રાજનીતિ

ગુજરાત ભાજપમાંથી રાજ્યસભા ઉમેદવારોના નામ જાહેર, ડો.એસ. જયશંકર અને જુગલજી ઠાકોર 25 જૂને ભરશે ફોર્મ

125views

લોકસભા ચૂંટણીમાં ગજરાતમાંથી રાજ્યસભા સાંસદ બનેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણી જીતી લોકસભા સાંસદ બનતા ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. રાજ્યસભાની આ બંને બેઠકો પર આગામી 5 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે પોતાના બંને ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે.

ડો.એસ. જયશંકર અને જુગલજી ઠાકોર 25 જૂને ભરશે ફોર્મ

ગુજરાતની બે રાજ્યસભા બેઠક પર ભાજપે પોતાના નામ જાહેર કરી દીધા છે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ વિદેશપ્રધાન ડો.એસ. જયશંકર અને ઉત્તર ગુજરાતનાં OBC આગેવાન જુગલજી ઠાકોરનાં નામ જાહેર કર્યા છે. આ બંને ઉમેદવરો 25 જૂને એટલે કે આવતીકાલે રાજ્યસભા બેઠક માટે પોતાની ઉમેદવારી નોંધાવશે. ડો.એસ. જયશંકરને વિદેશપ્રધાન બનાવી મોદીએ સૌને ચોંકાવી દીધા હતાં ત્યારે વધુ એક વાર રાજ્યસભા ઉમેદવાર તરીકે જુગલજી ઠાકોરની પસંદગી કરી મોદીએ સૌને ચોંકાવી દીધા છે.

જાણો શા માટે મોદીએ ડો.એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની રાજ્યસભા માટે પસંદગી કરી

મોદી સરકારના બીજા કાર્યકાળમાં મંત્રીમંડળમાં સામેલ નહી થનાર સુષ્મા સ્વરાજની જગ્યાએ વડાપ્રધાન પીએમ મોદીએ પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વિદેશ મંત્રી બનાવીને બધાને ચોંકાવી દીધા. ઘણા ઓછા લોકોને એ વાતની જાણકારી હશે કે મોદી જયશંકરની કાર્યપદ્ધતિથી બહુ પ્રભાવિત રહ્યા છે. કેમ કે ડોકલામ વિવાદને લઈને યુએનમાં ભારતનો પક્ષ મુકવા સુધીની બાબતે પડદા પાછળ એસ જયશંકરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની પાસે વિદેશ મામલે જોડાયેલા કામનો મોટો અનુભવ છે. તેથી તેમને આ જવાબદારી આપવામાં આવી છે. જેનો ભરપૂર લાભ આગામી સમયમાં સરકારને મળશે.

એસ. જયશંકર મોદી સરકારમાં 2015 થી 2018 સુધી વિદેશ સચિવપદે રહ્યાં. વર્ષ 2013માં તેઓ ભારતના રાજદૂત તરીકે અમેરિકામાં હતા. જયશંકરે ઓબામાના પ્રશાસન સાથે મોદીને નજીક લાવવામાં પણ રાજદૂત તરીકે તખ્તો તૈયાર કર્યો હતો. અમેરિકા અને ભારતની વચ્ચે વધી રહેલા સંરક્ષણ સબંધોમાં પણ તેમની મોટી ભૂમિકા રહી છે.એવુ પણ કહેવાય છે કે, 2013માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પણ જયશંકરને વિદેશ સચિવ બનાવવા માગંતા હતા પણ સિનિયોરીટીમાં તેઓ પાછળ હોવાથી સુજાતા સિંહ વિદેશ સચિવ બન્યા હતા.

રાજ્યસભાનાં બીજા ભાજપ ઉમેદવાર જુગલજી ઠાકોરની વાત કરીએ તો જુગલજી ઠાકોર ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા મથુરજી ઠાકોરના પુત્ર છે. હાલ જુગલજી ઠાકોર ભાજપના બક્ષીપંચના આગેવાન પણ છે. હાલમાં તેઓ કોળી વિકાસ બોર્ડના ડિરેક્ટર છે તેમજ ઠાકોર સેવા સંઘનાં પ્રથમ પ્રમુખ પણ છે. જુગલ ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં મહેસાણા અથવા તો પાટણ બેઠક પરથી ટિકીટની માંગણી કરી હતી. જ્ઞાતિનું સમીકરણ જાળવી રાખવા ભાજપે રાજ્યસભા માટે તેમને પસંદ કર્યા છે.

Leave a Response

error: Content is protected !!