Corona Update

રાજકોટના નર્સ કાજલબેને કહ્યું, મુખ્યમંત્રીએ પાઠવેલી શુભેચ્છાથી અમને નવી ચેતનાનો સંચાર થયો,

233views

કેમ છો? રાજ્ય – દેશ માટે ફ્રન્ટ વોરિયર્સ બનીને કામ કરી રહ્યા છો તે બદલ તમને શુભેચ્છા પાઠવું છું. તમામ નર્સ બહેનો માટે ગર્વની લાગણી અનુભવીએ છીએ…..’ આ શબ્દો જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમારી નર્સિંગ બહેનો માટે કહ્યા ત્યારે કોવિડ – 19ની લડાઈમાં જીત મેળવવા માટે નવી ચેતનાનો સંચાર થયો અને વર્ષ 2020ને ‘ નર્સ એન્ડ મીડ વાઈફ ’ તરીકે ઉજવીને લોકો કોરોનાની મહામારીમાં નર્સિંગ સ્ટાફની કર્તવ્ય પરાયણતાને હંમેશા યાદ રાખશે તે વાત અમારા માટે અવિસ્મરણીય બનશે. આ વાત કહેનાર છે રાજકોટ સિવિલમાં કોવિડ – 19ની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવનાર 38 વર્ષીય કાજલબેન સોઢાતરના.

Rajkot  Kovid 19 Hospital nurse Kajalben Sodhatar said that the greetings sent by the Chief Minister conveyed a new consciousness
ડોક્ટરો સાથે નર્સિંગ સ્ટાફ રાતદિવસ સેવામાં
કોરોના વાઈરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે આરોગ્ય કર્મીઓ એવા યુધ્ધના મેદાનમાં ઉતર્યા છે જ્યાં તેમને ખબર નથી કે તેમનો શત્રુ એટલે કે કોરોના વાઈરસથી ક્યાંથી તેમના પર પ્રહાર કરવાનો છે. આજે ડોકટરોની સાથે હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ દિવસ-રાત ફરિયાદ કર્યા વગર પોતાની સેવા આપી રહ્યો છે. સ્ટાફ આપ્તજન અને પરિવારની સુરક્ષા સામે જોખમ ઉઠાવીને અન્ય પરિવારોની સારવાર અને સુશ્રુષા કરી રહ્યા છે.
સંક્રમણ અટાવવા સ્વચ્છતા જાળવવા ભૂમિકા અદા કરે છે
છેલ્લા 13 વર્ષથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા કાજલબેન સોઢાતર 4 વર્ષીય દીકરીની માતા પણ છે. કોરોનાની મહામારીના સમયમાં તેઓ કોવિડ – 19 હોસ્પિટલમાં ઈન્ફેક્શન કંટ્રોલ નર્સ તરીકે પોતાની કામગીરી અદા કરી રહ્યા છે. હોસ્પિટલનો કોઈપણ સ્ટાફ તેમજ આવનાર દર્દી કોરોનાથી સંક્રમિત ન થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સુરક્ષા કવચની આગવી ભૂમિકા અદા કરી રહ્યા છે.
કાજલબેને કોવિડ દર્દીઓની સારવાર અને સ્વચ્છતાની માહિતી આપી
ઈન્ફેકશન કંટ્રોલર નર્સ તરીકે પોતાની કામગીરી અંગે જણાવતા કાજલબેને કહ્યું હતું કે, ‘ કોરોનાને મ્હાત આપવા માટે સ્વચ્છતાને અગ્રિમતા આપવી આવશ્યક છે. જે અન્વયે ઈન્ફેક્શન કંટ્રોલર નર્સ તરીકે મારી દેખરેખ હેઠળ કોવિડ હોસ્પિટલમાં સફાઈ કર્મીઓ પાસે ફ્લુ ઓપીડી તેમજ હોસ્પિટલના 4 ફલોર પર હાઈડ્રોકોન્ડ્રાઈટ સોલ્યુશનથી સફાઈ કરાવવામાં આવે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર દરમિયાન નીકળતા બાયોમેડિકલ કચરાને ડબલ પ્લાસ્ટિક બેગમાં ભરવામાં આવે છે. દરવાજાના હેન્ડલ, ડોરમેટ તેમજ દર્દીઓના શૌચાલયની દિવાલોને દર કલાકે હાઈપોક્લોરાઈટ સોલ્યુશનથી સાફ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર પી.પી.ઈ કીટને યોગ્ય રીતે ન કાઢવામાં આવે તો પણ કોરોના વાઈરસથી સંક્રમિત થવાની ભીતિ રહે છે. તે માટે નર્સિંગ સ્ટાફને પી.પી.ઈ કીટ કંઈ રીતે પહેરવી અને કંઈ રીતે કાઢવી તેનું પણ હું માર્ગદર્શન આપું છું. આપ કહી શકો કે ઈન્ફેકશન કંટ્રોલર નર્સ તરીકે કોવિડ – 19ના ફેલાવાના તમામ દરવાજાઓ બંધ કરવાની કામગીરી કરી રહી છું. ’
4 વર્ષની બાળકીથી અળગું રહેવાનો વસવસો
બાળપણથી જ પોતાના માતુને એક નર્સ તરીકે ફરજ બજાવતા જોયેલા કાજલબેને પોતાની લાગણીને રજુ કરતા વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં પગ મુકતાની સાથે ગર્વની લાગણીનો અનુભવ થાય છે કે જ્યાં કોઈ સેવા આપી શકતું નથી તે જગ્યાએ જઈને દર્દીની સેવા કરવાની તક મને નસીબે આપી છે. સાથો સાથ એક માતા તરીકે થોડો વસવસો પણ અનુભવાય છે કે, 4 વર્ષની દીકરીને સંક્રમણના ભયને કારણે પોતાનાથી અળગી રાખીને સુવા માટે મનાવવી પડે છે. 60 વર્ષીય સસરાની તબિયતનું પણ ધ્યાન રાખવું પડે છે. પરંતુ આ બધી  પરિસ્થિતિ માનસિક સ્વાસ્થ્ય જાળવીને દેશને કોરોના સામે જીત અપાવવાની છે.
પ્રાઈવેટ કરતાં કોવિડ હોસ્પિટલમાં સારી સારવાર
આ ઉપરાંત કોરોનાગ્રસ્ત દર્દીની સારવારમાં રાજકોટ કોવિડ – 19 હોસ્પિટલનો દરેક સ્ટાફ દર્દીને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. દર્દીની દરેક ઈચ્છાનું માન રાખવામાં આવે છે. અડધી રાત્રે પણ દર્દીને કંઈ જમવું હોય ભુખ લાગી હોય તો સ્ટાફ દ્વારા તેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. પ્રાઈવેટ હોસ્પિટલ કરતા પણ વધુ સારી સારવાર દર્દીને આપવામાં આવી રહી છે તેમ કાજલબેનએ જણાવ્યું હતું.
ફ્રન્ટ વોરિયર્સ દર્દીના પરિવારજનોની ભૂમિકામાં
આમ સલામ છે એ દરેક નર્સને જે કોરોનાના ફ્રન્ટ વોરિયર્સ અને ફરિશ્તા બનીને લોકોની સેવા કરી રહ્યા છે. સલામ છે નર્સ સિસ્ટરોને જે કપરા સમયમાં દર્દીઓના પરિવારજનની ભૂમિકા ભજવીને તેમને હિંમત અને સહાનુભૂતિ આપી રહ્યા છે. સલામ છે એ દરેક નર્સ બહેનો અને ભાઈઓને જે આઘારસ્તંભ બનીને લોકોને કોરોના મુક્ત કરીને નવું જીવન આપી રહ્યા છે.

સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Leave a Response

error: Content is protected !!