રાજનીતિ

‘વાહ ભાઈબંધી હોય તો આવી’ મોર અને ભાવનગરના દશરથસિંહની ભાઈબંધી સોશિયલ મીડિયામાં વાઈરલ

287views

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના છેવાડે વાવડી નામનું એક ગામ આવેલું છે, આ ગામના પાદરમાં દશરથસિંહ ગોહિલ નામના વ્યક્તિની વાડી આવેલી છે, જ્યાં રોજ અનેક મોર આવતા હોય છે, ત્યારે એમાંના એક મોર સાથે વાડી માલિકને ગાઢ મિત્રતા થઈ ગઈ છે. અને આ મિત્રતા પણ એવી છે કે, એ મિત્રને સાદ પાડતા જ મિત્ર દોડી આવે છે. એટલું જ નહિ, વાડીના માલિક દશરથસિંહ પોતાની વાડીએ આવે ત્યારે આ મોર તેઓને આવકારવા છેક દરવાજા સુધી જાય છે. જાણે મહેમાનને આવકારતા હોય તેમ તેમની સાથે સાથે ચાલતો આવે છે. વાડીમાં આંટાફેરા મારતા સમયે મોર પણ વાડીના માલિક સાથે ચાલતો નીકળે છે. વાડીના માલિક પોતાના મિત્ર મોરને પોતાની સાથે ખાટલા પર બેસાડે છે અને તેને ખાવાનું એટલે કે દાણાં નાખે છે, જે મોર હોંશે હોંશે તેમના હાથમાંથી ખાય છે. જ્યારે બાદમાં બંને જણા જાણે વાતો કરતા હોય એમ દશરથસિંહના અવાજ સામે મોર પણ સૂરીલો સાદ પુરાવે છે, મોર અને માનવીની આ મિત્રતાને લોકો દૂર દૂરથી જોવા આવે છે. લોકો આ મિત્રતાના ખૂબ વખાણ કરી રહ્યાં છે

Leave a Response

error: Content is protected !!