રાજનીતિ

રાજકીય રસિયાઓ માટે ખાસ લેખ : રાજ્યસભાનું ગણિત અઘરૂ લાગે છે ? અહિં સમજી લો સાવ સરળ ભાષામાં

1.26Kviews
  • રાજ્યસભાનું મહત્વ

રાજ્યસભા અને લોકસભા એ ભારતીય સંસદના બે ગૃહો છે જેમાં રાજ્યસભા ઉપલું ગૃહ મનાય છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 80 દ્વારા રાજ્યસભાની મહત્તમ સંખ્યા 250 સભ્યોની નક્કી કરવામાં આવેલી છે. જે પૈકી 238 સભ્યો જુદાં-જુદાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે જુદાં-જુદાં ક્ષેત્રોમાંથી 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા સરકારની ભલામણથી નિમણૂક કરવામાં આવે છે.જોકે, હાલમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા 245 રાખવામાં આવી છે. જે પૈકી 233 સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાય છે જ્યારે 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે.

  • રાજ્યસભાના વોટનું ગણિત

લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી સીધી લોકો વચ્ચે જઈને કરવામાં આવે છે જ્યાં સામાન્ય નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સાંસદ કે વિધાનસભ્યને ચૂંટે છે જ્યારે રાજ્યસભાની ચૂંટણીના મતદારો સામાન્ય નાગરિક ને બદલે વિધાનસભાના સદસ્યો હોય છે. રાજ્યાસભાના વોટનું એક ચોક્કસ ગણિત છે તે મુજબ વોટ ગણવામાં આવે છે તથા કેટલા વોટથી જીતી શકાય તે નક્કી થાય છે. આ ગણિત આ મુજબ છે રાજ્ય વિધાનસભાના કુલ સદસ્યોના આંકને રાજયસભાની કુલ ખાલી સીટ વત્તા 1 વડે ભાગાકાર કરીને આવતી સંખ્યામાં 1 ઉમેરતા જે સંખ્યા આવે તેટલા પ્રાથમિક વોટ જે ઉમેદવારને મળે તે વિજેતા ગણાય. હાલમાં ગુજરાતની વિધાનસભાની કુલ સીટ 182 છે જેમાંથી 2 સીટ મોરવાહડફની સીટ ખાલી છે અને 2017માં થયેલી ચુંટણીમાં દ્વારકાની ચૂંટણી હાઈકોર્ટે રદ્દ કરી દેતાં ગુજરાત વિધાનસભામાં હાલ 180 વિધાનસભ્યો છે. આ ગણતરી મુજબ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને ગુજરાત વિધાનસભ્યોની કુલ સંખ્યા 180/(11+1)12 =36+1=37 અર્થાત કોઈપણ ઉમેદવારને જીતવા માટે 37 વોટ મેળવવા જરૂરી છે.

  • ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી અને રાજનીતિના આટાપાટા

ગુજરાત રાજ્યસભાની ચુંટણીમાં કુલ 4 સીટ સામે ભાજપે 3 અને કોંગ્રેસે 2 એમ કુલ 5 ઉમેદવારો ઊભા રાખતા અત્યંત રોચક બની ગઈ છે. હાલની વિધાનસભાની સ્થિતિ ભાજપ 103, કોંગ્રેસ 73, એનસીપી 1, બીટીપી 2, એનસીપી 1 અને 1 અપક્ષ તથા 2 સીટ ખાલી છે આ મુજબની છે, વર્તમાન સ્થિતિ જોતાં કોંગ્રેસને પોતાના 2 ઉમેદવારો જીતાડવા માટે કુલ 74 વોટની આવશ્યકતા છે જે કોંગ્રેસ અને તેના ટેકાથી જીતેલા અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણી કોંગ્રેસને વોટ આપશે એવું ગણતા સુરક્ષિત રીતે જીતી જાય તેમ છે, જ્યારે સામેપક્ષે ભાજપને પોતાના 3 ઉમેદવારો જીતાડવા માટે કુલ 111 વોટની આવશ્યકતા છે જયારે ભાજપની સંખ્યા 103ની છે. ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ અને રોચક બનવાનું આ મુખ્ય કારણ છે. ભાજપે પોતાના ત્રીજા ઉમેદવાર તરીકે ભુતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નરહરી અમીનનું નામ જાહેર કરતાં રાજકીય આલમમાં ઉત્તેજના અને રહસ્ય વ્યાપી ગયું છે. નરહરી અમીનનું નામ જાહેર કરીને ભાજપની નેતાગીરીએ એક કાંકરે અનેક પક્ષીનું નિશાન સાધ્યું છે. એક તરફ નરહરી અમીન ભુતપૂર્વ કોંગ્રેસી અને કદાવર પાટીદાર નેતા છે. આ તેઓ નાતે કોંગ્રેસના મતોમાં ભંગાણ પડાવી શકે છે એવી ગણતરી હોઈ શકે છે તો ઘણા સમયથી અસંતુષ્ટ દેખાતા પાટીદાર નેતા અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને પણ આડકતરો સંદેશ આપી દેવામાં આવ્યો છે, આ ઉપરાંત પક્ષ પાસે પાટીદાર નેતા નહીં હોવાની અફવાઓને પણ જવાબ આપી દેવાયો છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશના કદાવર અને શક્તિશાળી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડવાથી ગુજરાત કોંગ્રેસમા એવું ના બને તેનું ધ્યાન રાખીને સ્થાનિક નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની જાહેરાત કરી છે.

Leave a Response

error: Content is protected !!