રાજનીતિ

સૌરાષ્ટ્રના 737 ગામોમાં પહોંચશે મા રેવાનું પાણી, સૌની યોજનાનું આ કામ 15 ઓગસ્ટ પહેલા પુર્ણ થશે

728views
  • સૌની’ ફેઇઝ-ર ના કામો આગામી સ્વાતંત્ર્ય દિવસ ૧પ ઓગસ્ટ પહેલાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી રૂપાણીનું સૂચન
  • સૌની’ યોજનાના ફેઇઝ-ર અને ફેઇઝ-૩ ના કાર્યોની પ્રગતિની ઉચ્ચસ્તરિય સમીક્ષા કરતા વિજયભાઇ
  • નર્મદા જળથી સૌરાષ્ટ્રના ૧૧પ જળાશયો ભરીને ૧૧ જિલ્લાના ૭૩૭ ગામો-૩૧ શહેરોને સિંચાઇ અને પીવાના પાણી પૂરા પાડવાનું ઇજનેરી કૌશલ્ય ‘સૌની’ યોજના છે
  • ત્રીજા તબક્કાના કામો માર્ચ-ર૦ર૧ સુધી પૂરાં કરી ૪ર જળાશયો ડેમ નર્મદા જળથી ભરવા તાકીદ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદા જળથી તૃપ્ત કરનારી ‘સૌની’ યોજનાના ફેઇઝ-ર ના કામો આગામી સ્વાતંત્ર્ય દિવસ ૧પ ઓગસ્ટ પહેલાં સંપૂર્ણત: પૂરાં કરી દેવા રાજ્યના જળસંપત્તિ વિભાગને સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રીશ્રી ‘સૌની’ યોજનાના કાર્યોની પ્રગતિની સમીક્ષા વરિષ્ઠ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજીને કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નર્મદા મૈયાના જળ કચ્છ-સૌરાષ્ટ્રમાં પહોચાડીને આ વિસ્તારોના ૧૧પ જળાશયો નર્મદા જળથી ભરીને ૧૧ જિલ્લાના ૭૩૭ ગામો તથા ૩૧ શહેરોને સિંચાઇ અને પીવા માટે પાણી આપવાની ઇજનેરી કૌશલ્યયુકત આ એક મહત્વપૂર્ણ યોજના છે.
આ યોજનાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ જતાં ૧૬ ડેમમાં પાણી આપી શકાય છે. અને હવે બીજા તબક્કામાં પ૪૧ કિ.મીટર પાઇપ લાઇન કામોથી પ૭ જળાશયો ભરવાની કામગીરી પણ પૂર્ણતાને આરે છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કહ્યું કે, બીજા તબક્કાની ચારેય લીંકની બધી જ કામગીરી ૧પ ઓગસ્ટ-ર૦ર૦ સુધીમાં પૂર્ણ કરવાના સમયબદ્ધ આયોજન સાથે વિભાગ કાર્યરત રહે.
તેમણે એમ પણ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક એવા જળાશયો-નાના ડેમ છે જે બ્રિટીશરોના સમયથી નહિવત જળવાળા કે ખાલી જેવા પડયા છે તેવા આ સૌની યોજનાના વિવિધ તબક્કાઓ સાથે જોડાયેલા જળાશયોમાં પણ નર્મદા જળ સત્વરે પહોચાડવાની કાર્યવાહી થાય તે જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ સૌનીના ત્રીજા તબક્કાની ફેઇઝ-૩ની કામગીરીની વિશદ છણાવટ કરતાં કહ્યું કે, ત્રીજા તબક્કામાં ત્રણ લીંક દ્વારા ૪પ૭ કિ.મી.ની પાઇપલાઇનથી ૪ર જળાશયો ડેમ ભરવાના થાય છે તે કામગીરી પણ માર્ચ-ર૦ર૧ સુધીમાં એટલે કે આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં પૂરી થાય તેવું આયોજન વિભાગ કરે.
આ ત્રીજા તબક્કામાં ૬૩ ટકા એટલે કે ર૮૮ કિ.મીટરના પાઇપ મેન્યૂફેકચર કામો પૂરાં થયા છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રેઝન્ટેશનમાંથી મેળવી હતી.
સૌની યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ત્રણેય તબક્કાની ચાર લીંક મળીને કુલ રૂ. ૧૪૭૦૭ કરોડનો ખર્ચ થયો છે. જેમાં રૂ. ૬૮પ૪ કરોડના ખર્ચ સાથેનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે તેમજ રૂ. ૬૯૭૩ કરોડના ખર્ચ સાથેનો બીજો તબક્કો લગભગ પૂર્ણતા તરફ છે તેની પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ યોજેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, જળસંપત્તિ સચિવ શ્રી જાદવ, ખાસ સચિવ શ્રી એમ. પી. રાવલ, શ્રી કાનાણી અને શ્રી કલ્યાણી સહિતના અધિકારીઓ જોડાયા હતા.

Leave a Response

error: Content is protected !!