વિકાસની વાત

વડાપ્રધાનનું વિપક્ષને સંબોધન, પક્ષ-વિપક્ષ ભૂલી નિષ્પક્ષ બની જનકલ્યાણનાં કામો કરીએ

103views

17મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઇ ચુક્યું છે ત્યારે વડાપ્રધાન મોદીએ વિપક્ષીઓને સંબોધન કરતા સત્ર વ્યવસ્થિત રીતે ચાલે એમાં સહયોગ આપવા કહ્યું છે. લોકતંત્રમાં વિપક્ષની સકારાત્મક ભૂમિકાને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષ નંબર એટલે કે બેઠકોની સંખ્યા ન જુએ. સાથે જ કહ્યું કે લોકસભાના આ પાંચ વર્ષમાં પક્ષ-વિપક્ષ કરતા નિષ્પક્ષ બની જનકલ્યાણના કામો કરીએ.

પક્ષ-વિપક્ષ ભૂલી નિષ્પક્ષ બની જનકલ્યાણનાં કામો કરીએ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકતંત્રમાં સક્રિય અને સામર્થ્યવાન વિપક્ષનું હોવું અનિવાર્ય છે, આથી જ વિપક્ષ પોતાને કેટલી બેઠક મળી છે અ ન જુએ. દેશની જનતાએ વિપક્ષને આટલી બેઠકો આપી છે. માટે વિપક્ષે આ ચિંતા છોડી દેવી જોઈએ કે તેમને ઓછી બેઠકો મળી છે. વડાપ્રધાને કહ્યું કે અમારા માટે વિપક્ષનો દરેક શબ્દ, દરેક ભાવના મૂલ્યવાન છે. જયારે લોકસભામાં બધા સાંસદ તરીકે બેસે છે, પક્ષ કે વિપક્ષ તરીકે નહી. આથી પક્ષ-વિપક્ષમાં ન વહેંચાઇને આપણે નિષ્પક્ષ બનીએ અને પાંચ વર્ષમાં જનકલ્યાણનાં કાર્યો કરીએ.

દરેક ચૂંટણીમાં લોકતંત્રની શક્તિનો અનુભવ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 17મી લોકસભામાં નવા સાંસદ સભ્યો જોડાયા છે એમની સાથે નવો ઉમંગ-ઉત્સાહ અને નવા સ્વપ્નો પણ જોડાયા છે. દરેક ચૂંટણીમાં આપણને લોકતંત્રની શક્તિનો અનુભવ થાય છે. આઝાદી બાદ સૌથી વધુ પ્રમાણમાં મહિલાઓનું મતદાન થવું અને મહિલા સાંસદ ચૂંટાવા એ લોકતંત્રની શક્તિ છે.

અનેક દાયકા બાદ બીજીવાર પૂર્ણ બહુમત વાળી સરકાર બની

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશના લોકતંત્રના ઈતિહાસમાં અનેક દાયકા બાદ બીજી વાર પૂર્ણ બહુમત વાળી સરકાર બની છે. બીજીવાર પૂર્ણ બહુમત અને પહેલાં કરતા વધુ બેઠકો સાથે દેશની જનતાએ સેવા કરવનો અવસર આપ્યો છે. ગત પાંચ વર્ષનો અમારો અનુભવ રહો છે કે જયારે પણ સદનની પ્રક્રિયા તંદુરસ્ત વાતાવરણમાં ચાલી છે ત્યારે ઘણી સારી રીતે દેશહિતનાં નિર્ણયો લેવાયા છે. આ બધાં અનુભવોને આધારે હું આશા રાખું છું કે તમામ દળ ખુબ જ ઉત્તમ પ્રકારની ચર્ચા કરે.

સૌનો સાથ સૌનો વિકાસમાં દેશની જનતાનો વિશ્વાસ

વડાપ્રધાન મોદીએ વિપક્ષને કહ્યું કે પાંચ વર્ષ પહેલાં અમે અમારી યાત્રાનો પ્રારંભ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે કર્યો હતો. દેશની જનતાએ સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્રમાં અદ્ભુત વિશ્વાસ ભર્યો છે. એ જ વિશ્વાસને સાથે લઈને અમે દેશના સામાન્ય માનવની આકાંક્ષાઓ-સ્વપ્નો પુરા કરવાનો સંકલ્પ લઈને આગળ વધવાનો પ્રયાસ કરીશું.

સરકારની તર્કબદ્ધ ટીકા પણ મહત્વની

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સદનમાં જયારે કોઈ સાંસદ કોઈ ઉત્તમ વિચાર રજૂ કરે છે ત્યારે ચર્ચા બહું મહત્વની બની જાય છે.પરંતુ મોટા ભાગના વિચારોમાં રચનાત્મક હોવાથી તેણે મહત્વ આપવામાં આવતું નથી. પરંતુ ક્યારેક આવા સાંસદોને પણ મહત્વ આપવામાં આવે છે. જયારે કોઈ સાંસદ સરકારની તર્કબદ્ધ રીતે ટીકા કરે છે  ત્યારે લોકતંત્રને બળ મળે છે.

લોકતંત્રને મજબૂત બનાવવા વિપક્ષ પાસે ઘણી અપેક્ષાઓ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકતંત્રને મજબૂત બનાવવા એમની વિપક્ષ પાસે ઘણી અપેક્ષાઓ છે. શરૂઆતમાં વિપક્ષ આ અપેક્ષાઓ પૂર્ણ કરે છે પણ આ ભાવના પાંચ વર્ષ સુધી પ્રબળ રહેવી જોઈએ. વિપક્ષની ભૂમિકા અને વિચારો સકારત્માક હશે તો સદનને સકારાત્મક દિશામાં લઇ જવાનું સૌને ગમશે. અને આથી જ હું તમામ વિપક્ષને નિમંત્રણ આપું છું કે નવી ઉર્જા, નવો વિશ્વાસ, નવા સંકલ્પ, નવા સ્વપ્નોની સાથે સાથે મળીને આગળ ચાલીએ. દેશની સામાન્ય જનતાની આકાંક્ષાઓને પૂરી કરવામાં કોઈ કચાશ ન રાખીએ.

[youtube https://www.youtube.com/watch?v=ukbIMeKO33c]

Leave a Response

error: Content is protected !!