જાણવા જેવુરાજનીતિ

રૂપાણી સરકારના આ ઐતિહાસિક નિર્ણયોથી ‘રિયલ એસ્ટેટ ક્ષેત્રે’ રેકોર્ડ બ્રેક તેજીના સંકેતો

94views

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં બાંધકામ ક્ષેત્રને વેગ મળે તે હેતુસર સંખ્યાબંધ નવી જાહેરાતો કરી છે.

જેમાં પ્રમુખ મહત્ત્વપૂર્ણ જોગવાઈઓમાં અમદાવાદ સહિત ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓના વિસ્તારોમાં ૩૬ મીટર કે તેથી વધુ પહોળા અને ૪૫ મીટરથી નાના રસ્તા ઉપરના બાંધકામોમાં ૩.૬ FSI આપવાનું તથા ૪૫ મીટર કે તેથી વધુ પહોળા રસ્તા ઉપરના બાંધકામોમાં ૪ FSI આપવાનું તેમજ રસ્તાની બંને બાજુ ૨૦૦ મીટર સુધી જે ઝોનમાં બેઈઝ FSI ૧.૫ અથવા વધુ હોય ત્યાં બાકીની FSI ચાર્જેબલ ગણવાનું નક્કી કર્યું છે. આ કેટેગરીનાં મહાનગરો-શહેરોમાં સત્તામંડળના વિસ્તારોમાં અગાઉ ૧.૨ FSI મળતી હતી, તે વધારીને હવે ૧.૮ FSI આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ બાંધકામ ક્ષેત્ર માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી દિવાળી અગાઉ દિવાળી ભેટ આપી છે. આ સાથે જ ગુજરાતે નગરો-મહાનગરોમાં બાંધકામ ક્ષેત્રને સ્પર્શતા પ્રશ્નોનાં ત્વરિત નિવારણમાં અગત્યપૂર્ણ આગેકૂચ કરી છે. રાજ્યનાં સમગ્ર વિસ્તારમાં અમલી કોમ્પ્રેહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (CGDCR)ને વધુ સરળ અને સંક્ષિપ્ત બનાવવાના ભાગરૂપે તેમજ ફાયર સેફ્ટીને વધુ સુદ્રઢ બનાવી લોકોનાં હિતનું રક્ષણ કરવા CGDCRને મુખ્યમંત્રીશ્રીએ આખરી મંજૂરી આપી છે. અત્યાર સુધી બિલ્ડીંગ કન્ટ્રક્શનમાં અલગ અલગ નિયમ હતા. આગામી સમયમાં ગુજરાતમાં કોમન GDCRનો અમલ થશે. લાંબા સમયથી ગુજરાતમાં એફએસઆઈ અને ટીપીની પડતર માગણીઓ હતી જેને સંવેદનશીલ સરકારે મંજૂર કરી દીધી છે અને હવે સમગ્ર રાજ્ય માટે કોમન જીડીસીઆર હશે. સમગ્ર રાજ્યમાં કોમન જીડીસીઆર બાંધકામ માટે રહેશે જેનો લાભ તમામ ડેવલપર્સ-કસ્ટમર્સ એમ બંનેને મળશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યનાં શહેરી વિસ્તારોનાં બાંધકામ ક્ષેત્ર માટે કરેલી મહત્ત્વની ૧૦ જાહેરાતો :

૧. સોસાયટીઓના કોમન પ્લોટમાં થયેલા બાંધકામને FSIમાંથી સંપૂર્ણ મુક્તિ.
૨. નોન-ટીપી એરિયામાં નિયત સમય પહેલાં મંજૂર થયેલી બિનખેતી તથા સબ પ્લાનિંગના કિસ્સામાં ૨૫૦૦ ચો.મી. સુધીના પ્લોટમાં કોઈ કપાત નહીં.
૩. એફોર્ડેબલ હાઉસિંગ માટે બિલ્ડરોને પ્રોત્સાહન.
૪. કોમન પ્લોટથી નાના પ્લોટના કિસ્સામાં પ્લોટ સાઇઝ મુજબ માર્જિન રાખી શકાશે.
૫. ઈન્ડસ્ટ્રીઝ માટેના નાના પ્લોટમાં માર્જિન ઘટાડી શકાશે.
૬. સોલર પાવર પ્લાન્ટ દરેક ઝોનમાં નાખી શકાશે.
૭. મ્યુનિ. કોર્પો.માં સત્તામંડળોમાં રજિસ્ટર્ડ-એન્જિનિયર-આર્કિટેક્ટ સમગ્ર રાજ્યમાં કામ કરી શકશે.
૮. પેટ્રોલ પંપ તથા ફ્યૂઅલિંગ સ્ટેશનો રોડના જંકશન ઉપર લગાવી શકશે.
૯. મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ, એર હેન્ડલિંગ યુનિટ, ફાયર ઇક્વિપમેન્ટ અને એર કન્ડિશનિંગ સિસ્ટમ FSIમાંથી બાદ મળશે.
૧૦. ૧૫થી ૨૫ મીટરની બિલ્ડિંગની ઊંચાઈ તથા ઊંડાઈ ૩૦ મીટરથી વધારે ના હોય તેવા કિસ્સામાં સાઈડ અને રિઅર માર્જિનમાં વિહિક્યુલર રેમ્પ મળવાપાત્ર થશે.

 FSIના લાભો મેળવી ક્યાં ક્યાં ગામો થઈ શકે છે માલામાલ  :

D-૧ – અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત અને રાજકોટ અર્બન ઓથોરિટીઓ. D-૨ – જૂનાગઢ, જામનગર, ભાવનગર તેમજ ભરૂચ અંકલેશ્વર અર્બન ઓથોરિટીઓ. D-૪ – હિંમતનગર, સુરેન્દ્રનગર વઢવાણ, મોરબી વાંકાનેર, બારડોલી, નવસારી, આણંદ વિદ્યાનગર અર્બન ઓથોરિટીઓ. D-૭A – અમરેલી, બોટાદ, ગોધરા, જેતપુર નવાગઢ, મહેસાણા, નડિયાદ, પાલનપુર, પાટણ, પોરબંદર, વલસાડ, વાપી, વેરાવળ, પાટણ, બિલિમોરા, બોરસદ, ડભોઈ, દાહોદ, ડીસા, ધ્રાંગધ્રા, ધોળકા, ધોરાજી, ગોંડલ, કડી, કેશોદ, ખંભાત, મહુધા, માંગરોળ, મોડાસા, ઓખા, પાલિતાણા, પેટલાદ, સાવરકુંડલા, સિદ્ધપુર, ઉના, ઊંઝા, ઉપલેટા, વિરમગામ અને વિસનગર વિસ્તારને મળશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં બાંધકામ ક્ષેત્રનાં નિયમો સરળ અને સામાન્ય માનવીને પણ લાભકર્તા હોય તેવા બનાવીને રિયલ એસ્ટેટ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું ભર્યું છે. આ સિવાય પણ વિજયભાઈ રૂપાણીએ શહેરી વિકાસ ક્ષેત્રોને આયોજનબદ્ધ વેગ આપવા સાથે ખાનગી અને જાહેર જમીનો પરની ઝૂંપડપટ્ટી વસાહતોને સુવિધાયુક્ત આવાસ મળે તે માટે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના તહેત ર૦રર સુધીમાં સૌને આવાસ છત્ર મળે તેવા અનેક પહેલરૂપ નિર્ણયો તાજેતરમાં કર્યા છે. એટલું જ નહીં, ટી.પી. એક્ટનાં ૧૦૦ વર્ષનાં ઈતિહાસમાં પ્રથમવાર એક જ વર્ષમાં ૧૦૦ ટી.પી. સ્ક્રીમ મંજૂર કરવાની સિદ્ધિ મુખ્યમંત્રીશ્રીએ હાંસલ કરી છે. મુખ્યમંત્રીશ્રીએ રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે સરળ અને સંક્ષિપ્ત નિયમો જાહેર કરી શહેરી વિકાસ વિભાગ અંતર્ગત દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન – સત્તામંડળ તેમજ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં દરેકને લાભકર્તા રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતનાં લોકોનું ઘરનાં ઘરનું સપનું પૂર્ણ કરવા રૂપાણીજીએ લીધેલા ઐતિહાસિક નિર્ણયોથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે રેકોર્ડ બ્રેક તેજી આવશે જે એકંદરે સૌને રાજી કરશે.

Leave a Response

error: Content is protected !!