વિકાસની વાત

સાવધાની હટી તો દુર્ઘટના ઘટી… વાલી તરીકે તમારી ફરજ જાણો

266views

સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્ષ ની આગની દુર્ઘટનાએ આપણને અંદરથી ખળભળાવી મૂક્યા, આપણે અંદરથી વલોવાઈ ગયા. આ શું ઘટી ગયું? તેવું આપણે આપણને જ પૂછતાં થઈ ગયા!

જીવનમાં ઘણીબધી ઘટનાઓ ઘટે છે. આપણી સંવેદનાઓ સળવળે છે, રડે છે અને… આપણે થોડા સમય પછી રાબેતા મુજબ જીવન જીવવા લાગીએ છીએ. જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે પહેલા તો આપણે હો-હા કરી મૂકીએ છીએ. આ ઘટના માટે કોણ-કોણ દોષી કે જવાબદાર છે, કોણ-કોણ સજાને પાત્ર છે એ માટેનું આપણું મંતવ્ય આપવા લાગીએ છીએ.પણ… આપણે ક્યારેય આપણી અંદર નથી ઝાંખતા કે આવી દુર્ઘટના માટે આપણે કેટલા જવાબદાર છીએ! આવી દુર્ઘટના ન ઘટે તે માટે આપણે શું કરી શક્યા હોત કે શું કરી શકીએ એમ છીએ? દુર્ઘટના ન ઘટે અથવા તો ઘટ્યા પછી એક સંવેદનશીલ નાગરિક તરીકે આપણી ભૂમિકા શું હોઈ શકે એવા સવાલો આપણે આપણી જાતને પૂછવાની નૈતિક તાકાત આપણે કદાચ ગુમાવી દીધી છે. આપણે હંમેશા અન્યનું મૂલ્યાંકન કરવામાં પાવરધા છીએ પણ ખુદની જવાબદારી કે ભૂમિકા વિશે વિચારવાનો આપણામાં પાવર જ નથી!

સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગને લીધે ત્યાં ચાલતા કોચિંગ ક્લાસના કેટલાક વિદ્યાર્થીઓ ગૂંગળાઈ જવાથી તો કેટલાક પોતાનો જીવ બચાવવા ચોથે માળેથી પડતું મુકતાં આ કમજાત આગે તેમના જીવનદીપ સદાને માટે બૂઝાવી દીધા. આ કાળજું કંપાવનારી ઘટનામાં આપણે સરકારને, ફાયરબ્રિગેડ, બિલ્ડર, સંચાલક કે અન્ય જવાબદાર અધિકારીઓને આડે હાથ લીધા. અને એ જરૂરી પણ હતું અને જરૂરી છે. પણ.. એક વાલી કે માતાપિતા તરીકે આપણી ભૂમિકા શું છે તે આપણે કશું વિચાર્યું નહીં અને કદાચ કશું વિચારતા પણ નથી. આપણા વહાલા દીકરા-દીકરીની શાળામાં, કોચિંગ ક્લાસમાં કે અન્ય સ્થાનો કે જ્યાં તેઓ દિવસનો મોટાભાગનો સમય હાજર હોય છે ત્યાંની પ્રાથમિક સુવિધાઓ અને તેમની સુરક્ષા માટે શું વ્યવસ્થા છે તેની કદી તપાસ કરી છે ખરી? જો આપણે જ આપણા આ વહાલા સંતાનો માટે ચિંતિત ન હોઈએ તો અન્યને દોષી કેવી રીતે ગણી શકીએ. જો આપણે તેઓની સુરક્ષા બાબતે જાગૃતિ દાખવી હોત તો કદાચ આ આગ તેમનો વાળ પણ વાંકો ન કરી શકી હોત.

જો આપણે જ આપણા સંતાનોને અભ્યાસ, કારકિર્દી કે ઉજ્જવળ ભવિષ્ય માટે તેમની સગવડ અને સલામતી વિશે એક પણ સવાલ પૂછ્યા વગર લાયકાત વગરના ધંધાદારીના હાથમાં સોંપી દેતાં હોઈએ તો જે કાંઇ બન્યું તેના માટે વધારે જવાબદાર કોણ ગણાય તેવો સવાલ આપણે આપણી જાતને પૂછવો રહ્યો.

આંધળું અનુકરણ કે અન્ય સાથે તમારાં અનન્ય એવાં દીકરા કે દીકરીની સરખામણી કરવાથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ નહીં પણ અંધકારમય બની જતું હોય છે. તમારું સંતાન કોઈ વસ્તુ નથી કે તેનો બને તેટલો ઉપયોગ કરી લ્યો. મોટાભાગના વાલીઓની તેમના સંતાનોના ભવિષ્યની ચિંતાનું ભયમાં રૂપાંતરણ કરી ધંધાદારી ગુરુઓ પોતાનું ભવિષ્ય ચકચકિત બનવતાં હોય છે. સંતાનના ભવિષ્ય વિશે કોઈ ચિંતિત નથી હોતું. તગડી ફી લઈને તમારા સંતાનની આવડત, બુદ્ધિ અને ક્ષમતાના ઉપયોગથી મોટાભાગની શાળાઓ અને ટ્યૂશનની દુકાનો ચાલતી હોય છે. અને…આપણે આપણી વિચારક્ષમતા ને કોરાણે મૂકીને આપણા સંતાનમાં રહેલી ક્ષમતાઓ ને પૈસા ચૂકવીને ગીરવે મૂકીએ છીએ અને આપણી આ નબળાઈ અને કાલ્પનિક ભયનો ભરપૂર ઉપયોગ થાય છે.

તમારાં સંતાનને ઓળખવાનો પ્રયત્ન કરો. તેની સાથે સમય વિતાવો. તેની સાથે સહેજ પણ મોટા થયા વગર સંવાદ સાધો. તેની રસ-રુચિના વિષયો ઓળખી તેમાં આગળ વધવામાં હંમેશા તેની પડખે રહો. પરંપરાગત અભ્યાસમાં નબળું બાળક બીજી ઘણી વિશેષ આવડત ધરાવતું હોય છે. તમારી આશાઓ અને અપેક્ષાઓ ને બદલે તમારા સંતાનની રસ-રુચીને કેન્દ્રમાં રાખો. હંમેશા યાદ રાખો કે સર્વશક્તિમાન ઈશ્વરનું કોઈ સર્જન કદી નમાલુ કે નકામું નથી હોતું.

આ વર્ષે CBSE ના કુલ 29,70,000 વિદ્યાર્થીઓ એ ધો.10 અને ધો.12ની પરીક્ષા આપી. તેમાં ટોચ પર રહેલા 31 વિદ્યાર્થીઓ સાથે એક ન્યૂઝ પેપરની ટીમે સંવાદ કરેલો. તેનો તારણ એ છે કે 70% ટોપર્સ પર માતાપિતા કે વાલીઓનું જરા પણ સ્ટ્રેસ કે દબાણ નહતું. તેઓ સ્વપ્રયત્નથી ટોપ પર પહોંચ્યા હતા. આ 31 ટોપર્સ માંથી 21 વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના કોચિંગ ક્લાસમાં સમય બરબાદ કર્યા વિના ‘જાત મહેનત ઝીંદબાદ’થી મોખરે રહ્યાં છે!

વીસમી સદી ના મહાન વિજ્ઞાની આઈન્સ્ટાઈન એ કહેલું કે એક પરમાણું માં થતું કંપન સમગ્ર બ્રહ્માંડમાં વિસ્તરતું હોય છે. બસ એમ જ દેશમાં બનતી નાની મોટી ઘટનાઓ માટે થોડા ઘણાં અંશે આપણે પણ એટલા જ જવાબદાર છીએ તે પછી સ્વચ્છતા અભિયાન હોય, આતંકવાદી હુમલો હોય કે પછી સુરતમાં આપણા માસુમોનો ભોગ લેનાર આગનું તાંડવ હોય.

એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે આપણી અંદર ઝાંખીએ. જવાબદાર બનીએ. આપણા હકોને ઓળખી અન્યને તેની જવાબદારીનું ભાન કરાવીએ.

દેશ આપણો છે. સરકાર આપણે બનાવીએ છીએ. સરકાર કરતાં એક નાગરિક તરીકે આપણી જવાબદારી ઘણી મોટી છે.

-નીતા ત્રિવેદી
Email :[email protected]

 

Leave a Response

error: Content is protected !!