Corona Update

99 વર્ષના પૂર્વ MLAએ મરણમૂડીના રૂ.51 હજાર દાનમાં આપ્યા, PM મોદીએ ફોન કર્યો, સાંભળો વાતચીતના અંશો

1.33Kviews

 

નરેન્દ્ર મોદી અને રત્ના બાપા સાથે થયેલી વાતચીતના અંશો

વડાપ્રધાન: હા બાપા તમારી તબીય કેમ છે
રત્નાબાપા: મારી તબીયત તો ઠીક પણ કાને સાંભળી શકતો નથી, 100માં એક વર્ષ ઓછુ રહ્યું છે
વડાપ્રધાન: મને યાદ કરો છો
રત્નાબાપા: યાદ તો કરતો હોવ ને..દેશનું ભલું કરો છો…અમે તો નથી કંઇ કરી શકતા
વડાપ્રધાન: પણ રત્નાબાપા અમે તો તમને બહું જ યાદ કરીએ છીએ.
રત્નાબાપા: તમે બધા લોકોને સમજાવો નહીંતર તેની પર તૂટી પડો.
વડાપ્રધાન: બાપા જૂનું કંઇ યાદ કરો છો, હું ઘરે આવતો તે યાદ આવે છે.
રત્નાબાપા: તમે બોલો એ હું સાંભળી શકતો નથી, ધનજી સાથે વાત કરો
વડાપ્રધાન: ધનજીભાઇ બાપાને પૂછો હું આવતો તે યાદ આવે છે.
ધનજીભાઇ: તમે અને શંકરસિંહ બાપુ આવ્યા હતા ને બીલખા તે યાદ કરે ઘણીવાર, આપણે ત્રણ કલાક બેઠા હતા સાથે.
વડાપ્રધાન: (હસવા લાગે છે) હા
ધનજીભાઇ: અત્યારે તો એ જ કહેતા હોય છે કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બધે સારૂ કરે છે, 17 તારીખે મને કે હાલ ચેક દેવા જાવું છે
વડાપ્રધાન: હા મેં જોયું એટલે જ ફોન કર્યો, તબીયત કેમ રહે છે.
ધનજીભાઇ: કલેક્ટર કચેરીએ ગયો તો લીફ્ટ પણ બંધ હતી છતાં દાદરો ચડી ઉપર ગયા, કલેક્ટર કચેરીના પટ્ટાવાળા કે હાલો બાપા તમને લેવા લાગું તો કે ના ના
વડાપ્રધાન: બસ બાપાને મારા પ્રણામ કહી દેજો ભઇલા, ખાસ યાદ આવ્યા એટલે ફોન કર્યો.
ધનજીભાઇ: વચ્ચે રાજુભાઇ ધ્રુવ અને રૂપાલા સાહેબ આવ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે, ચાલો એક દિવસ દિલ્હી લઇ જાવા છે, બાપા કે આમાં હાલી શકીએ નહીં
વડાપ્રધાન: ધનજીભાઇ છોકરાવ શું કરે છે
ધનજીભાઇ: છોકરા બધા અલગ અલગ ફિલ્ડમાં છે એક જર્મની છે.
વડાપ્રધાન: ચાલો પ્રણામ કહેજો બાપાને ફરી મારા.

કોણ છે રત્નાબાપા જે સોશિયલ મીડિયામાં છવાય ગયા

એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, ‘દાદા, કેટલા વરસ થયા ?’ દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ‘ભાઈ 99મું ચાલે છે’. ચોકીદારે પૂછ્યું , ‘કોઈ મદદ લેવા આવ્યા છો ?’ દાદાએ કહ્યું, ‘ના ભાઈ કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. મારી પાસે અંગત બચતની થોડી રકમ પડી હતી તેમાંથી 51000નો ચેક કલેક્ટર સાહેબને આપવા આવ્યો છું.’

આ દાદાનું નામ છે રત્નાભાઈ મનજીભાઈ ઠુમર. તમને જાણીને આશ્વર્ય થશે કે 99 વર્ષના આ દાદા 1975થી 1980ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે.

ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે અપીલ કરી હતી. રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ 99 વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો.

51000નો ચેક જૂનાગઢના એડિશનલ કલેક્ટરને અર્પણ કર્યો ત્યારે રત્નાબાપાએ કહ્યું, ‘સાહેબ, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડીઘણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું.’

Leave a Response

error: Content is protected !!