રાજનીતિ

લોકસભા બાદ રાજ્યસભામાં પણ ગર્જ્યા વડાપ્રધાન મોદી, વાંચો વડાપ્રધાન મોદીના ભાષણની ખાસ વાતો

131views

લોકસભા બાદ રાજ્યસભામાં પણ વડાપ્રધાન મોદીના સંબોધન દ્વારા રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા પૂર્ણ થઇ. આભાર પ્રસ્તાવમાં લોકસભા બાદ રાજ્યસભામાં પણ વડાપ્રધાન મોદી ગર્જ્યા હતાં. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા.વાંચો વડાપ્રધાન મોદીના સંબોધનની ખાસ વાતો

અહંકારને કારણે હારેલી કોંગ્રેસે લોકતંત્રનું અપમાન કર્યું

લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળતા કોંગ્રેસનાં કોઈ નેતાએ કહ્યું હતું કે દેશ હારી ગયો. આનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પોતાના અહંકારનાં કારણે હારી છે. કોંગ્રેસ હારવાથી દેશ નથી હારી જતો, કોંગ્રેસ અને દેશ બંને અલગ છે. શું કોંગ્રેસ જ્યાં જીતી છે એ વયનાડ, રાયબરેલી, બેહરામપુર અને તિરુવનંતપુરમમાં પણ દેશ હારી ગયો ? કોંગ્રેસે આવું કહી દેશનાં કરોડો મતદાતાઓ અને લોકતંત્રનું અપમાન કર્યું છે. અહંકારની પણ એક મર્યાદા હોય છે, પણ કોંગ્રેસ તેના અહંકારને કારણે જ હારી છે.

દેશની મીડિયાને બીકાઉ કહેવી દુર્ભાગ્યપૂર્ણ

વડાપ્રધાને કહ્યું કે ભાજપને પૂર્ણ બહુમત મળ્યો એમાં કોંગ્રેસ કહે છે કે દેશની મીડિયાને કારણે ભાજપની જીત થઇ, મીડિયા બીકાઉ છે. વડાપ્રધાને કહ્યું કે દેશની મીડિયાને બીકાઉ કહેવી એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. શું આ વાત તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યમાં પણ લાગુ પાડી શકશો કે જ્યાં ભાજપ નથી ?

કોંગ્રેસે દેશનાં 15 કરોડ ખેડૂતોનું અપમાન કર્યું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કિસન સમ્માન નિધિ યોજનાને લઈને કોંગ્રેસે એવું કહ્યું કે બે બે હજારની રકમ ચૂકવીને દેશનાં ખેડૂતોને ખરીદી લેવામાં આવ્યાં. આ દેશનો ખેડૂત બીકાઉ નથી. દેશનાં ખેડૂતોને બીકાઉ કહી કોંગ્રેસે કોંગ્રેસે દેશના 15 કરોડ ખેડૂતોનું અપમાન કર્યું છે.

EVM પર સવાલો ઉભા કરવાં કોંગ્રેસની બીમારી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ જયારે જયારે પણ હારે છે ત્યારે EVMને દોષ આપે છે. આત્મચિંતન કરવાં અને પોતાની ભૂલો સુધારવાને બદલે કોંગ્રેસ પોતાની હાર મારે EVM ને જવાબદાર ગણાવે છે. જયારે પોતાના પર ભરોસો નથી હોતો, સામર્થ્ય નથી હોતું ત્યારે હાર માટે બહાના ગોતવા પડે છે. વડાપ્રધાને રાજ્યસભામાં EVM નાં ઈતિહાસ વિષે પણ વાટ કરી. એમણે કહ્યું કે 1982માં પહેલી વખત ઈવીએમનો ઉપયોગ કરાયો. 1988માં આ ગૃહમાં બેસેલા સભ્યોએ તેને કાયદાકીય મંજૂરી આપી હતી. 1988માં કોંગ્રેસે ઈવીએમ અંગે નિયમો બનાવ્યા હતા. વર્ષોના પરીક્ષણ માટે દેશની તમામ ન્યાયપાલિકાઓએ ઈવીએમ અંગે સકારાત્મક નિર્ણય આપ્યો હતો.2017માં જ્યારે વિવાદ સર્જાયો ત્યારે ચૂંટણી પંચે ચેલેન્જ આપી હતી કે તમે આવો અને ગરબડ શોધી આપો. જે લોકો રોદડાં રડી રહ્યા હતા તેમાંથી એક પણ ત્યાં ગયું ન હતું. અમે ટેકનોલોજી સમજવાનો પ્રયાસ કર્યો, પછી વીવીપેટની વાત સામે આવી. વારંવાર સુપ્રીમ કોર્ટમાં ગયા. ચૂંટણીના વાતાવરણને ખરાબ કરવાનો પ્રયાસ કરાયો હતો. જેટલી આશંકાઓ હતી, આપણે  બધા સાક્ષી છીએ કે વીવીપેટે ફરી ઈવીએમની તાકાતને વધારી દીધી હતી.

કોંગ્રેસને ભ્રષ્ટાચાર વાળું OLD INDIA જોઈએ છે

રાજ્યસભામાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે વડાપ્રધાન પોતાનું ન્યુ ઇન્ડિયા પોતાની પાસે રાખે, અમને OLD INDIA આપી દે. આના પર જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસને કયું OLD જોઈએ છે ? જ્યાં જલ, થલ, અને નભમાં ભ્રષ્ટાચાર થતાં હતાં એ OLD INDIA ? જ્યાં પીકનીક માટે નૌસેનાનાં જહાજો ઉપયોગમાં લેવાતા હતાં એ OLD INDIA ? જ્યાં પત્રકાર પરિષદમાં કેબીનેટનાં નિર્ણયો ફાડી નાખવામાં આવતા હતાં એ OLD INDIA ?  દેશની જનતા એ OLD INDIA ને જરા પણ સ્વીકારતી નથી. દેશની જનતા નવા ભારત માટે પ્રતીક્ષા કરી રહી છે, આપણે બધાએ મળી દેશનાં સામાન્ય માનવીના સ્વપ્ન પૂર્ણ કરવાં પ્રયત્નો કરવાં જોઈએ.

કોંગ્રેસને દરેક યોજનામાં નકારાત્મકતા દેખાય છે

વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસને NDA સરકારની દરેક યોજનામાં નકારાત્મકતા દેખાય છે. કોંગ્રેસની નકારાત્મકતા અને વિરોધાભાસ એટલી હદ સુધી વધી ગયા છે કે શૌચાલય, જનધન, યોગ અને ત્યાં સુધી કે મેક ઇન ઇન્ડિયાનો પણ વિરોધ કરે છે.

NRC નું ક્રેડીટ લે કોંગ્રેસ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આસામમાં NRC ડ્રાફ્ટ રાજીવ ગાંધી લાવ્યા હતાં. માટે કોંગ્રેસે એનું ક્રેડીટ લઇ NRC લાગુ કરવામાં સહમત થવું જોઈએ. પણ કોંગ્રેસ આનું ક્રેડીટ લેવાને બદલે વિરોધ કરે છે. એક બાજુ કહે છે NRC અમે લાવ્યા અને બીજી બાજુ વિરોધ કરે છે.

ગુજરાત બહાર કોંગ્રેસ સરદારને ભૂલી જાય છે

વડાપ્રધાને સરદાર પટેલને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. એમણે કહ્યું કે કોંગ્રેસે એમને ગૃહપ્રધાન બનાવ્યા, પણ જો સરદાર પટેલને વડાપ્રધાન બનાવ્યા હોત તો આજે કાશ્મીર સમસ્યા ન હોત. સરદાર કોંગ્રેસનાં નેતા હોવા છતાં અમે સરદારને સન્માન આપ્યું અને ગુજરાતમાં તેમની સૌથી મોટી પ્રતિમા લગાવી. પણ કોંગ્રેસે આજ દિવસ સુધી સરદાર સાહેબને સન્માન નથી આપ્યું. જયારે ગુજરાતમાં ચૂંટણી હોય ત્યારે જ કોંગ્રેસનાં બેનરમાં સરદાર દેખાય છે, ગુજરાત બહાર કોંગ્રેસ સરદારને ભૂલી જાય છે.

વડાપ્રધાને ગુલામ નબીને કહ્યું, “કુછ દિન તો ગુજારીએ ગુજરાતમેં”

સરદાર પટેલની વાત કરતા વડાપ્રધાને કહ્યું કે અમે સરદાર સાહેબના સન્માનમાં ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી ઉંચી પ્રતિમા લગાવી છે. કોંગ્રેસ નેતા ત્યાં આવે અને સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરે. આવું કહી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને કહ્યું કે કુછ દિન તો ગુજારીએ ગુજરાતમેં”

બિહારમાં મગજનો તાવ આપણા બધાં માટે શરમની વાત

આ બધાં નિવેદનો વચ્ચે વડાપ્રધાને કહ્યું કે બિહારમાં મગજના તાવને કારણે ઘણાં બાળકોના મૃત્યુ થયાં. આ ઘટના આપણા બધાં માટે શરમ અને દુઃખની વાત છે. આપણે બધાંએ મળીને આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને તમામ મદદ કરી રહી છે.

એક ઘટનાથી પુરા ઝારખંડને દોષ આપવો ખોટી વાત

ઝારખંડમાં મોબ લીન્ચિંગમાં એક યુવકની હત્યા થઇ. આ નાગે કોંગ્રેસે રાજ્યસભામાં કહ્યું કે ઝારખંડ મોબ લીન્ચિંગનો અડ્ડો બની ગયો છે. વડાપ્રધાને આ વાત અંગે કહ્યું કે એક ઘટનાથી પુરા ઝારખંડને દોષ આપવો ખોટી વાત છે. યુવકની હત્યાનું દુઃખ માને પણ છે, દોષીઓને સજા મળવી જ જોઈએ. પણ આના માટે સમગ્ર રાજ્યને દોષ આપવો જોઈએ નહી.

[youtube https://www.youtube.com/watch?v=djMhfCRHZ-Y]

Leave a Response

error: Content is protected !!