રાજનીતિ

સાધ્વી પ્રજ્ઞાના સંસ્કૃત ભાષામાં શપથગ્રહણ દરમિયાન સર્જાયો વિવાદ , વિપક્ષે કરી નારેબાજી…

114views

હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેનારી ભાજપની સાંસદ સાધ્વી પ્રજ્ઞાન ઠાકુર ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે. સોમવારે 17મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત થઈ ગઈ છે. અને લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા ત્યારે વિવાદ સર્જાયો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર જેવા શપથ લેવા પહોંચ્યા ત્યારે વિપક્ષના સભ્યોએ તેમના નામને લઈને વાંધો ઉઠાવ્યો હતો.

પ્રજ્ઞા ઠાકુરે સંસ્કૃતમાં શપથ લીધા હતા. જેવા જ તેમણે સંસ્કૃતમાં પોતાના નામની પાછળ સ્વામી પૂર્ળચેતનાનંદ અવધેશાનંદ ગિરી જોડીને શપથ લેવાનું શરૂ કર્યું હતું. જેના કારણે વિપક્ષે સાંસદોએ આપત્તિ દર્શાવી હતી.

તમને જણાવી દઈએ કે, સાધ્વી પ્રજ્ઞાએ ચૂંટણી ઉમેદવારી પત્રમાં પોતાના પિતાનું નામ સી.પી સિંહ લખાવ્યું છે. પણ શપથ વખતે સાધ્વી પ્રજ્ઞાએ સંસ્કૃતમાં કહ્યું કે, ‘હું સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સ્વામી પૂર્ળચેતનાનંદ અવધેશાનંદ ગિરી લોકસભા સદસ્યના રૂપમાં…સાધ્વી પ્રજ્ઞાએ પોતાના નામની સાથે પોતાનું આધ્યાત્મિક ગુરુના નામનું ઉચ્ચારણ કરતાં વિપક્ષે તેમને અટકાવ્યા હતા. જે બાદ સાધ્વી પ્રજ્ઞા શપથ લેતાં રોકાઈ ગયા હતા.

વિપક્ષે સાધ્વી પ્રજ્ઞાના શપથ પર નારેબાજી કરી હતી. જેના પછી પ્રોટેમ સ્પીકરે રેકોર્ડ ચેક કરવાની વાત કરી હતી. કેમ કે, સાધ્વી પ્રજ્ઞાનું કહેવું છે કે, તેને પોતાના ઉમેદવારી પત્રમાં આ જ નામ આપ્યું છે. બાદમાં પ્રોટેમ સ્પીકરે કહ્યું કે, જે નામ રેકોર્ડમાં દાખલ હશે, તેની સાથે જ શપથ લઈ શકાય છે. પણ સાધ્વીના રેકોર્ડમાં તેમના આધ્યાત્મિક ગુરુનું નામ ન હતું. આમ પ્રથમ દિવસે જ સંસદમાં સાધ્વી પ્રજ્ઞાએ અસત્ય બોલીને સંસદની ગરિમાને લાંછન લગાવ્યું હતું. અને લોકસભાના અનુસાનનો નિયમ તોડ્યો હતો.

વિપક્ષના વિરોધ બાદ સાધ્વીના સમર્થનમાં બીજેપીના સાંસદો પણ પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા હતા. અને નારેબાજી કરવા લાગ્યા હતા. અંતે ભારે હોબાળા બાદ સાધ્વી પ્રજ્ઞાએ ઈશ્વરના નામે શપથ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સાધ્વી પ્રજ્ઞા મુંબઈ હુમલાના શહીદ એટીએસ ચીફ હેમંત કરકરે અંગે કહ્યું હતું કે, તેઓને તેમનાં કર્મોની સજા મળી છે. મેં તેને શ્રાપ આપ્યો હતો. તો મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને શહીદ ગણાવી ચૂકી છે.

Leave a Response

error: Content is protected !!