રાજનીતિ

ભારતમાં આવેલી મંદી આંશિક અને અસ્થાયી, તેજીનું પુન:આગમન:મુકેશ અંબાણી

120views

એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ, ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં માલિક મુકેશ અંબાણીએ જણાવ્યું કે, દેશનાં અર્થતંત્રમાં જે મંદી દેખાઈ રહી છે, તે વધારે દિવસો માટે નથી. સરકારે હાલમાં જે પગલા ઉઠાવ્યા છે, તેના કારણે દેશના અર્થતંત્રને વેગ મળશે. આ સુધારાની અસર આગામી ત્રિમાસિક ગાળાના પરિણામોમાં જરૂર જોવા મળશે. મંગળવારે સાઉદી અરેબિયામાં આયોજિત એક કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં આવેલી મંદી આંશિક અને અસ્થાયી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લીધેલા નિર્ણયો ખૂબ જ અસરકારક સાબિત થશે. મોદી સરકારે છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવવા જે પગલાઓ ભર્યા છે, તે આગામી વર્ષોમાં અર્થતંત્રમાં મોટો હકારાત્મક સુધારો લાવશે.

નવી ટેકનોલોજીનું આગમન અનિશ્ચિતતાની સાથે અવનવી તકો પણ લઈ આવે છે. વિશ્વ દરરોજ બદલાઈ રહ્યું છે જેને કારણે વિશ્વનાં અર્થતંત્રનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. વિશ્વનું બદલાતું રહેતું અર્થતંત્રનું સ્વરૂપ અનિશ્ચિતતા લાવે છે જેથી મંદી આવે છે પરંતુ એ જ સમયે નવી તકો પણ ઉદભવે છે. આમ, ભારતમાં રોકાણ કરતા ઉદ્યોગપતિ તરીકે મુકેશ અંબાણીએ ખાતરી આપી છે કે, ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીની અસર આવતા ક્વાર્ટરમાં ધીરે ધીરે ઘટશે. છેલ્લા બેથી ત્રણ વર્ષમાં ઘણા મોટા ફેરફારો થયા છે. છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક મહિનામાં સરકારે સાવચેતી માટે આવા ઘણા નિયમો બનાવ્યા છે, જેનાથી આર્થિક સુધારાને વેગ મળ્યો છે. ભારતમાં તેજીનો માહોલ પરત ફરી તેજીનું પુન: આગમન થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે હાલમાં જ મોદી સરકારે ઘણાબધા નિર્ણયો લીધા છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો તેમજ સરચાર્જ હટાવવામાં આવ્યા છે ઉપરાંત નોન બેકિંગ નાણાકીય કંપનીઓની સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. બેંકોને નવી રકમ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભારતીય અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલરની બનાવવાનાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ હેતુસર સરકારે જે મોટા ફેરફારો કર્યા છે તે આવનારા સમયમાં ભારતીય અર્થતંત્રનાં વિકાસને વેગ આપશે. ભારતીય અર્થતંત્રની હજુ થોડા જ સમય પહેલાં વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામી રહેલી અર્થવ્યવસ્થા તરીકે પ્રશંસા કરવામાં આવી છે એવા સમયે ભારતીય અર્થતંત્રમાં જોવા મળતી સહેજ મંદી કામચલાઉ – ટૂંકાગાળાની છે. જે ટૂંકસમયમાં દૂર થશે અને સંપૂર્ણ તેજી છવાઈ જશે.

Leave a Response

error: Content is protected !!