે. હાલ 29 વોર્ડ અને 116 કાઉન્સિલર છે. નવા સીમાંકનની સાથે સાથે ચૂંટાનારા કાઉન્સિલરમાં અનામત બેઠકોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબ તથા મહિલાઓને પણ અનામત સીટો ફાળવવામાં આવી છે. મનપાની 120 બેઠકોમાંથી 3 બેઠક શિડ્યુલ કાસ્ટ અને તેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.ચાર બેઠકો શિડ્યુલ ટ્રાઈબ માટે અનામત રાખવામાં આવી છે જેમાંથી બે બેઠક મહિલાઓ માટે રહેશે. 12 બેઠકો બેકવર્ડ કલાસ માટે રખાઈ છે જેમાંથી 6 બેકવર્ડ ક્લાસની મહિલાઓ માટે અનામત રહેશે.જ્યારે કુલ 120 બેઠકોમાંથી 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જેમાં શિડ્યુલ કાસ્ટ,શિડ્યુલ ટ્રાઈબ અને બેકવર્ડ ક્લાસનો પણ સમાવેશ થાય છે. 

વડોદરા મહાનગરપાલિકા:19 વોર્ડ-76 બેઠકમાં કોઇ ફેરફાર નહીં, 40થી 50 હજાર મતદાર વધશે 
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડની સંખ્યામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉના 19 વોર્ડ અને 76 બેઠક જ યથાવત રાખવામાં આવી છે. જોકે નવા સીમાંકન બાદ 40થી 50 હજાર મતદારોનો વધારો થશે. વડોદરા મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં અત્યારે 87 હજારની આસપાસ મતદારો છે. જોકે નવા સિમાંકન બાદ 5થી 6 વોર્ડમાં મતદારોની સંખ્યા વધશે. આ 5થી 6 વોર્ડમાં 90થી 92 હજાર મતદારો થઇ જશે. આમ નવા સીમાંકન બાદ વોર્ડના સીમાંકન અને મતદારોની સંખ્યામાં ફેરફાર થશે.


VMCમાં ST અને SCની અનામત બેઠકોમાં ફેરફાર
વડોદરા મહાનગરપાલિકામાં હાલ અનુસૂચિત જાતીની અનામત 5 બેઠકો છે. જેમાં 2 મહિલા અને 3 પુરૂષ માટે અનામત બેઠકો હતી. જોકે હવે નવા સિમાંકન પ્રમાણે 3 મહિલા અને 2 પુરૂષ માટે બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતી માટે 3 બેઠકો અનામત છે. જે પૈકી બે પુરૂષ માટે અને એક મહિલા માટે અનામત હતી. જોકે હવે નવા સીમાંકન બાદ 2 મહિલા અને 1 પુરૂષ માટે અનામત બેઠક જાહેર કરાઇ છે.

ગાંધીનગર મહાનગર પાલિકાઃ 3 વોર્ડ અને 12 કાઉન્સિલરનો વધારો
ગાંધીનગર મહાનગર પાલિકામાં 18 ગામડાં અને એક પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યા બાદ શહેરી વિભાગ દ્વારા વોર્ડની સંખ્યા અને કાઉન્સિલરોની સંખ્યામાં પણ વધારો કર્યો છે. જેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. હવેથી ગાંધીનગર મહાનગરપાલિકામાં 3 વોર્ડ અને 12 કાઉન્સિલરોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે જ નવા સીમાકંન મુજબ મહાનગરપાલિકામાં કાઉન્સિલરોની સંખ્યા 32થી વધીને 44 થશે. હાલ ગાંધીનગર મહાનગરપાલિકામાં 8 વોર્ડ અને 32 કાઉન્સિલરો છે, પરંતુ નવા સીમાંકન બાદ પાલિકામાં 11 વોર્ડ થશે અને 44 કાઉન્સિલરો થશે. 44 કાઉન્સિલરોમાં 22 બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ છે. 5 બેઠક SC માટે રિઝર્વ રાખવામાં આવી છે. જેમાંથી ત્રણ મહિલાઓ માટે હશે. ST માટે 1 બેઠક અનામત રખાઈ છે. જ્યારે 4 બેઠકો OBC માટે અનામત રખાઈ છે જેમાંથી બે બેઠકો મહિલાઓ માટે રિઝર્વ્ડ છે.

જામનગર મહાનગર પાલિકાઃ 16 વોર્ડ અને 64 બેઠક  
જામનગરમાં 16 વોર્ડ અને 64 બેઠક પૈકી SC માટે 4 જેમાંથી 2 મહિલા અનામત અને એક બેઠક ST મહિલા માટે રહેશે. 6 બેઠક પછાત વર્ગ માટે રહેશે તો 3 મહિલા અનામત માટે રહેશે. 32 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. 

ભાવનગર મહાનગર પાલિકાઃ 13 વોર્ડ અને 52 બેઠક 
ભાવનગરમાં 13 વોર્ડ પર 52 બેઠક યથાવત છે. જેમાં 52 બેઠક પૈકી 3 SC માટે અને તેમા 2 SC મહિલાઓ માટે બેઠક રહેશે. 5 બેઠક પછાત વર્ગ માટે રહેશે. જેમાં 3 મહિલા માટે અનામત રહેશે. તેમજ 26 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. 

સૌજન્ય – દિવ્ય ભાસ્કર

Leave a Response

error: Content is protected !!